રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલ કોહિનૂર એપાર્ટમેન્ટમાં વૃદ્ધાને બંધક બનાવી 15.25 લાખની થયેલ લૂંટના બનાવમાં આરોપીઓને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. સતત 36 કલાકની ભારે જહેમત ઉઠાવી રાત દિવસ અલગ અલગ ટીમોએ કરેલ તપાસના અંતે મહિલા અને તેના પ્રેમી સહીત 3 આરોપીની જૂનાગઢ ખાતેથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા સમગ્ર ટીમને રૂપિયા એક લાખનું ઇનામ પુરષ્કાર સ્વરૂપે જાહેર કરવામાં આવ્યું છે.
સતત 36 કલાક મહેનત કરી
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર કોહિનૂર એપાર્ટમેન્ટ ખાતે સોમવારે બપોરના સમયે થયેલ લૂંટનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ઝોન-2 ટીમને સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ઝોન-2 ની કુલ પાંચ ટીમના 35થી વધુ અધિકારીઓ અને જવાનોએ સતત 36 કલાક મહેનત કરી સીસીટીવી તેમજ ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ મદદથી કરેલ તપાસ અંતે લૂંટનુ શાતીર દિમાગી નેપાળી યુવતી સુશીલા ઉર્ફે રમા ઉર્ફે મીના શાહી (ઉ.વ.19) તેનો પ્રેમી પવનપ્રકાશ શાહી (ઉ.વ.38) અને નેત્ર શાહી (ઉ.વ.43) ની ધરપકડ કરવામાં આવી છે.
કોહિનૂર ફ્લેટમાં લૂંટ ચલાવી
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના જણાવ્યા મુજબ કોહિનૂર ફ્લેટમાં લૂંટ ચલાવ્યા પછી સુશીલા નેપાળી તેના પ્રેમી પવન સાથે રિક્ષા કરીને વૈશાલીનગરમાં સુશીલાએ ભાડે રાખેલી ઓરડીએ પહોંચ્યા હતા જ્યાં કપડા બદલાવીને મીનીટોમાં . ઓરડી ખાલી કરી નાસી ગયા હતા. વૈશાલીનગરથી અન્ય રિક્ષામાં ગોંડલ ચોકડીથી આગળ કોઠારીયા સોલવન્ટ સુધી પહોંચેલી ત્રિપુટ રિક્ષામાંથી ઉતારને ગયા બાદ ત્રીજી રિક્ષામાં ગોંડલ પહોંચ્યા હતા ગોંડલ હાઈ-વે કે સીટીમાં ઉતરવાના બદલે જ્યાંથી ખાનગી વાહનો મળી રહે છે એ ગુંદાળા ચોકડીએ ઉતર્યા હતા. રિક્ષામાંથી ઉતરીને પછી એક ખાનગી વાહનમાં જૂનાગઢ ઉતર્યા સુધીની પોલીસને માહિતી મળી હતી આ માહિતીના આધારે પોલીસની અલગ અલગ ટિમો જૂનાગઢ પહોંચી હતી.
ભવનાથની તળેટીમાં ગેસ્ટ હાઉસમાં રોકાયેલા હતા
પોલીસે મધરાતે જુનાગઢ શહેરમાં તેમજ ભવનાથ તળેટીમાં આવેલા ચોક્કસ ગેસ્ટ હાઉસ, ધર્મશાળા અને લોજમાં ચેર્કીંગ શરૂ કર્યું હતું. પોલીસે ગેસ્ટહાઉસ, ધર્મશાળા ચેક કર્યા પરંતુ લૂંટારુ ત્રિપુટી હાથ લાગી ન હતી છતાં આ પછી ભવનાથની તળેટીમાં આવેલા એક ચાર માળના ગેસ્ટ હાઉસમાંથી સુશીલા નેપાળી તેના કથિત કાકા સહિત ત્રણેય લૂંટારૂ સુશીલા ઉર્ફે રમા ઉર્ફે મીના શાહી (ઉ.વ.19) તેનો પ્રેમી પવનપ્રકાશ શાહી (ઉ.વ.38) અને નેત્ર શાહી (ઉ.વ.43) મળી આવતા પોલીસે તેની અટકાયત કરી રાજકોટ લાવી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કઈ રીતે બન્યો ચોરીનો પ્લાન
પોલીસની વધુ પુછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી સુશીલા તથા આરોપી પવનપ્રકાશ અગાઉ પોતાના મુળ વતન નેપાળ ખાતે રહેતા હતા અને બંન્ને વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ હોય અને પોતાના વતનમાં કોઇ કામધંધો મળતો ન હોય જેથી આજથી આશરે બે અઢી મહિના પહેલા કામધંધાની શોધમાં અહી રાજકોટ ખાતે આવેલ હોય અને આજથી આશરે બે મહિના પહેલા સુશીલાને આ કામના ફરીયાદી ને ત્યાં ઘરકામ મળતા પોતે ફરીયાદીના ઘરે કામ કરવા લાગેલ અને સુશીલા તથા પવનપ્રકાશની આર્થીક સ્થિતી બરાબર ચાલતી ન હોય અને રૂપિયાની જરૂરીયાત હોય અને સુશીલા ફરીયાદીના ઘરે ઘરકામે જતી હોય જેથી ફરીયાદીના ઘરેથી મોટી રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળે તેમ હોય જેથી સુશીલા તથા પવનપ્રકાશ એ મળી ફરીયાદીના ઘરમાં લુટ કરવાનો પ્લાન બનાવેલ હતો.
