વાવાઝોડાની સ્થિતિને અનુલક્ષી જાતમુલાકાત લઈ ગ્રામ્યજનો તેમજ આગેવાનો સાથે બેઠક કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો
સ્થાનિક ગ્રામ્યજનોના પ્રશ્નો સાંભળી સુનિયોજીત રીતે ઉકેલ લાવવા કર્યા સૂચનો
કેન્દ્રીય રાજયમંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાએ ગીર સોમનાથના દરિયાઈ વિસ્તારના મૂળ દ્વારકા, માઢવાડ, કોટડા સહિતના ગામોની પ્રત્યક્ષ મુલાકાત લઈ પૂર્વ તૈયારીની ચકાસણી કરી હતી અને સ્થાનિક માછીમારો, અગ્રણીઓ તેમજ આગેવાનો સાથે બેઠક કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
મંત્રીશ્રીએ દરિયાઈ વિસ્તારના મૂળ દ્વારકા, માઢવાડ, કોટડાના ગ્રામજનો અને આગેવાનો સાથે બેઠકમાં વિવિધ માધ્યમોથી સરકાર તેમજ વહીવટીતંત્રના સંદેશાને સાંભળી સાવચેતીના ભાગરૂપે સતર્ક રહેવા તેમજ અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવાની અપીલ કરી હતી અને સાથે જ વાવાઝોડાની સંભવિત સ્થિતિ સામે રક્ષણાત્મક પગલાઓ ભરવા આગોતરી તૈયારીઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
વાવાઝોડાની સ્થિતિને અનુલક્ષી મંત્રીએ ભારે પવન અને વરસાદમાં જાનમાલની સુરક્ષા માટે જરૂરી જણાય તેવા તમામ પગલાંઓ લેવા સ્થાનિક વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં ઉપરાંત સ્થાનિક ગ્રામ્યજનોએ પ્રોટેક્શન વૉલ તેમજ વાવાઝોડા સંદર્ભે ગ્રામ્ય વિસ્તારને લગતી વિવિધ સમસ્યાઓ રજૂ કરી હતી. આ તમામ સમસ્યાઓનો હકારાત્મક ઉકેલ લાવવા માટે મંત્રીશ્રીએ વહીવટીતંત્રને સૂચનાઓ આપી હતી.
મંત્રીની દરિયાઈ વિસ્તારોની મુલાકાત સમયે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજા, કોડીનાર ધારાસભ્ય ડૉ.પ્રદ્યુમનભાઈ વાજા, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, શિવાભાઈ સોલંકી, દિલિપભાઈ બારડ, સહિત સ્થાનિક આગેવાનો, સરપંચો અને ગ્રામ્યજનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)