News Updates
BUSINESS

સેનિટરી પેડને નષ્ટ થવામાં 800 વર્ષ લાગે:90% પ્લાસ્ટિક ધરાવતા 1200 કરોડ પેડ્સ દર વર્ષે કચરાપેટીમાં જાય છે; ડાયપર પણ જોખમકારક, ઉત્તર કોરિયામાં પ્રતિબંધ

Spread the love

પિરિયડ્સ એક એવો વિષય છે, જેની હવે ખુલ્લેઆમ ચર્ચા થઈ રહી છે. તરુણાવસ્થા પછી દરેક છોકરી અને સ્ત્રીને દર મહિને પિરિયડ્સમાંથી પસાર થવું પડે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે, જેમાંથી દરેક મહિલા પસાર થાય છે, પરંતુ બજાર હવે એનું મૂડીરોકાણ કરી ચૂક્યું છે. માર્કેટમાં સેનિટરી પેડ કંપનીઓની હવે ભરમાર જોવા મળી રહી છે. કોઈ કંપની દાગ ન લાગવાનો તો કોઈ લાંબા સમય સુધી ટકી રહેવાનો દાવો કરે છે.

વોટરએઇડ ઈન્ડિયા અને મેન્સ્ટ્રુઅલ હાઈજીન એલાયન્સ ઓફ ઈન્ડિયા (2018) અનુસાર, ભારતમાં 33.6 કરોડ મહિલાઓને પિરિયડ્સ આવે છે. આપણા દેશમાં દર વર્ષે 1200 કરોડ સેનિટરી પેડનો કચરો નીકળે છે, જે લગભગ 1,13,000 ટન છે. સેનિટરી પેડ્સનો કચરો વિશ્વ માટે સમસ્યા બની ગયો છે. માત્ર સેનિટરી પેડ્સ જ નહીં, પરંતુ બેબી ડાયપર પણ સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે ચિંતાનું કારણ છે.

સેનિટરી પેડ્સમાં પ્લાસ્ટિક અને હાનિકારક રસાયણો
સેનિટરી પેડ બનાવતી જાણીતી કંપનીઓ એમાં પ્લાસ્ટિકનો આડેધડ ઉપયોગ કરી રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના 2018-19ના રિપોર્ટ અનુસાર, સેનિટરી પેડ્સમાં 90% પ્લાસ્ટિક હોય છે, જેના કારણે ભારતમાં દર વર્ષે 3.3 મિલિયન ટન પ્લાસ્ટિક કચરો પેદા થાય છે.

‘ટોક્સિક લિંક્સ’ નામના પર્યાવરણ જૂથના રિપોર્ટ અનુસાર, ભારતમાં વર્ષ 2021માં 1230 કરોડ સેનિટરી પેડ ડસ્ટબિનમાં ફેંકવામાં આવ્યાં હતાં. એક સેનિટરી પેડ પર્યાવરણને 4 પ્લાસ્ટિક બેગ જેટલું જ નુકસાન પહોંચાડે છે. જો સેનિટરી પેડને જમીનમાં દાટી દેવામાં આવે તો એમાં રહેલાં રસાયણો જમીનના સૂક્ષ્મ જીવોને નષ્ટ કરવા લાગે છે, જેના કારણે લીલોતરી ખતમ થઈ જાય છે.

જ્યારે મોટા ભાગના સેનિટરી પેડ્સમાં ગુંદર અને સુપર એબ્સોર્બન્ટ પોલિમર (એસએપી) હોય છે, જેને તૂટતાં 500થી 800 વર્ષનો સમય લાગે છે.

કેન્સર, વંધ્યત્વ અને માતા બનવાની સમસ્યા હોઈ શકે છે
ભારતમાં બહાર પાડવામાં આવેલા ‘મેન્સ્ટ્રુઅલ વેસ્ટ 2022’ રિપોર્ટ અનુસાર, સેનિટરી નેપ્કિન્સમાં Phthalates નામના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણ કેન્સરનું કારણ બની શકે છે. વંધ્યત્વ, PCOD અને એન્ડોમેટ્રિઓસિસની સમસ્યા પણ થઈ શકે છે. આ સાથે જ લકવો અને યાદશક્તિ ગુમાવવાનું કારણ બની શકે છે.

