લખનઉના કૈસરબાગમાં સ્થિત કોર્ટ કેમ્પસમાં બુધવારે બપોરે હાજર થવા આવેલા બદમાશ સંજીવ મહેશ્વરી ઉર્ફે જીવાની ગોળી મારીને હત્યા કરવામાં આવી. હુમલાખોરો વકીલના ડ્રેસમાં આવ્યા હતા. ફાયરિંગમાં એક યુવતી, એક પોલીસકર્મી સહિત ચાર લોકો ઘાયલ થયા છે. ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલાખોરો નાસી ગયા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ તહેનાત છે.
જીવા મુખ્તાર અંસારીની નજીક હોવાનું કહેવાય છે. હાલ તે લખનઉ જેલમાં બંધ હતો. તાજેતરમાં જ પ્રશાસને તેની સંપત્તિ પણ જપ્ત કરી હતી. જીવા મુઝફ્ફરનગરનો કુખ્યાત ગેંગસ્ટર હતો. શરૂઆતના દિવસોમાં તે દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો. બાદમાં એ જ દવાખાનાના માલિકનું અપહરણ કર્યું હતું.
આ ઘટના બાદ તેણે 90ના દાયકામાં કોલકાતાના એક બિઝનેસમેનના પુત્રનું પણ અપહરણ કર્યું હતું અને 2 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. આ પછી તે હરિદ્વારની નાઝીમ ગેંગમાં જોડાયો, પછી સતેન્દ્ર બરનાલા સાથે જોડાયો, પરંતુ તેને પોતાની અંદર એક ગેંગ બનાવવાની ઝંખના હતી.
ભાજપના નેતા બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યામાં પણ તેનું નામ સામે આવ્યું
જીવાનું નામ 10 ફેબ્રુઆરી, 1997ના રોજ ભાજપના દિગ્ગજ નેતા બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યામાં સામે આવ્યું હતું. આ કેસમાં જીવાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. થોડા દિવસો પછી મુન્ના બજરંગી ગેંગમાં જોડાયો. એ જ સમયે તે મુખ્તાર અંસારીના સંપર્કમાં આવ્યો હતો.
કહેવાય છે કે મુખ્તારને અત્યાધુનિક શસ્ત્રોનો શોખ હતો, તો જીવા પાસે શસ્ત્રો એકત્રિત કરવાનું મોટું નેટવર્ક હતું. આ કારણથી તેને અન્સારીનો ટેકો હતો અને પછી કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં સંજીવ જીવાનું નામ પણ સામે આવ્યું હતું. જોકે થોડાં વર્ષો પછી મુખ્તાર અને જીવાને 2005ના કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. પોલીસ રેકોર્ડ મુજબ જીવા સામે 22થી વધુ કેસ નોંધાયા હતા. આમાંથી 17 કેસમાં સંજીવને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે તેની ગેંગમાં 35થી વધુ સભ્યો છે.
જીવા જેલમાંથી જ ગેંગનું સંચાલન કરતો હતો. તેના પર 2017માં બિઝનેસમેન અમિત દીક્ષિત ઉર્ફે ગોલ્ડીની હત્યા કેસમાં સંડોવણી હોવાનો પણ આરોપ હતો, જેમાં તપાસ બાદ કોર્ટે જીવા સહિત 4 આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.