News Updates
SURAT

ક્રાઇમ પેટ્રોલ જેવી મર્ડર મિસ્ટ્રી:પત્નીએ દીકરીઓ સાથે મળી ગુજરાતમાં પતિને મોતને ઘાટ ઉતાર્યો; વતન પહોંચી પરિવારને કહ્યું, ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં પતિનું મોત થયું

Spread the love

હાલમાં હત્યાના ઘણા બનાવો સામે આવી રહ્યાં છે. જ્યાં કોઈ પૈસા માટે કોઈની હત્યા કરાવે છે. તો કોઈ પૈસા માટે જાતે જ હત્યા કરે છે. કેટલાક કિસ્સાઓમાં પ્રેમસંબંધ મોતનું કારણ બનતો હોય છે. અને આવી અનેક હત્યાની ઘટનાઓ આપણે ક્રાઇમ પેટ્રોલની સિરિયલમાં જોઈ હશે. ત્યારે આવી જે એક મર્ડર મિસ્ટ્રીનો કેસ સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાંથી સામે આવ્યો છે. જેણે હત્યા બાદ લોકોને ગોથે ચડાવવા હાલમાં બનેલી ઓરિસ્સા ટ્રેન દુર્ઘટનાનો સહારો લીધો. બારડોલીમાં એક પત્નીએ જ તેની બે દીકરીઓ સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો બાદમાં કોથળામાં લાશ નાખી. રાતના અંધારામાં જમીનમાં દાટી અને વતનમાં સસરાના મોતનું કારણ આપી ફરાર થઈ ગઈ… આવો જાણીએ પોલીસે કઈ રીતે સોલ્વ કરી આ મર્ડર મિસ્ટ્રી

જમીનમાં ખાડો ખોદીને તપાસ કરતા કોથળો મળ્યો
માંગરોળના પીપોદરા ગામે આવેલા લુમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 50 વર્ષીય પુરૂષ નરેશ તૃષ્ટી નાયક તેઓની પત્ની અને બે દીકરી સાથે ઉમંગ રેસીડેન્સીમાં રહેતા હતા. તેઓનું એટલે કે નરેશ તૃષ્ટી નાયકને તેમના રહેણાંક મકાન નજીક આવેલી ખુલ્લી જગ્યામાં જ મોતને ઘાટ ઉતારી જમીનમાં દાટી દેવામાં આવ્યા હતા. થોડા દિવસો બાદ સ્થાનિકોને દુર્ગંધ આવતા જમીનમાં ખાડો ખોદીને તપાસ કરતા અંદરથી એક કોથળો મળી આવ્યો હતો. જે કોથળામાં ખોલીને જોતા અંદર લાશ હતી. જેથી સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા કોસંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો.

‘મને નરેશે જણાવ્યું હતું હું વતન જવાનો છું’
પોલીસે આજુબાજુમાં રહેતા લોકોના નિવેદનો લઈ તપાસ હાથ ધરતા મૃતક નરેશ તુષ્ટિ નાયકના પાડોશી મોહમ્મદ યાકુબ ઉર્ફે મુના મહોમદ હદિશ સાંઈએ જણાવ્યું હતું કે, ગત તા. 2/6/2023ના રોજ સવારના નવ વાગ્યે હું મારી નોકરી ઉપર ગયેલો અને ત્યાં હાજર હતો. તે દરમિયાન બપોરના બારેક વાગ્યાના અરસામાં નરેશ ઉર્ફે પરેશનો ફોન આવેલો અને મને જણાવેલ કે, શનિવારે હું મારા વતનમાં જવાનો છું. રેલવે ટિકિટ મેં કઢાવી લીધેલી છે. મને રેલવે સ્ટેશન છોડવા આવજો તેવી વાત કરેલી. ત્યાર પછી રાતના દશેક વાગ્યે મારી કંપનીમાં જમી પરવારી હું મારા રૂમ ઉપર આવતો હતો. ત્યારે નરેશ મને નીચે મળ્યો હતો જેથી ત્યારે મેં તેને કેમ અચાનક ગામ જાય છે તેમ પુછતા નરેશે મને જણાવેલ કે, વતનમાં મારી બહેન વિધવા છે. તેને અમુક લોકો હેરાન કરે છે માટે બહેનને મળવા માટે જાવ છું. તેવી વાત જણાવેલી ત્યાર પછી હું મારા રૂમ ઉપર આવી સુઇ ગયેલો.

