સુરતના વરાછા વિસ્તારમાં ધોળા દિવસે સ્પોર્ટ્સ બાઇકની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. બે અજાણ્યા શખસો એક અલગ બાઈક પર આવે છે અને 1.30 લાખની સ્પોર્ટ્સ બાઈકનો લોક તોડી બાઈકની ચોરી કરે છે. જોકે, આ ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. હાલ તો સમગ્ર મામલે વરાછા પોલીસે તપાસ શરૂ કરી છે.
આ અંગે વરાછા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ માધવરાવ રાવ સાહેબ પાટીલ સુરતના ત્રીક્રમ નગર વિસ્તારમાં આવેલ કાલિદાસ નગર સોસાયટીમાં બંગલા નંબર આઠમાં રહે છે. તારીખ 2/9/2024 ના રોજ સવારના 9થી 10 વાગ્યાના સમયમાં તેમની કેટીએમ સ્પોર્ટ્સ બાઈક ચોરી થઈ હતી. આ ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે કે, બે અજાણ્યા શખસો એક બાઈક પર આવે છે અને આ સ્પોર્ટ્સ બાઈક જ્યાં પાર્ક કરેલી છે ત્યાં પાછળ બેસેલો શખસ ઉતરીને ઉભો રહે છે. થોડીવાર આજુબાજુ જોઈ મોકાનો લાભ ઉઠાવી તેના હાથમાં રહેલા પેચ્યા જેવા સાધન વડે ગાડીનો લોક તોડી ગાડી શરૂ કરી ફરાર થઇ જાય છે. સમગ્ર મામલે સ્પોર્ટ્સ બાઈકના માલિક દ્વારા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.