News Updates
AHMEDABAD

ગ્રાન્ટેડ સ્કૂલોએ સરકાર સામે બાંયો ચડાવી:6300 સ્કૂલમાં પડતર પ્રશ્નોને લઈને 50 હજારથી વધુ કર્મચારી આંદોલનના માર્ગે, મુખ્યમંત્રીને એક અઠવાડિયા સુધી લખશે પત્ર

Spread the love

રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં છેલ્લા કેટલાય સમયથી અનેક પડતર પ્રશ્નો છે, જેને લઈને અનેક રજૂઆત કરવામાં આવી છતાં એનું નિવારણ આવતું નથી. ત્યારે હવે ગ્રાન્ટેડ સ્કૂલોના સંચાલકો, શિક્ષકો અને વહીવટી સ્ટાફ આંદોલનના માર્ગે ઊતર્યા છે. આજથી એક અઠવાડિયા દરમિયાન ગ્રાન્ટેડ સ્કૂલોના 50,000 જેટલા કર્મચારીઓ મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાની વ્યથા રજૂ કરશે.

અનેક રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય
રાજ્ય સરકાર દ્વારા સંચાલક મંડળ સાથેની બેઠકમાં પડતર પ્રશ્નો લઈને ચર્ચા કરવામાં આવી હતી. પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર દ્વારા ખાતરી પણ આપવામાં આવી હતી, પરંતુ આ અંગેનો ઠરાવ કરવામાં આવ્યો નથી. સંગઠનોએ અનેક રજૂઆત કરી છતાં કોઈ પરિણામ ન મળતાં સંચાલક, શિક્ષક અને વહીવટી સ્ટાફ સહિતના કર્મચારીઓ રોષે ભરાયા છે. સરકાર સામે આંદોલન કરવાનો નિર્ણય કર્યો હતો, જે મુજબ આંદોલન ચાલી રહ્યું છે.

અગાઉ શિક્ષકોએ કાળી પટ્ટી બાંધીને અભ્યાસ કરાવ્યો હતો
અગાઉ જે-તે જિલ્લા કલેક્ટરને મળીને રજૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોએ કાળી પટ્ટી બાંધીને અભ્યાસ કરાવ્યો હતો. ત્યાર બાદ ધારાસભ્ય અને સાંસદસભ્યોને પણ રજૂઆત કરી હતી છતાં સરકારના પેટનું પાણી ન હલતાં હવે 6300 સ્કૂલના 50,000થી વધુ કર્મચારીઓ મુખ્યમંત્રીને પત્ર લખીને વ્યથા ઠાલવશે.

આ ફોર્મેટમાં મુખ્યમંત્રીને પત્ર લખશે

પ્રતિ,
ભૂપેન્દ્રભાઈ પટેલ
માનનીય મુખ્યમંત્રી, ગુજરાત

વિષય:-રાજ્યના શિક્ષણજગતના વ્યાપક હિતમાં સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલા પ્રશ્નોના ઠરાવ પરિપત્ર કરવા બાબત.
મે.સાહેબ,
જય જય ગરવી ગુજરાત સહ ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે આપ સાહેબના સબળ નેતૃત્વ હેઠળ રાજ્યમાં ડબલ એન્જિન સરકાર કામ કરી રહી છે. આપના મૃદુ અને મક્કમ સ્વભાવથી અમો સૌ પરિચિત છીએ, ત્યારે ‘સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ’ના સંકલ્પ સાથે આપ કામ કરી રહ્યા છો. ડિસેમ્બર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલાં આપ સાહેબ દ્વારા વિવિધ સંગઠનોના આંદોલનો પૂરા થાય એવા શુભ આશયથી પાંચ મંત્રીની સમિતિ બનાવવામાં આવી હતી, એ સમિતિ દ્વારા આપના સીધા માર્ગદર્શન હેઠળ અમારા નીચે મુજબના પ્રશ્નોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
(૧) ફક્ત આવેદનપત્રવાળા પ્રશ્નો
(૨) ક્રમમાં અહીં લખવા
(૩)
(૪)
(૫)
કોઈપણ રાજ્ય કે રાષ્ટ્ર માટે શિક્ષણ અને આરોગ્ય એ બંને ખૂબ જ અગત્યના અને પ્રજાજનો તથા આવતીકાલના નાગરિકો માટે પાયાની જરૂરિયાતવાળા વિભાગો છે અને સરકારની જવાબદારી છે, તેમ છતાં ખેદ સાથે જણાવવાનું કે અમારા પ્રશ્નોનો સરકાર દ્વારા સ્વીકાર કર્યાના સાત-આઠ માસ જેટલો સમય વીતવા છતાં આજ દિન સુધી એના ઠરાવો કે પરિપત્ર થયા નથી, જેના પરિણામે શિક્ષણજગતમાં ભારોભાર રોષ, અજંપો, નિરાશા તથા સરકાર પ્રત્યે અવિશ્વાસની લાગણી પ્રવર્તી રહી છે એવા સંજોગોમાં નાછૂટકે આપ સાહેબને આ પત્ર લખવાની અમને ફરજ પડી છે, જે ધ્યાને લઈ સત્વર ઘટતું કરવા નમ્ર
વિનંતી સહ પ્રાર્થના…
આશા સહ…..
આપનો વિશ્વાસુ,
સહી
પત્ર લખનારનું નામ
હોદ્દો
શાળાનું નામ
તાલુકો
જિલ્લો

સ્કૂલોમાં 35,000 કર્મચારીની જગ્યા ખાલી
આ અંગે સંગઠનના આગેવાન ધીરેન વ્યાસે જણાવ્યું હતું કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં રાજ્યભરમાં શિક્ષક, આચાર્ય અને વહીવટી સ્ટાફ સહિત 35,000 કર્મચારીની જગ્યા ખાલી છે. આ ઉપરાંત અન્ય નાના-મોટા પ્રશ્નો છે, જે અંગે અમે અગાઉ બેઠક કરી ત્યારે મૌખિક સહમતી આપવામાં આવી હતી. જોકે હજુ સુધી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં હવે સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે.


Spread the love

Related posts

પહેલાં બનાવો અને પછી તોડો:પંચવટી જંકશન પર L આકારમાં નવો બનતાં બ્રિજને કારણે છ મહિના પહેલા ડેવલોપ કરાયેલું ગીતા રાંભિયા સર્કલ તોડી પડાશે

Team News Updates

વેપારીને પૈસા ન આપી છેતરપિંડી આચરી:અમદાવાદમાં બિલ્ડિંગ મટિરિયલનો માલ ખરીદીને 8.61 લાખ નહીં આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ

Team News Updates

ઠંડીનો ચમકારો:ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો;પવનોની દિશા બદલાતાં ઠંડી ઘટશે

Team News Updates