રાજકોટ જિલ્લાના ધોરાજીની 13 વર્ષની વિદ્યાર્થિનીને સ્કૂલ રીક્ષાચાલક પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ગયાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પપ્પા હું ભાગ લેતી આવું તેમ કહીં બાળા ઘર બહાર ગઈ પછી પરત જ ન આવતા તપાસ કરતા બહારપુરાની માલા કોલોનીમાં રહેતા ઇમરાન સિદ્દીક સુમરા લઇ ગયો હોવાનું માલૂમ થતા પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રીક્ષાચાલકે બાળકીનું અપહરણ કર્યું
13 વર્ષની વિદ્યાર્થિની ઈમરાનની રીક્ષામાં જ સ્કૂલે જતી હતી, તે દરમિયાન આરોપીએ બાળકીને ભોળવી હતી. આરોપી રીક્ષાચાલક બાળકી સાથે મોબાઈલ ફોન પર વાત કરતો હતો, એ સમયે બાળકીના પિતા જોઈ જતા અગાઉ ઇમરાનને ઠપકો આપ્યો હતો. જોકે, આમ છતાં સુધરવાની બદલે રીક્ષાચાલક બાળકીનું અપહરણ કરી લઇ જતા ધોરાજી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મારી પત્ની મજૂરીકામ કરે છે
ધોરાજીમાં પોસ્ટઓફિસ ચોક વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરીકામ કરતા સગીરાના 43 વર્ષીય પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારે સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. મોટો દીકરો અન્ય રાજ્યમાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. તેનાથી નાની દીકરી 13 વર્ષની છે. તેને ધોરણ-8 સુધી અભ્યાસ કર્યો છે. મારી પત્ની પણ મજૂરીકામ કરે છે.
હું જમવા આવ્યો ત્યારે મારી દીકરી ઘરે જ હતી
ગત તા. 23.07.2023ના રોજ સવારના આશરે નવેક વાગ્યાના વખતે હું ધોરાજી નદી બજાર વિસ્તારમાં મજૂરીકામ માટે ગયેલ હતો. મારી પત્ની પણ મજૂરીકામે ગઈ હતી. મારી દીકરી ઘરે એકલી હતી. બપોરના આશરે બે અઢી વાગ્યાના સમયે હું જમવા માટે ઘરે આવ્યો ત્યારે મારા ઘરે મારી દીકરી હાજર હતી ત્યારે મારી દીકરીએ મને જણાવેલ કે, હું નાસ્તો લેવા દુકાને જાવ છું તેમ કહી જતી રહી હતી. થોડીવાર બાદ મારી પત્ની પણ કામથી ઘરે આવી હતી. તેણે મને પૂછેલ કે, દીકરી કયાં છે? તો મેં કહ્યું કે, નાસ્તો લેવા ચોકમાં ગઈ છે.
દીકરીના અપહરણ અંગે રીક્ષા ડ્રાઈવર પર શંકા
ત્યારબાદ અડધો કલાકનો સમય થવા છતા મારી દીકરી ઘરે પરત ન આવતા હું તથા મારી પત્ની આજુબાજુમાં આવેલ દુકાનો પર મારી દીકરીને શોધવા માટે ગયા પરંતુ, તેણી ક્યાંય મળી આવી નહીં. ત્યારબાદ મેં અમારા સગા-સંબંધીઓને ફોન કરી મારી દીકરી બાબતે તપાસ કરેલ પરંતુ, મારી દીકરી ક્યાંય મળી આવી નહોતી. મારી દીકરી અભ્યાસ કરતી હતી ત્યારે જે સ્કૂલ રીક્ષામાં સ્કૂલે જતી તે રીક્ષાના ડ્રાઇવર ઇમરાન સુમરા સાથે છુપી રીતે ફોનમાં વાતો કરતી જેથી મેં આ મારી દીકરી પાસે રહેલ ફોન લઇ લીધેલ હતો. જેથી, મને આ ઇમરાન પર શંકા જતા મેં ધોરાજી બહારપુરા વિસ્તાર પાંચપીરની વાડી, માલા કોલોનીમાં રહેતા ઇમરાનના ઘરે તપાસ કરતા ઇમરાનના ઘરે તાળુ મારેલ હતું.
દુષ્કર્મ કરવાના ઈરાદે અપહરણ કરી ફરાર
ઇમરાનના ઘરની બાજુમાં રહેતા તેના પાડોશીને મેં પૂછતાં તેણે જણાવેલ કે, ઇમરાન તેના પરિવાર સાથે જામનગર ગયો છે. આ વાત જાણ્યા પછી મને પૂરેપૂરી શંકા છે કે, આ ઇમરાન જ મારી સગીર વયની દીકરીને ભગાડી ગયો છે. તે હજુ સુધી પરત આવેલ નથી. જેથી, આ ઇમરાન મારી દીકરીને અમારા કાયદેસરના વાલીપણાાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ કરવાના ઇરાદે અપહરણ કરી નાસી ગયો હોય. આજ સુધી અમારી રીતે તપાસ કરી પણ તેણી ન મળી આવતા અંતે ફરિયાદ નોંધાવી છે.