ટોક્સિક લિંકના સંશોધન મુજબ, સેનિટરી પેડ્સમાં વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ (VOCs) નામના કેમિકલનો પણ ઉપયોગ થાય છે. આ કેમિકલ પેઇન્ટ, ડીઓડરન્ટ, એર ફ્રેશનર, નેઇલ પોલિશ જેવી વસ્તુઓમાં નાખવામાં આવે છે. આ કેમિકલની મદદથી સેનિટરી પેડમાં સુગંધ પણ ઉમેરવામાં આવે છે.

અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે 10 સેનિટરી નેપ્કિન્સમાં 25 પ્રકારનાં VOC કેમિકલ હોય છે. આ કેમિકલની સીધી અસર મગજ પર થાય છે અને ત્વચા માટે નુકસાનકારક છે. આ સિવાય એનિમિયા, થાક, લિવર અને કિડનીની કામગીરીને અસર થાય છે.

ઇકો-ફ્રેન્ડલી સેનિટરી પેડ્સ બનાવ્યા અને ‘અશુદ્ધિજનક’માં નષ્ટ કર્યા
વડોદરાસ્થિત વાત્સલ્ય ફાઉન્ડેશનનાં સ્થાપક સ્વાતિ બેડેકર ‘પ્રોજેક્ટ સખી’ હેઠળ 2010થી શાળાની છોકરીઓ માટે ઇકો-ફ્રેન્ડલી સેનિટરી પેડ બનાવે છે. આ સેનિટરી પેડ્સ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં રહેતી મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે.

સ્વાતિએ પિરિયડ્સ હોવાના કારણે છોકરીઓ સ્કૂલે જતી નથી. જ્યારે તેને આ વાતની જાણ થઈ ત્યારે તેણે સેનિટરી પેડ બનાવવાનું અને એનું વિતરણ કરવાનું કામ શરૂ કર્યું, પરંતુ આ પછી છોકરીઓની સૌથી મોટી સમસ્યા એને ફેંકી દેવાની હતી, કારણ કે આજે પણ આપણા સમાજમાં પિરિયડ્સને લઈને શરમ માનવામાં આવે છે.

છોકરીઓ ડસ્ટબિનમાં સેનિટરી પેડ ફેંકી શકતી નથી. તેથી 2015માં તેના પતિ શ્યામ બેડેકરની મદદથી તેણે સેનિટરી પેડ્સને નષ્ટ કરવાનો વિચાર કર્યો હતો. તેના પતિએ ‘અશુદ્ધિજનક’ નામનું ટેરાકોટા મશીન બનાવ્યું અને એ મશીન શાળાઓમાં લગાવ્યું, જેમાં છોકરીઓ સેનિટરી પેડ ફેંકે છે. એમાં પેડ બળી જાય છે અને એનાથી પ્રદૂષણ થતું નથી. આ ડિવાઇસ બનાવવા માટે કુંભારોને ખાસ તાલીમ આપવામાં આવી હતી.

આજે તેઓ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતમાં 182 એકમો ધરાવે છે અને આ ડિવાઇસ અને ઇકો ફ્રેન્ડલી સેનિટરી પેડ્સ સમગ્ર ભારતની શાળાઓમાં મોકલવામાં આવે છે. સ્વાતિએ જણાવ્યું હતું કે આ પહેલ પછી છોકરીઓ ફરીથી શાળાએ આવવા લાગી.

દરિયાઈ જીવો પર આફત, માઈક્રોપ્લાસ્ટિક માનવના પેટમાં જઈ રહ્યું છે
યુરોપિયન કમિશન અનુસાર, ઘણી છોકરીઓ ટોઇલેટમાં સેનિટરી પેડને ખોટી રીતે ફ્લશ કરે છે, જેના કારણે સમુદ્રમાં પ્લાસ્ટિકનો કચરો વધી રહ્યો છે અને એને કારણે દર વર્ષે 1 મિલિયન દરિયાઈ પક્ષીઓ, 1 લાખ દરિયાઈ જીવો અને અસંખ્ય માછલીઓ પોતાનો જીવ ગુમાવી રહી છે. આટલું જ નહીં, આના કારણે સી ફૂડ ખાનારા લોકોના શરીરમાં માઇક્રોપ્લાસ્ટિકની સંખ્યા વધી રહી છે.