સવિતા અને તેની બે દીકરી દરવાજા પાસે બેસી રડતા હતા
બીજા દિવસે એટલે કે તા. 3/06/2023ના રોજ સવારમાં છ વાગ્યે ઉઠી સાતેક વાગ્યાના અરસામાં કીમ ચાર રસ્તા ખાતે નશીબ મોટર ડ્રાઇવિંગ સ્કુલમાં ફોર વ્હીલ શીખવા માટે ગયેલો અને ત્યાંથી પરત નવેક વાગ્યાના અરસામાં હું કીમ ચાર રસ્તાથી મારા રૂમ ઉપર આવતો હતો. ત્યારે મારા બાજુની રૂમમાં નરેશની પત્ની સવિતા તથા બંને છોકરીઓ સોનિયા તથા પિંકલ તેમના રૂમના દરવાજા પાસે બેસી રડતા હતા. જેથી મેં સવિતાને રડવા બાબતે પુછતા તેણીએ મને જણાવેલ કે, વતનમાં મારા સસરા તૃસ્ટી નાયક ગુજરી ગયેલા છે. તેવી વાત કરતા મેં તેણીને માસ્ટર કયાં છે? તેમ પુછતા તેણીએ જણાવેલ કે માસ્ટર વહેલી સવારમાં નિકળી ગયા છે. મે સવિતાને માસ્ટરની રેલવેની ટિકિટ આજ રાતના પોણા અગીયાર વાગ્યાની છે તો વહેલા કેમ નીકળી ગયા અને મને જાણ કેમ ના કરી તે બાબતે પુછતા. તેણીએ જણાવેલ કે, તમે સુઇ ગયા હતા માટે તમને ઉઠાડ્યા નહતા. આટલી વાત કર્યા પછી હું મારા રૂમ ઉપર જઇ તૈયાર થઇ મારી નોકરી ઉપર જતો રહેલો.

સવિતાએ મને તેઓને રેલવે સ્ટેશન છોડવા આવવાનું કહ્યું હતું
બપોરના હું કંપનીમાં જમી પરવારી એપાર્ટમેન્ટના નીચે ગીરીરાજ ડાઇનીંગ હોલમાંથી જમવાનુ પાર્સલ લઇ રૂમ ઉપર ગયેલો. જ્યાં મારા બાજુમાં નરેશની પત્ની સવિતાને જમવાનું પાર્સલ આપેલું. તે વખતે આ સવિતાએ મને જણાવેલ કે, અમારે પણ વતનમાં સસરા મરી ગયા છે ત્યાં જવાનુ છે. અમને રેલવે ટિકિટ કરી આપો ત્યારે મે તેઓને હા પાડેલી અને સાંજના તેઓના વતનની વેઇટીંગમાં રેલવે ટિકિટ કરી આપી હતી. તેઓને ટિકિટ આપી પછી હું પરત મારી કંપનીમાં નોકરી જતો રહેલો અને રાતના આઠેક વાગ્યાના અરસામાં પરત રૂમ ઉપર આવ્યો હતો. ત્યારે સવિતાએ મને તેઓને રેલવે સ્ટેશન છોડવા આવવાનું કહ્યું હતું. હું તેઓને રીક્ષામાં બેસાડી સુરત રેલવે સ્ટેશન ખાતે આવી રાતના પોણા અગીયારની વાગ્યાની અમદાવાદ-પુરી જતી ટ્રેનમાં બેસાડી પરત રાતના બારેક વાગ્યાના અરસામાં આવી સુઇ ગયો હતો.

લાશના કમરમાં બ્લ્યુ સફેદ ચોકડી ડીઝાઇન વાળી લુંગી હતી
ગઇકાલ તા. 6/6/2023ના રોજ સવારે નવ વાગ્યે હું નોકરી ઉપર ગયેલો હતો અને સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામાં પીપોદરા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં શાકભાજી લેવા માટે ગયેલો અને શાકભાજી લઇ પરત કંપનીમાં જતો હતો. ત્યારે ઉમંગ રેસીડેન્સીની પાછળ માણસોનું ટોળુ ભેગુ થયેલું હતું. જેથી હું ત્યાં આગળ જોવા માટે ગયો હતો અને ત્યાં જોયુ તો ઉમંગ રેસીડેન્સીની પાછળ કંપાઉન્ડની દીવાલને અડીને જમીનમાં દુર્ગંધ મારતુ કોથળું હતું. જે બહાર કાઢી ખોલી જોતા તેમાં એક માણસની કોહવાઇ ગયેલી લાશ હતી. જેના બંને હાથ નાયલોન જેવી દોરીથી બાંધેલી હાલતમાં હતા અને બંને આંખ કહોવાઇ ગયેલી હતી. જીભ બહારની સાઇડે નિકળેલી હતી. લાશના શરીર ઉપર જીવડા ફરતા હતા અને આ લાશના કમરમાં બ્લ્યુ સફેદ ચોકડી ડીઝાઇન વાળી લુંગી હતી.

