આજે અમદાવાદમાં જગન્નાથની રથયાત્રામાં પોલીસ પરોવાયેલી છે, એવામાં અમદાવાદના એક દંપતીને ઈરાનના તહેરાનમાં ગોંધી રખાયું હતું. આ બાબતે પીડિત પરિવારના સભ્યોએ ગૃહ રાજ્યમંત્રીને મદદનો એક વ્હોટ્સએપ મેસેજ કર્યો હતો. ત્યાર બાદ હર્ષ સંઘવીએ ભારત સરકારના વિદેશ મંત્રાલયથી માંડીને ઈરાનમાં ભારતીય દૂતાવાસ સુધી મદદ માગી અને રથયાત્રાની તૈયારીમાં લાગેલી પોલીસને પણ કામે લગાડી. દરમિયાન ઈરાનના તહેરાનમાં દંપતીને જ્યાં ગોંધી રખાયું હતું અને ખંડણી માગવામાં આવી હતી એ જગ્યા મળી આવી, ઈરાનના ડેપ્યુટી ચીફ ઓફ મિશનની મદદ લઈને તહેરાનમાં અપહરણકારોની ચુંગાલમાં ફસાયેલાં દંપતીને છોડાવવામાં સફળતા મળી હતી. આ દંપતી આજે સ્વદેશ પરત ફરશે.
કિડનેપર્સથી છોડાવતાં દંપતીએ ગૃહ રાજ્યમંત્રીનો આભાર માન્યો
ઈરાનમાં કિડનેપ થયેલા પંકજ અને નીશા પટેલે મેસેજ કરીને હર્ષ સંઘવીનો આભાર માન્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે ગૃહ રાજ્યમંત્રી આપનો આભાર માનીએ એટલો ઓછો છે. ઉલ્લેખનીય છે કે ઈરાનામાં ગોંધી રખાયેલા આ ગુજરાતી દંપતીને 24 કલાકમાં ભારત પરત લાવવામાં રાજ્ય સરકારને અભૂતપૂર્વ સફળતા મળી છે. બંને આજે રાતે અમદાવાદ આવી પહોંચશે.
પરિવારે સરકાર અને પોલીસનો આભાર માન્યો
પરિવારે જણાવ્યું હતું કે અમારા પુત્ર પંકજ, પુત્રવધૂ નિશાને ઇરાનના તહેરાનમાં ગોંધી રાખી, ખંડણી માગ્યાની જાણ રવિવારની રાતે નવેક વાગ્યાની આસપાસ એક વ્હોટ્સએપ મેસેજથી ગૃહ રાજ્યમંત્રીને કરી હતી. તેઓ રથયાત્રાના બંદોબસ્ત, સુરતના યોગ દિવસ સહિતના કાર્યક્રમોની તૈયારીમાં હતા. આમ છતાં રવિવારની રાતથી સોમવારે રાત એમ બબ્બે રાતના ઉજાગરા વેઠીને તેમણે સતત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની હાઈલેવલ ડેડિકેટેડ ટીમ દ્વારા તપાસ કરાવી હતી. તેમણે ભારત સરકારના વિદેશ મંત્રાલય, સેન્ટ્રલ IB, રો, ઈન્ટરપોલનો પણ સંપર્ક કર્યો હતો. ઇરાન ખાતેના ભારતીય દૂતાવાસ, તહેરાનમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન જોહોન માઈનો સંપર્ક કરીને પંકજ અને નિશાને શોધવા મદદ માગી હતી.
24 કલાકમાં મદદથી પરિવાર સ્વદેશ પહોંચશે
તેમના આ પ્રયાસોથી અમારાં પરિવારજનો તહેરાનથી મળી આવ્યાં છે અને તેઓ સ્વદેશ આવવા રવાના થયાં છે. માત્ર 24 કલાકમાં વિદેશની ધરતી પર મદદ કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓનો ખૂબ જ ઉપકાર માની આભારની લાગણી વ્યકત કરી હતી, સાથે જ વિદેશ જવાના મોહમાં બે નંબરના એજન્ટના શિકાર ન બને અને વિદેશ જવાનો મોહ ખોટો હોવાનું જણાવ્યું હતું.