દક્ષિણ કોરિયામાં સેનિટરી પેડ્સ પર હંગામો, ઉત્તર કોરિયામાં પ્રતિબંધ 2017માં દક્ષિણ કોરિયાની મહિલાઓ સેનિટરી પેડ્સ પર પ્રતિબંધ મૂકવા માટે રસ્તા પર ઊતરી હતી. જોકે આ માગ એક કંપનીના સેનિટરી પેડ્સની હતી, જેમાં ઘણા પ્રકારનાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આનો ઉપયોગ કરીને ઘણી સ્ત્રીઓએ પિરિયડ્સ દરમિયાન દુખાવો, વધારે બ્લીડિંગ અને ઇન્ફેક્શન જેવી સમસ્યા થઇ હતી.

જે મહિલાઓને 5થી 7 દિવસ સુધી પિરિયડ્સ આવતું હતું તેમના પિરિયડ્સનો સમય ઘટીને માત્ર 2 દિવસ થઈ ગયો છે. આરોગ્યની આ સમસ્યાઓને કારણે એના પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી હતી.

દક્ષિણ કોરિયાના કોરિયન વુમન્સ એન્વાયર્નમેન્ટલ નેટવર્કના સર્વે અનુસાર, 3 હજારથી વધુ મહિલાઓને આ સેનિટરી પેડ્સને લઈને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. સરકારે એના પર પ્રતિબંધ ન મૂક્યો, પરંતુ કંપનીએ માફી માગી અને મહિલાઓને રિફંડ આપવાનું કહ્યું.

ઉત્તર કોરિયામાં છોકરીઓ ફરીથી વાપરી શકાય એવાં પેડ્સ બનાવાયાં
ઉત્તર કોરિયામાં સેનિટરી​​​​​​​ પેડના ઉપયોગ પર પ્રતિબંધ છે. ત્યાંનાં બજારોમાં ન તો સેનિટરી પેડ્સ કે ટેમ્પોન્સ ઉપલબ્ધ નથી. ત્યાંની છોકરીઓ ફરીથી વાપરી શકાય એવા પેડનો ઉપયોગ કરે છે, જે ધોઈને ફરીથી ઉપયોગમાં લેવાય છે.

આ સિવાય અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે સેનિટરી​​​​​​​ પેડના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાન સરકારે ગયા વર્ષે મહિલાઓને સેનિટરી પેડનો ઉપયોગ ન કરવાનો આગ્રહ કર્યો હતો. ​​​​​​​હકીકતમાં પાડોશી દેશે સેનિટરી પેડ બનાવવા માટે વપરાતી સામગ્રીની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. એની પાછળ પાકિસ્તાનની ડૂબતી અર્થવ્યવસ્થાને કારણ જણાવવામાં આવ્યું હતું.

આ મેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે નાશ કરવો જરૂરી છે.
પર્યાવરણવિદ નીતીશ પ્રિયદર્શી કહે છે, ‘સેનિટરી પેડ અને ડાયપર બંનેનો ઉપયોગ બંધ કરવો શક્ય નથી, પરંતુ એનો નાશ કરવાનો એક માર્ગ છે.’ આ કચરાનો યોગ્ય રીતે નાશ કરવાનો અર્થ છે એને ઢાંકીને બંધ વાતાવરણમાં બાળી નાખવો. આ મેડિકલ વેસ્ટ હવાની સાથે પાણીને પણ પ્રદૂષિત કરી રહ્યો છે. જો આ કચરો તળાવ કે નદીમાં ફેંકવામાં આવે તો એમાં રહેલો જૈવિક કચરો પાણીનો રંગ બગાડે છે અને એમાં દુર્ગંધ ફેલાવે છે.

આપણો કચરો આપણી જવાબદારી
આ વખતે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ ‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’ છે. પર્યાવરણવિદ સુનીતા નારાયણે તેમના એક લેખમાં લખ્યું છે કે દરેક વસ્તુમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. આજે પાણીની પાઈપલાઈનથી લઈને દૂધની થેલીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે, જે પર્યાવરણ માટે માથાનો દુખાવો છે.

