ગુજરાતમાં વર્તમાનમાં 8 મોટા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યમાં વધુ 5 શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કરી છે. આમ, નવી અસ્તિત્વમાં આવનારી 5 મનપા સાથે રાજ્યમાં કુલ 13 મનપા બનશે. જેમાં નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી સામેલ છે. અત્યાર આ પાંચેય શહેર નગરપાલિકા ધરાવે છે. તેમને અપગ્રેડ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવાશે.
કેબિનેટની બેઠકમાં નિર્ણય
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં રાજ્યના 5 શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કરાઈ હતી. જેમાં નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી નગરપાલિકા અપગ્રેડ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન ફેરવવાનો નિર્ણય કરાયો હતો. કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે લીલી ઝંડી આપી હતી.
રાજ્યમાં હાલ 8 મ્યુનિસિપલ કોર્પોરેશન
2010માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત થઈ હતી. તેને 13 વર્ષ થયા છે, ત્યારે રાજ્યમાં વધુ પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉમેરો કરવામાં આવશે. નવી પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત થતાંની સાથે જ ગુજરાતમાં કુલ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યા વધીને 13 થશે. હાલમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ જેવી 8 મ્યુનિસિપલ કોર્પોરેશન છે.