ઉત્તર અફઘાનિસ્તાનમાં બે અલગ-અલગ મામલામાં પ્રાથમિક શાળાની 80 છોકરીઓને ઝેર આપવામાં આવ્યું હતું. તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ વિસ્તારના શિક્ષણ અધિકારીએ રવિવારે આ માહિતી જણાવી હતી. ઓગસ્ટ 2021માં તાલિબાન સત્તામાં આવ્યા બાદ આ પ્રકારની આ પહેલી ઘટના છે.
તાલિબાને પહેલાંથી જ દેશમાં છોકરીઓને છઠ્ઠા ધોરણથી આગળ ભણવા પર પ્રતિબંધ મૂક્યો છે. જે શાળાઓમાં છોકરીઓને ઝેર આપવામાં આવ્યું છે તે અફઘાનિસ્તાનના સર-એ-પુલ પ્રદેશમાં છે. બંને શાળાઓ નજીક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. એક પછી એક આ શાળાઓને નિશાન બનાવવામાં આવી હતી.
ષડ્યંત્ર હેઠળ છોકરીઓને ઝેર આપવામાં આવ્યું
સર-એ-પુલના શિક્ષણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે તેઓ મામલાની તપાસ કરી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં કોઈનું કાવતરું લાગી રહ્યું છે. છોકરીઓને કેવી રીતે ઝેર આપવામાં આવ્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. તેમજ છોકરીઓની ઉંમર અને તેઓ કયા વર્ગમાં અભ્યાસ કરે છે તે અંગે પણ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
2015માં અફઘાનિસ્તાનમાં પણ આવી જ ઘટના બની હતી. ત્યારબાદ હેરાત પ્રાંતમાં અલગ અલગ શાળાની 600 છોકરીઓને ઝેર આપવામાં આવ્યું હતું. ત્યારે પણ કોઈ સંસ્થાએ તેની જવાબદારી લીધી ન હતી. જોકે તે સમયે ઘણાં માનવાધિકાર સંગઠનોએ આ ઘટના માટે તાલિબાનને જવાબદાર ઠેરવ્યું હતું.
તાલિબાન ઈચ્છે છે કે વિશ્વ તેને માન્યતા આપે
આ ઘટના ત્યારે બની છે જ્યારે 4 દિવસ પહેલાં અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે દુનિયાના તમામ દેશોને તેને માન્યતા આપવાનું કહ્યું છે. કતારના વડાપ્રધાન મોહમ્મદ બિન થાની આ સંબંધમાં વાતચીત માટે 12 મેના રોજ અફઘાનિસ્તાનના કંધાર ગયા હતા. થાનીએ કંધારમાં અફઘાન તાલિબાનના સર્વોચ્ચ નેતા હેબુતુલ્લા અખુન્દઝાદા સાથે ગુપ્ત બેઠક કરી હતી. તેની જાણકારીRLSબુધવારે સામે આવી હતી.
એક રિપોર્ટ અનુસાર, થાનીએ અખુંદઝાદાને સ્પષ્ટ કહ્યું કે જો તે ઈચ્છે છે કે દુનિયા તાલિબાન શાસન અને અફઘાન સરકારને માન્યતા આપે તો તેણે મહિલાઓને તેમના અધિકારો આપવા પડશે. આ મુદ્દે વાતચીત અટકી ગઈ હતી.
આવી ઘટના ઈરાનમાં પણ બની છે
આ વર્ષે માર્ચમાં ઈરાનમાં પણ આવી જ એક ઘટના બની હતી. ઈરાનમાં વિદ્યાર્થિનીઓને ભણતા અટકાવવા માટે ઝેર આપવામાં આવ્યું હતું. આ વાતનો ખુલાસો નાયબ સ્વાસ્થ્ય મંત્રી યુનુસ પનાહીએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે – નવેમ્બર 2022થી, ઘોમ શહેરમાં વિદ્યાર્થિનીઓને ઝેર અપાયાના સેંકડો કેસ નોંધાયા છે.
તેમણે કહ્યું કે શાળાઓમાં પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે જેના કારણે વિદ્યાર્થીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તેમાં ઊલટી, શરીરનો ગંભીર દુખાવો અને માનસિક સમસ્યાઓનો સમાવેશ થાય છે. તેમની હાલત એટલી બગડી રહી છે કે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.