તેમણે કહ્યું હતું કે આપણે પ્લાસ્ટિકના કચરા વિશે સમજવું પડશે કે જે પ્લાસ્ટિકનો કચરો એકઠો થાય છે એમાં તમામ પ્રકારના પ્લાસ્ટિકને રિસાઇક્લિંગ માટે મોકલવામાં આવતું નથી, કારણ કે એમાં રહેલા ઘણા કચરાના પ્લાસ્ટિક મલ્ટીલેયરથી બનેલા હોય છે, જેને રિસાઇકલ કરી શકાતા નથી. એ જ મલ્ટીલેયર પ્લાસ્ટિક એટલે કે ચિપ્સ કે ગુટકાના પેકેટ ડસ્ટબિનમાં ભરવામાં આવે છે, કારણ કે આ કચરાનું કોઈ મૂલ્ય નથી. તેમને સંગ્રહિત કરવા અને ફરીથી પ્રક્રિયા કરવા બંનેમાં સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સિવાય આપણે કચરો ઉપાડનારા લોકોનું પણ ધ્યાન આપવું જોઈએ. આ ક્ષેત્રના ઘણા લોકો પ્લાસ્ટિકના મેનેજ કરતા હોય છે. આપણો કચરો આપણી જવાબદારી છે, તેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો એ વધુ સારું છે.

સેનિટરી પેડને બદલે મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરો
ફોર્ટિસ હોસ્પિટલ, નોઈડાના ગાયનેકોલોજિસ્ટ ડૉ. આરાધના સિંહે જણાવ્યું હતું કે સેનિટરી પેડ્સની સરખામણીમાં મેન્સ્ટ્રુઅલ કપ ઈકો ફ્રેન્ડલી, પોકેટ ફ્રેન્ડલી અને સ્કિન ફ્રેન્ડલી છે. એ ગ્રીન મેન્સ્ટ્રુઅલ પ્રોડક્ટ છે.

1 મેન્સ્ટ્રુઅલ કપ 10 વર્ષ સુધી વાપરી શકાય છે. એઓ વજાઇનલ કેનાલમાં ફિટ કરવામાં આવે છે, જેથી પિરિયડ્સનું લોહી એમાં એકઠું થાય. બ્લીડિંગના ફ્લોને આધારે મેન્સ્ટ્રુઅલ કપ 6થી 8 કલાક સુધી પહેરી શકાય છે., પરંતુ ધ્યાનમાં રાખો કે દરેક ઉપયોગ કરતાં પહેલાં મેન્સ્ટ્રુઅલ કપને ગરમ પાણીમાં ઉકાળો અને જ્યારે પિરિયડ્સ સમાપ્ત થઈ જાય ત્યારે એને સ્વચ્છ સૂકા કપડાથી ઢાંકીને રાખો. ​​​​​​​એને સાફ કરીને પહેરવાથી ઇન્ફેક્શનથી બચી શકાય છે. આજકાલ એને સાફ કરવા માટે સેનિટાઈઝર પણ બજારમાં ઉપલબ્ધ છે.

ઇકોફ્રેન્ડલી સેનિટરી પેડ્સ સમસ્યાને હલ કરી શકે છે
પર્યાવરણને જોતાં આજકાલ બજારમાં કેમિકલ ફ્રી અને ઈકો ફ્રેન્ડલી સેનિટરી પેડ વેચાઈ રહ્યાં છે. આની પણ ઘણી જાતો છે. ​​​​​​​કેટલાક સેનિટરી પેડ્સ કેળાના દાંડીમાંથી ફાઇબર કાઢીને બનાવવામાં આવી રહ્યા છે, જ્યારે કેટલાક વાંસના રેસાની મદદથી બનાવવામાં આવી રહ્યા છે. કોર્ન સ્ટાર્ચ અને બાયોએક્ટિવ લેક્ટાઈડ એને નરમ અને કોમળ બનાવવા માટે ઉમેરવામાં આવે છે. આ સેનિટરી પેડ્સ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના પણ નાશ પામે છે.

