તારાપુર-વટામણ હાઈવે પર કાર-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેના સીસીટીવી ફુટેજ સામે આવ્યાં છે. બપોરના સમયે પિતા-પુત્ર બાઈક પર સવાર થઈ હાઈવે પર ફુટપાથ ક્રોસ કરી સામેની લેનમાં જઈ રહ્યા હતા, તે વખતે માર્ગ પર પાછળથી પુરપાટ ઝડપે પસાર થતી કારે બાઈક સવાર પિતા-પુત્રને જોરદાર ટક્કર મારી હતી. જેથી પિતા-પુત્ર ફૂટબોલની જેમ ફંગોળાઈને રોડ પર પટકાયાં હતાં. જેથી અકસ્માત થતાં ગંભીર ઈજાગ્રસ્ત પિતાનું માત્ર 5 સેકન્ડમાં જ મોત નિપજ્યું છે. જ્યારે 9 વર્ષીય પુત્ર ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ અંગે તારાપુર પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માતની ઘટનાને વિગતવાર જોઈએ તો તારાપુર તાલુકાના વલ્લીગામમાં રહેતાં અમિતભાઈ દિનેશભાઈ જાદવ ગતરોજ બપોરના સમયે બાઈક પાછળ પોતાના 9 વર્ષીય પુત્ર દર્શનને બેસાડીને તારાપુર જવા નીકળ્યાં હતાં. બપોરે સવા બે વાગ્યાના અરસામાં તેઓ તારાપુર-વટામણ હાઈવે પર ખાનપુર દરગાહ નજીક રોડ ક્રોસ કરીને સામેની લેનમાં જતાં હતાં. તે વખતે માર્ગ પર પાછળથી પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે અમિતભાઈની બાઈકને અડફેટે લીધી હતી. જેથી બાઈક પર સવાર અમિતભાઈ અને તેમના પુત્ર દર્શન રોડ પર ફંગોળાયા હતા. જેને પગલે તેઓને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતને પગલે સ્થળ પર એકત્રિત થયેલાં ટોળાએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી બંને ઈજાગ્રસ્તોને તારાપુર સરકારી દવાખાને પહોંચાડ્યા હતાં. જ્યાં દર્શન હાલ સારવાર હેઠળ છે. જ્યારે, અમિતભાઈને વધુ સારવાર અર્થે કરમસદ મેડિકલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે તપાસ્યાં બાદ અમિતભાઈ દિનેશભાઈ જાદવને મૃત જાહેર કર્યાં છે. આ બનાવ અંગે મૃતક અમિતભાઈના કાકા જગદીશભાઈ વીરસંગભાઈ જાદવની ફરીયાદને આધારે તારાપુર પોલીસે આઈ-20 કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માતની સમગ્ર ઘટના CCTCમાં કેદ થઈ હતી. જેમાં જોવા મળે છે કે, એક બાઈક સવાર રોડ ક્રોસ કરીને હાઈવેની બીજી લેન તરફ જઈ રહ્યો છે, બરાબર તે જ વખતે એક કાર પૂરઝડપે આવી રહી છે અને પિતા-પુત્રને જોરદાર ટક્કર મારી હતી. જેથી પિતા અને પુત્ર ફૂટબોલની જેમ રોડ પર ફંગોળાયા હતા. બેથી ત્રણ ગુલાટી ખાઈને પિતા રોડ પર પટકાયા હતા. જેથી ગંભીરઈજા પહોંચતા તેઓનું મોત થયું હતું. જ્યારે પુત્ર પણ રોડ પર કારની ટક્કરથી હવામાં ઉડ્યો હતો અને 20 ફૂટ જેટલો દૂર ફંગોળાઈ ગયો હતો. જેને પગલે તેને પણ ગંભીરઈજા પહોંચી છે.