વર્ચ્યુઅલ સમીક્ષા બેઠકમાં ગીર સોમનાથ કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ આપ્યો જિલ્લાની પરિસ્થિતિનો ચિતાર
કલેક્ટરએ ઘરવખરી, કાચા મકાન, પશુમૃત્યુ વગેરેની સર્વે કામગીરી અને આંશિક તેમજ પૂર્ણ નુકસાન વિશે પણ આપી માહિતી
નુકસાનનું સર્વે કરી તત્કાલ સહાય તેમજ પશુમૃત્યુના કિસ્સામાં માલધારીઓને નિયમાનુસાર સહાય મળે એવું મુખ્યમંત્રીનું સંવેદનશીલ સૂચન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના ભારે વરસાદથી અસરગ્રસ્ત ગીર સોમનાથ અને જૂનાગઢ વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતું અને સમગ્ર પરિસ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ પૂર્ણ કરી જૂનાગઢમાં સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની ઝીણવટપૂર્વક વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લા ઉપરાંત ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર અને ભાવનગર જિલ્લાના કલેકટરઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાઓની વરસાદી સ્થિતિની માહિતી પણ મેળવી હતી. આ મિટિંગમાં મુખ્ય સચિવ રાજકુમાર અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ પણ જોડાયા હતાં. મુખ્યમંત્રીશ્રીએ સંવેદનશીલ અભિગમ દાખવતા અતિ વરસાદના કારણે થયેલ નુકસાનનો સર્વે કરી તત્કાલ સહાય તેમજ પશુમૃત્યુના કિસ્સામાં માલધારીઓને નિયમાનુસાર સહાય મળે એવું સૂચન પણ કર્યુ હતું.
આ મિટિંગમાં ગીર સોમનાથ જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાએ મુખ્યમંત્રીને જિલ્લાની પરિસ્થિતિથી અવગત કરતા જણાવ્યુ હતું કે, જિલ્લામાં વેરાવળ, સુત્રાપાડા અને તાલાલામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. જેના કારણે ૧૪૮ ગામ વધુ અસરગ્રસ્ત થયા હતાં. જિલ્લાના હિરણ-૧ અને હિરણ-૨ ડેમની સૌથી વધુ અસર જોવા મળી હતી જેના કારણે નદી કિનારે વસેલા ગામોમાં વધુ મુશ્કેલી સર્જાઈ હતી. મુશ્કેલીભરી સ્થિતિમાં વહીવટી તંત્ર તેમજ સોમનાથ ટ્રસ્ટ અને એનજીઓના સહયોગથી સોનારિયા, ભેરાળા, સવની અને વેરાવળ શહેરમાં ૨૫૦૦થી વધુ ફૂડપેકેટ વિતરણ કરાયું છે તેમજ સોનારિયામાં જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી ૫૦૦થી ૬૦૦ વ્યક્તિઓ ભોજન લઈ શકે એવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ અને એસડીઆરએફની બે ટીમ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતાં જિલ્લામાં હાલ ઘરવખરી, કાચા મકાન, પશુમૃત્યુ વગેરેની સર્વે કામગીરી ચાલુ છે અને જિલ્લાની સ્થાનિક સંસ્થાઓ, સોમનાથ ટ્રસ્ટ તેમજ સ્થાનિક આગેવાનોના સંકલનથી જનજીવન સંપૂર્ણપણે પૂર્વવત્ થાય એવો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત તાલાલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડે નાના વેપારીઓને થયેલા નુકસાન અંગે, માછીમારોને થયેલા નુકસાન તેમજ માલધારીઓના પશુધનને સૂકા ઘાસ માટેની યોગ્ય વ્યવસ્થા અને હિરણ તેમજ વેરાવળ શહેરમાંથી પસાર થતી દેવકા નદીને ઊંડી ઉતારવા જેવા મુદ્દાઓ વિશે પણ ચર્ચા કરી હતી.
આ મિટિંગમાં પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ બીજ નીગમ ચેરમેન રાજશીભાઈ જોટવા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કે.સી.રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજા, વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પિયૂષભાઇ ફોફંડી, જિલ્લા કલેકટર એચ.કે. વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી શરવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલિસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયા સહિત અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, માનસિંહભાઈ પરમાર, વિક્રમભાઈ પટાટ, બચુભાઈ વાજા તેમજ ખેતીવાડી, પશુપાલન, નગરપાલિકા સહિત વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓની પણ ઉપસ્થિતી રહી હતી.
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)