ઘેનની ટીકડી નાખી દીધી
પકડાયેલ અન્ય આરોપી નેત્ર શાહી જે પવનપ્રકાશનો મિત્ર છે જે પણ કામધંધા માટે આજથી થોડા દિવસો પહેલા અહી રાજકોટ ખાતે આવેલ હોય અને આરોપી પવનપ્રકાશ સાથે રાજકોટના સરનામે ભાડાના મકાનમાં સાથે રહેતો હતો અને સુશીલા તથા પવનપ્રકાશએ લુટના પ્લાન વીશે નેત્ર શાહીને વાત કરેલ બાદમાં તમામે પહેલાથી નકકી કરેલ હતુ કે, ફરીયાદીના ઘરે બપોરના સમયે ફરીયાદી એકલા હોય ત્યારે બનાવને અંજામ આપીશુ અને બનાવના દિવસે ફરીયાદીના ઘરે ફરીયાદી તથા તેનો પુત્ર બંન્ને એકલા હોય જેથી પ્લાન મુજબ ફરીયાદી તથા તેના પુત્ર ને મોકો મળે ત્યારે કોઇપણ ખાવા પીવાની વસ્તુમાં ઘેનની ટીકડી નાખી તેની અસર થતા તેઓ સુઇ જાય ત્યારે બનાવને અંજામ આપવાનુ નકકી કરેલ હતુ..
સ્ક્રુ ડાઇવરથી કબાટમાં ખોલ્યો
સુશીલા બનાવના દિવસે ફરીયાદીના ઘરે જ હતી ત્યારે નેત્ર શાહી એ પોતાની પાસે રહેલ ઘેનની ટીકડી પવનપ્રકાશ મારફતે સુશીલા ને આપેલ અને સુશીલા એ તે ઘેનની દવાની ટીકડી દુધમાં નાખી ફરીયાદી તથા તેના પુત્ર ને દુધ આપેલ જેથી તેઓ બંન્ને દૂધ પી ને સુઇ ગયેલ ત્યારબાદ સુશીલા એ પવનપ્રકાશને ફરીયાદીના ઘરે બોલાવેલ અને બંન્ને એ મળી ફરીયાદીના તથા તેના પુત્રના રૂમમાં રહેલ કબાટના દરવાજા સ્ક્રુ ડાઇવરથી ખોલી કબાટમાં રહેલ રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના કાઢતા હતા તે દરમ્યાન ફરીયાદી જાગી જતા તેઓને રોકતા પવનપ્રકાશ એ ફરીયાદી ને મુંઢ માર મારી બેડ ઉપર પછાડી દઇ ચાદર તથા ચુંદડીથી બાંધી અવાજ નહીં કરવા જણાવી મોઢે ડુચો દઇ ઘરમાંથી મળી આવેલ રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીના તથા અન્ય ચિજ વસ્તુ લઈ લૂંટને અંજામ આપ્યો હતો.
21.04 લાખનો મુદામાલ કબ્જે
હાલ પોલીસે આરોપીઓ પાસેથી 2.20 લાખ રોકડ તેમજ સોનાના ચાંદીના દાગીના મળી કુલ 21.04 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીઓએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ સહિતની દિશામાં તપાસ અર્થે આરોપીઓની પુછપરછ માટે કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓ રાજકોટ થી જૂનાગઢ અને ત્યાંથી સોમનાથ અને પછી મથુરા દર્શન કરી પરત પોતાના દેશ નેપાળ જવાના હતા જોકે જૂનાગઢથી આગળ સોમનાથ પહોંચે તે પહેલા જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.