ઇકોફ્રેન્ડલી સેનિટરી પેડ્સ આરોગ્ય તેમજ પર્યાવરણ માટે ફાયદાકારક છે:

ભારતમાં સેનિટરી નેપ્કિનનો ધંધો ફૂલ્યો-ફાલ્યો
1929માં જોનસન એન્ડ જોનસન કંપનીએ ભારતમાં સેનિટરી પેડ બનાવવાનું શરૂ કર્યું. 1993માં વિસ્પર કંપનીએ ભારતમાં દરેક વર્ગની મહિલાઓને સેનિટરી પેડ લીધા. કંપનીએ એના પ્રચાર માટે શાળાઓ અને સ્લમ વિસ્તારોમાં મફત પેડનું વિતરણ કર્યું હતું. આજે ભારતમાં સેનિટરી પેડ્સનું માર્કેટ 1230 કરોડનું છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (2019-21)એ જાહેર કર્યું છે કે ભારતમાં 15થી 24 વર્ષની વયજૂથની 64% મહિલાઓ સેનિટરી નેપ્કિનનો ઉપયોગ કરે છે.

ભારતમાં ડાયપર માર્કેટ રૂ. 1,400 કરોડનું છે યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ) અનુસાર ભારતમાં દર વર્ષે 2.5 કરોડ બાળકોનો જન્મ થાય છે. 1 મહિનાનું બાળક એક દિવસમાં લગભગ 10 ડાયપર વાપરે છે. બાળક મહિનામાં 300 ડાયપર પહેરે છે. ડાયપરનું વજન 800 ગ્રામ છે. ભારતમાં દર વર્ષે 548 ટન અને 2 લાખ ટન બેબી ડાયપર વેસ્ટ પેદા થાય છે. ભારતમાં ડાયપર માર્કેટ રૂ. 1,400 કરોડનું છે.

ડાયપરથી બાળકના પ્રાઈવેટ પાર્ટમાં સમસ્યા થઈ શકે છે.
2020માં ટોક્સિન લિંક્સે 19 જાણીતી બ્રાન્ડ્સના બેબી ડાયપરનો અભ્યાસ કર્યો, જેમાં Phthalates નામના કેમિકલનો જથ્થો 2.36ppmથી 302.25ppm સુધી બહાર આવ્યો હતો. 5 પ્રકારના Phthalates DEHP, DBP, BBP, DIDP, DNOP અને DINP છે.

DEHPએ સૌથી ઝેરી પ્રકાર છે. ડાયપર બાળકના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શે છે અને આ ખતરનાક કેમિકલ ત્વચાને સ્પર્શવાથી ઓગળવા લાગે છે, જે બાળકના સ્વાસ્થ્યને અસર કરે છે. આનાથી બાળકને ફોલ્લીઓ અથવા ચેપ લાગી શકે છે, પરંતુ તે પ્રજનન વિકારના રોગોને પણ જન્મ આપે છે.

બહુ જરૂરી હોય તો જ ડાયપર પહેરો
દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડૉ. નીરજ ગુપ્તા કહે છે કે ડાયપર માત્ર પર્યાવરણને જ નહીં, પરંતુ બાળકની ત્વચા અને સામાન્ય માણસના ખિસ્સાને પણ નુકસાન પહોંચાડે છે. ​​​​​​​ઘણીવાર લોકો બાળકને 24 કલાક ડાયપર પહેરીને રાખે છે, જેના કારણે ત્વચા પર પવન નથી લાગતો. બાળકનું સ્ટૂલ અને પેશાબ ડાયપર પર જમા થતાં રહે છે, જેમાં ઘણા પ્રકારના કેમિકલ હોય છે. ખાસ કરીને જો પેશાબ લાંબા સમય સુધી ત્વચાને સ્પર્શે તો બાળકને ખંજવાળ આવે છે અને રડવા લાગે છે, જેના કારણે સ્કિન ઈન્ફેક્શન પણ થાય છે.

બાળકને ડાયપર ન પહેરવવું સારું છે, પરંતુ જો કોઈ મુસાફરી કરી રહ્યું હોય અથવા કોઈ પ્રકારની મજબૂરી હોય તો જ ડાયપર પહેરાવો. આ દરમિયાન દર 1 કલાકે ડાયપર પણ ચેક કરતા રહો.

ક્યારેક બાળક પેશાબ કરતું નથી, પરંતુ પરસેવાના કારણે ડાયપર ભીનું રહે છે. બાળકે પેશાબ કર્યો હોય કે ન કર્યો હોય, પરંતુ દર 2 કલાકે ડાયપર બદલવું જોઈએ. ઘરે આવતાંની સાથે જ બાળકનું ડાયપર ઉતારી લો. એને હંમેશા સુતરાઉ કપડાની નેપ્પી પહેરાવવી.

