ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતભરમાં મેઘમહેર જોવા મળી રહી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. 24 કલાકમાં ગુજરાતના 186 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં પારડી અને વલસાડમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદમાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. શહેરના નરોડામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ જળબંબાકાર બની ગયા છે.
આ તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો
તાલુકો | વરસાદ (મિમીમાં) |
પારડી | 169 |
કામરેજ | 149 |
વલસાડ | 168 |
પલસાણા | 137 |
વાપી | 133 |
ઉમરગાવ | 123 |
વાલોડ | 121 |
વલસાડ | 119 |
ખેરગામ | 147 |
ધરમપુર | 136 |
કેશોદ | 109 |
વિસાવદર | 106 |
કુતિયાણા | 103 |
કોડીનાર | 102 |
માંડવી(સુરત) | 105 |
તાપી | 133 |
વ્યારા | 102 |
આજે નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ
ગુજરાતમાં આજે 2 જિલ્લા નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હોવાથી રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 3 જિલ્લા સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
ભારે પવન સાથે વરસાદથી માછીમારોને એલર્ટ કરાયા
ભારે વરસાદ અને પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. માંડવી (કચ્છ), મુંદ્રા, કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. અહીં પવનની ગતિ 40-45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ બતાવશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે વલસાડ, સુરત, ભરૂચ, તાપી, ડાંગ અને નવસારીમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદની સંભાવના છે. આજે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, મોરબી, દ્વારકા અને ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે કચ્છના પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત મહેસાણા અને અરવલ્લીમાં પણ વરસાદ થવાની સંભાવના છે.
શુક્રવારે આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
શુક્રવારે સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ડાંગ, તાપી, ભરૂચમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
શનિ-રવિ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી
શનિવાર અને રવિવારે પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ, સુરત, ડાંગ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. નવસારીમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જિલ્લામાં NDRFની એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઈને વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે.