સોમવારે સવારે વડાપ્રધાનના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઊડતું દેખાયું હોવાની હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. SPGએ આ અંગે દિલ્હી પોલીસને જાણ કરતાં જ તમામ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સવારે લગભગ 5 વાગ્યે ડ્રોન ઊડતું દેખાતાં SPGએ આ બાબતે નવી દિલ્હી પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ તમામ અધિકારીઓ અને ડ્રોનની શોધખોળ શરૂ કરી હતી.
પોલીસ તપાસમાં હજી કશું જ સામે આવ્યું નથી
પોલીસે જણાવ્યું કે સોમવારે સવારે PCR કોલ આવ્યો હતો કે દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસસ્થાન ઉપર ડ્રોન જેવી વસ્તુ ઊડી રહી છે. જો કે પોલીસે જ્યારે તપાસ કરી તો કશું મળ્યું ન હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે એર ટ્રાફિક કંટ્રોલને પણ કંઈ મળ્યું નથી.
પીએમ હાઉસ નો ફ્લાઈંગ ઝોન હેઠળ આવે છે. આવી સ્થિતિમાં પોલીસ તપાસમાં લાગેલી છે કે નો ફ્લાઈંગ ઝોનમાં ડ્રોન કોણ ઉડાવતું હતું કે પછી તે ડ્રોન આ વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યું? હાલમાં આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
સઘન સુરક્ષા વ્યવસ્થા હોય છે
વડાપ્રધાનના નિવાસસ્થાને એન્ટ્રી 9, લોકકલ્યાણ માર્ગથી મળે છે. સૌ પ્રથમ કાર પાર્કિંગમાં મૂકવામાં આવે છે, પછી વ્યક્તિને રિસેપ્શન પર મોકલવામાં આવે છે. પછી સુરક્ષા તપાસ કરવામાં આવે છે. જે પછી વ્યક્તિ 7, 5, 3 અને 1 લોકકલ્યાણ માર્ગમાં એન્ટ્રી લે છે. તમને જણાવીએ કે, પીએમના નિવાસસ્થાને પહોંચવાની સુરક્ષા તપાસ એટલી કડક છે કે તેમના પરિવારનો કોઈ સભ્ય આવે તો પણ તેણે પણ આ જ તપાસમાંથી પસાર થવું પડે છે. કોઈપણ વ્યક્તિએ પ્રવેશ લેતા પહેલાં, સચિવો દ્વારા મળવા આવનાર લોકોની યાદી તૈયાર કરવામાં આવે છે. જે વ્યક્તિઓનું નામ યાદીમાં હશે તેઓ જ ત્યાં મળી શકશે. આ સાથે જે વ્યક્તિ વડાપ્રધાનને મળવા જઈ રહી છે તેની પાસે ઓળખ કાર્ડ હોવું જરૂરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકકલ્યાણ માર્ગ પરના બંગલા નંબર 7માં રહે છે
ભારતના વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન રાજધાની દિલ્હીના લોકકલ્યાણ માર્ગ પર આવેલ બંગલા નંબર 7 છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગલા નંબર 7માં રહે છે. તેઓ 2014થી અહીં રહે છે. વડાપ્રધાનના નિવાસસ્થાનનું સત્તાવાર નામ ‘પંચવટી’ છે. તે 5 બંગલાઓને જોડીને બનાવવામાં આવ્યું છે. 7 લોકકલ્યાણ માર્ગ (અગાઉ 7 RCR) પર રહેતા પ્રથમ વડાપ્રધાન રાજીવ ગાંધી હતા. તેઓ 1984માં અહીં આવ્યા હતા.
આ નિવાસસ્થાન 12 એકરમાં બનેલું છે. તે વર્ષ 1980માં બનાવવામાં આવ્યું હતું. આ આવાસમાં એક નહીં પરંતુ 5 બંગલા છે, જેમાં વડાપ્રધાન કાર્યાલય-અને-નિવાસસ્થાન ક્ષેત્ર અને સુરક્ષા એસ્ટાબ્લિશમેન્ટ – આમાંના એકમાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (SPG) અને બીજામાં ગેસ્ટ હાઉસનો સમાવેશ થાય છે.