જો બાળકને ફોલ્લીઓ થાય છે, તો બાળકના પ્રાઈવેટ પાર્ટમાં હવા આવવા દો અને ઝિંક ઓક્સાઈડ ક્રીમ લગાવો. આજકાલ ઘણી નેપી ક્રીમ આવી રહી છે, જેથી બાળકને ચકામાં ન પડે. લોકો પહેલા ક્રીમ લગાવે છે અને પછી ડાયપર પહેરે છે. આ ખોટું છે અને આવું કરવાની કોઈ જરૂર નથી.

સેનિટરી પેડ્સ અને ડાયપરનો નાશ કરવાના નિયમો
ભારતમાં સેનિટરી પેડ્સ અને ડાયપરના કચરાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 હેઠળ ઘન કચરાની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. જે વસ્તુઓમાં લોહી અથવા શરીરના પ્રવાહી હોય છે એ બાયો-મેડિકલ વેસ્ટની શ્રેણીમાં આવે છે. એને નષ્ટ કરવા માટે, સરકારે એક અલગ માર્ગદર્શિકા બનાવી છે.

આમાં કચરો ઓટોક્લેવિંગ નામની પ્રક્રિયા દ્વારા ચોક્કસ સમયમાં ગરમ ​​વરાળ દ્વારા નાશ પામે છે. આ બેક્ટેરિયાનો પણ નાશ કરે છે. ​​​​​​​માઇક્રોવેવિંગ પ્રક્રિયા દ્વારા સેનિટરી વેસ્ટનો પણ નાશ થાય છે, જેમાં કચરાના નાના ટુકડા થઈ જાય છે અને એમાં પાણી ઉમેરવામાં આવે છે. એ પછી કચરામાં હાજર સૂક્ષ્મજીવો અને હાનિકારક પદાર્થોને મારી નાખવા માટે એને ગરમ કરવામાં આવે છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 મુજબ, સેનિટરી પેડ્સ અને ડાયપર નોન-રિસાઇકલ કરી શકાય તેવા કચરા હેઠળ આવે છે. એને ફેંકવા માટે એના ઉત્પાદકે પરબીડિયું, નિકાલજોગ બેગ અથવા રેપર આપવા જોઈએ અને આમાં સેનિટરી કચરાને ઢાંકીને ઉપયોગ કર્યા પછી ફેંકી દેવો જોઈએ. સેનિટરી નેપ્કિનને ક્યારેય ટોઇલેટ કોમોડમાં ન ફેંકવા જોઈએ. આ કચરો તમામ જાહેર શૌચાલયો અને ઘરોમાં નિકાલજોગ ડસ્ટબિનમાં અલગથી ફેંકવો જોઈએ.

સેનિટરી પેડ્સ હોય કે બેબી ડાયપર, એનો ઉપયોગ કરવો કે નહિ એ આપણા પોતાના હાથમાં છે, કારણ કે આ સિવાય બીજા ઘણા વિકલ્પો છે. જો તમે પર્યાવરણપ્રેમી છો અને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન છો, તો ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ અપનાવવી વધુ સારું છે.

જરા વિચારો કે જો તમે સેનિટરી પેડ્સ કે બેબી ડાયપરનો ઉપયોગ કરવાનું બંધ કરી દો તો એનો કચરો ફેલાશે નહિ. એનાથી પૈસાની પણ બચત થશે. જ્યારે રસાયણોનો બિલકુલ ઉપયોગ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ રોગ થશે નહીં.


Spread the love

Related posts

ગૌતમ અદાણીની સંપત્તિમાં માત્ર છ દિવસમાં 46663 કરોડનો વધારો થયો

Team News Updates

Kia​​​​​​​ સોનેટનું ફેસલિફ્ટ ટીઝર રિલીઝ:14 ડિસેમ્બરે નવી ડિઝાઈન સાથે સબ-4 મીટર એસયુવી થશે અનવિલ, ટાટા નેક્સનને આપશે ટક્કર

Team News Updates

SBIના ચોથા ક્વાર્ટરના પરિણામો:Q4FY23માં નેટ પ્રોફિટ 83% વધીને ₹16,694 કરોડ થયો, બેન્ક ₹11.30 પ્રતિ શેર ડિવિડન્ડ ચૂકવશે

Team News Updates