આજે સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે (3 જુલાઈ) શેરબજારે નવો ઓલ-ટાઇમ હાઈ બનાવ્યો છે. આજે સેન્સેક્સ 65,089ની સપાટીએ પહોંચી ગયો છે. આ સાથે જ નિફ્ટી પણ 19,296ના સ્તરને સ્પર્શી ગયો હતો. આ પહેલા સેન્સેક્સ 118 પોઈન્ટના વધારા સાથે 64,836ના સ્તરે ખુલ્યો હતો. નિફ્ટી પણ 57 પોઈન્ટ વધીને 19,246ના સ્તરે ખુલ્યો હતો. શરૂઆતના કારોબાર દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 9માં ઘટાડો જોવા મળી રહ્યો છે.
બજારમાં તેજીનાં 5 કારણો
- ઓછી મોંઘવારીથી બજારને સપોર્ટ મળ્યો છે.
- ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે.
- ડોલર સામે રૂપિયો મજબૂત થયો છે, તેનાથી બજારને ટેકો મળ્યો છે.
- વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં રોકાણ વધારી રહ્યા છે.
- ભારતના ફોરેક્સ રિઝર્વમાં થયેલા વધારાથી પણ બજાર મજબૂત બન્યું છે.
આ વર્ષે અત્યાર સુધીમાં માર્કેટ 6%થી વધુ વધ્યું
આ વર્ષે અત્યાર સુધીમાં બજારમાં જોરદાર તેજી જોવા મળી છે. વર્ષની શરૂઆતમાં એટલે કે 2 જાન્યુઆરીએ (1 જાન્યુઆરીએ બજાર બંધ હતું), સેન્સેક્સ 61,167ના સ્તરે હતો, જે હવે (3 જુલાઈ) 65,0858 પોઈન્ટ પર પહોંચી ગયો છે. એટલે કે, આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં 6%થી વધુ એટલે કે 3,918 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. જાણકારોના મતે આ તેજી આગળ પણ ચાલુ રહી શકે છે.
સેનકો ગોલ્ડનો આઈપીઓ આવતીકાલે ખૂલશે
જ્વેલરી બિઝનેસ સાથે જોડાયેલી કંપની સેનકો ગોલ્ડનો આઈપીઓ આવતીકાલથી ખૂલશે. રિટેલ રોકાણકારો આ IPO માટે 4 જુલાઈથી 6 જુલાઈ સુધી બીડ કરી શકે છે. 14 જુલાઈના રોજ, કંપનીના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે. કંપની આ પ્રારંભિક પબ્લિક ઓફરિંગ એટલે કે IPO દ્વારા રૂ. 405 કરોડ એકત્ર કરવા માગે છે.
શુક્રવારે ઓલ ટાઇમ હાઇ હતું
આ પહેલા શુક્રવારે (30 જૂન) શેરબજારે ઓલ ટાઈમ હાઈ હતું. સેન્સેક્સ 803 પોઈન્ટના વધારા સાથે 64,718ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 216 પોઈન્ટ વધીને 19,189 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંનેની આ સર્વકાલીન ક્લોઝિંગ હાઈ છે. એટલું જ નહીં ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 64,768 અને નિફ્ટી 19,201ના સ્તરને સ્પર્શ્યો હતો.