સોમનાથ ટ્રસ્ટ દ્વારા વેરાવળ અને ગ્રામ્ય વિસ્તારોમાં 4340 પેકેટ બુંદી ગાઠીયા અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું
ગીર સોમનાથ જિલ્લામાં જળ પ્રકોપની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે સર્વાધિક વેરાવળ શહેર અને સોમનાથ વિસ્તારમાં પુર અને વરસાદની સ્થિતિ વિકરાળ બની હતી. દાયકાઓ બાદ સોમનાથના રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. આ પરિસ્થિતિમાં પણ લોકો પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવ છે ત્યાં સુધી તેઓને કાઈ નહિ થાય તેવી અતૂટ આસ્થા સાથે બેઠા હતા. ત્યારે મહદેવનાં આશીર્વાદ અને વહીવટી તંત્રની કુશળ કામગીરીથી પુર પ્રકોપમાં પણ લોકો સકુશલ બહાર આવ્યા હતા. ત્યારે જરૂરિયાતમંદોને ખાવા માટે શું તે પ્રશ્ન ઉપસ્થિત થાય તે પેહલા જ પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીની સૂચનાથી સોમનાથ ટ્રસ્ટ આરએસએસના સ્વયંસેવકોને સાથે લઈને પોતાના વાહનોમાં બિસ્કિટ અને પુલાવનું વિતરણ કરવા પહોંચી ગયું હતું.સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઇ દેસાઈ પરિસ્થિતિનો પળેપળનો તાગ મેળવીને મહત્તમ જનસેવા માટે માર્ગદર્શન આપી રહ્યા હતા. જેથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાતો રાત હજારો પેકેટ બુંદી અને ગાઠીયા બનાવીને ફૂડ પેકેટ સ્વરૂપે તૈયાર કર્યા છે. બાળકો માટે બિસ્કિટ વિતરણ કરવામાં આવી રહ્યા છે. RSSના સ્વયંસેવકો અને વહીવટી તંત્રના જુદાજુદા વિભાગો મારફત વેરાવળ અને ગ્રામ્ય વિસ્તારોમાં 4340 પેકેટ બુંદી ગાઠીયા અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.હજુ પણ સોમનાથ ટ્રસ્ટ વહીવટી તંત્ર સાથે સાંકલનમાં રહીને જ્યાં પણ જરૂર પડે ત્યાં ફૂડ પેકેટ મોકલી રહ્યું છે અને લોકોને સધિયારો આપી રહ્યું છે.
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)