ઓરિસ્સા રેલવે અકસ્માતમાં નરેશ ગુજરી ગયા છે.
લુંગી જોતા જ તે મારા રૂમની બાજુમાં રહેતા નરેશની હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર પછી મેં નરેશના ભત્રીજા ટુબલુ ઉર્ફે અનિલ પ્રતાપ નાયકને ઘટનાની જાણ ફોન વડે સંપર્ક કરી જણાવી હતી. જેથી ટુબલુ ઉર્ફે અનિલ પ્રતાપ નાયક તથા તેના પિતા પ્રતાપ નાયક આવતા તેઓએ પણ આ મરનારની લાશ પોતાના કાકા/ભાઇની હોવાનું ઓળખી બતાવ્યું હતું. જેથી અનિલ અને તેના પિતા પણ શોકમાં મુકાઈ ગયા હતા. બાદમાં તેમણે જણાવ્યું હતું કે, મારા કાકી સવિતાએ વતનમાં જણાવ્યું છે કે, ઓરિસ્સા રેલવે અકસ્માતમાં મૃતક નરેશ તુષ્ટિ નાયક ગુજરી ગયા છે. તેઓની વાત સંભાળી પાડોશી પણ ચોકી ગયો હતો અને મૃતક નરેશનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો.

પોલીસે FSLની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી
ત્યારબાદ નરેશ તુષ્ટિ નાયકનો મૃતદેહ ગત રાત્રિના રોજ ઘર નજીક આવેલી ખુલ્લી જગ્યામાં સ્થાનિકોએ ખાડો ખોદતા પ્લાસ્ટિકના કોથળામાંથી મળી આવ્યો હતો. મૃતક નરેશ તુષ્ટિ નાયકના મૃતદેહનો પોલીસે કબજો લઈ તપાસ કરતા તેઓનું મોત ચાર-પાંચ દિવસ અગાઉ થયું હોવાનું જાણવા મળ્યું હતું અને તેઓની હત્યા થઈ હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મૃતક નરેશને પત્ની સવિતાએ બે દીકરીઓની મદદગારીથી મૂઢમાર મારી અથવા ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું પડોશીએ અનુમાન લગાવતા જણાવ્યું હતું. કોસંબા પોલીસ મથકના પીઆઇ એચ.બી.ગોહિલ અને PSI જે.કે મૂળિયાએ FSL ટીમને સ્થળ પર બોલાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને હત્યારી પત્ની સુધી પહોંચી વળવા બાતમીદારોને કામે લગાડ્યા છે.

ત્રણેયને શોધવાની તજવીજ હાલ ચાલી રહી છે
સુરત ગ્રામ્યના DYSP B.K વનારે ઘટના અંગે જણાવ્યું હતું કે, સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સીની કલમ 302, 201, 120 (બી) હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બનાવની હકકીત એવી છે કે, ઉમંગ રેસિડન્સીમાં એક પરિવાર રહેતો હતો. જ્યાં નરેશ તેની પત્ની સવિતા અને તેની બે દીકરીઓ સોનિયા અને પીંકલ એમ ચાર સભ્યો રહેતા હતા. અગમ્ય કારણોસર મૃતકનું તેની પત્ની અને તેની બે દીકરીઓ વડે કોઈ બોથડ પદાર્થ અથવા ગળું દબાવીને મર્ડર કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ તેઓ ઓરિસ્સા નાશી ગયા છે. જ્યાં જતા પહેલા તેમણે લાશને ખાડો ખોદી અને કોથળામાં બાંધી નાખી દીધી છે. આ બનાવ 2થી 3 તારીખ દરમિયાન બન્યો હતો. જેની દુર્ગંધ મારતા ખાડો ખોદી બહાર કાઢતા બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યાં લોકોને ગુમરાહ કરવા સવિતાએ સસરા મરણ પામ્યા હોવાથી વતન જવાનું કહ્યું હતું. જ્યાં ગામડે મરણજનારની હાજરી ન હોવાથી ત્યાંના લોકોને ગોથે ચડાવવા હાલમાં તાજેતરમાં બનેલી ટ્રેનની દુર્ઘટનામાં પતિનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. હાલ ફરાર ત્રણેય આરોપીઓને શકમાં રાખી ગુનો નોંધવામાં આવ્યો છે અને ત્રણેયની શોધખોળ હાલ ચાલી રહી છે.


Spread the love

Related posts

રેલવે ટ્રેક ક્રોસ કરતા ટ્રેન નીચે કચડાયા:ટ્રેન અડફેટે ત્રણેય મિત્રોનું એક સાથે મોત, દિવાળીની ઉજવણી બાદ રોજગારી મેળવવા ઉત્તર પ્રદેશથી સુરત આવ્યા

Team News Updates

SURAT:લવ જેહાદનો શિકાર બની 13 વર્ષની હિન્દુ સગીરા:અલગ અલગ રાજ્યમાં ફેરવી દુષ્કર્મ આચરતો,સુરતમાં 25 વર્ષીય વિધર્મીએ અપહરણ કરી,પોલીસે હૈદરાબાદથી દબોચ્યો

Team News Updates

TAPI:40 લાખ ઉઠાવી ગયા તસ્કરો ATM તોડી :SBIના ATMમાં લાગેલા CCTV પર સ્પ્રે માર્યો ને ગેસકટરથી મશીન કાપ્યું; પળવારમાં લાખોની ઉઠાંતરી કરી રફુચક્કર

Team News Updates