વિદેશ જવાની ઘેલછામાં ગુજરાતી પરિવારો મોતના મુખમાં ધલેકાઈ રહ્યાના કિસ્સા છેલ્લા એક વર્ષથી સામે આવ્યા હતા. ગાંધીનગરના ડિંગુચાનો પરિવાર અને મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ગામનો ચૌધરી પરિવાર મોતને ભેટ્યાના કિસ્સા સામે જ છે. આમ છતાં ગુજરાતીઓનો અમેરિકાનો મોહ છૂટતો ન હોય એવો વધુ એક કિસ્સો આવ્યો હતો. એમાં અમેરિકા જવાના મોહમાં એક દંપતી ઈરાનમાં કિડનેપ થયું હોવાનું સામે આવ્યું હતું.
કિડનેપ દંપતીના પરિવારને વીડિયો મોકલીને ખંડણીસ્વરૂપે રૂપિયાની માગણી કરવામાં આવી હતી. એક વીડિયોમાં બ્લેડના અસંખ્ય ઘા મારતાં યુવક લોહીલુહાણ થઈ ગયો હતો. એટલું જ નહીં, લોહીથી લથપથ હાલતમાં કણસતો યુવક કહી રહ્યો છે, માગે એટલા રૂપિયા આપી દો…. છતાં બેરહેમ કિડનેપર્સ તેની પર દયા ખાતો ન હતો.
યુવકના અપહરણની પોલીસને અરજી મળી
આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ અમરસિંહ ચૌહાણે સોમવારે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, યુવકને અમેરિકા જવા માટેની ડીલ નક્કી થઈ હતી, પરંતુ તેને ત્રણથી 11 તારીખ સુધી હૈદરાબાદ રાખવામાં આવ્યો હતો અને ત્યાંથી ઈરાન લઈ જવામાં આવ્યો હોય એવું હાલ લાગી રહ્યું હતું, પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ, હાલ અરજીના આધારે તપાસ શરૂ કરાઈ છે.
ખંડણી માટે માનવતા હચમચાવતો વીડિયો
સામે આવેલા વીડિયોમાં યુવકને ઊંધો સૂવડાવીને એક વ્યક્તિ તેની પીઠ ઉપર બ્લેડ વડે સંખ્યાબંધ વાર ઈજા પહોંચાડે છે. થોડીવારમાં આખી પીઠ લોહીથી ખરડાઈ જાય છે અને દર્દમાં કણસતો, બૂમો પાડતો યુવક અપહરણ કરનાર લોકોને તેના ભાઈને રૂપિયા ચૂકવી દેવા માટે આજીજી કરી રહ્યો હતો.
અમેરિકા જવા એજન્ટ સાથે ડીલ થઈ હતી
નવા નરોડામાં રહેતા સંકેત પટેલનાં ભાઈ-ભાભી ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ દ્વારા 1.15 કરોડમાં અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. જોકે સંકેત પટેલના કહેવા પ્રમાણે, એજન્ટને એડવાન્સમાં એક રૂપિયો પણ આપવામાં આવ્યો નથી. તેમને પહેલા હૈદરાબાદ લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે એવી ડીલ થઈ હતી. જોકે અમેરિકા જવાના બદલે ઈરાનમાં તેમનું અપહરણ થયું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.
યુવકની શોધખોળ, ઉચ્ચ પોલીસ અધિકારીઓના અભિપ્રાય લેવાયા
યુવકને ગાંધીનગરના એક એજન્ટ મારફત અમેરિકા મોકલવાનું નક્કી થયું હોવાનું વિગત હાલ પોલીસસૂત્રો જણાવી રહ્યાં છે, પરંતુ રૂપિયા ના પહોંચતાં યુવકને અમેરિકાની જગ્યાએ ઈરાન લઈ જવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હૈદરાબાદ અને અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ સામે આવેલા વીડિયોમાં અપહરણ થયું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું,