પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નાગવાસણા ગામ પાસે આવેલી પાંજરાપોળમાં પવિત્ર પુરુષોતમ માસમાં જ ગાયોની કફોડી હાલત જોવા મળતા ગૌરક્ષકોમાં રોષ ફેલાયો છે. પાંજરાપોળના સંચાલકોએ ગાયોને મરવા છોડી દીધી હોવાનો ગૌરક્ષકોએ ગંભીર આક્ષેપ કર્યો છે. પાંજરાપોળની બાજુમાં જ આવેલા વાડામાં ગાયોના મૃતદેહો કૂતરા ચૂંથી રહ્યા હોવાના વીડિયો પણ વાયરલ થતા ચકચાર મચી છે. આ જગ્યા પરથી મૃત પશુના ચામડા અને અવશેષો મળ્યા હોવાના વીડિયો પણ વાઈરલ થયા છે. સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય અને ગૌરક્ષકો દ્વારા આ મામલે યોગ્ય તપાસની માગ કરવામાં આવી છે.
પાંજરાપોળના સંચાલકો પર ગૌરક્ષકોનો ગંભીર આક્ષેપ
ગૌરક્ષક રુદ્રેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, તેઓએ નાગવાસણા ગામ પાસેથી છ પશુઓ ભરેલા એક વાહનને ઝડપી પાડ્યું હતું. આ પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા. આ પશુઓને મુક્ત કરાવી અમે લોકો નાગવાસણા પાંજરાપોળમાં મૂકવા માટે ગયા હતા. પરંતું, અમે જ્યારે પાંજરાપોળમાં પહોંચ્યા તો ત્યાંની સ્થિતિ એકદમ ખરાબ હતી. અહીં અનેક ગાયો મરવા પડી હોવાનું જોવા મળ્યું હતું. જાણે અહીં ગાયને રિબાવી રિબાવીને મારી નાખવામાં આવતી હોય તે રીતે રાખવામાં આવી હતી. અમે તપાસ કરતા પાંજરાપોળની બાજુના વાડામાંથી મૃત પશુઓનું ચામડુ અને અવશેષો મળ્યા હતા.
શું કહી રહ્યા છે પાંજરાપોળના ટ્રસ્ટી?
નાગવાસણા ગામમાં આવેલા પાંજરાપોળના ટ્રસ્ટી ઉર્વિશ પંડ્યાએ ગૌરક્ષકોના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. સાથે કહ્યું હતું કે, આ પાંજરાપોળમાં ખોડા ઢોર રાખવામાં આવે છે. બીમાર ઢોરનું મૃત્યુ થાય તો તે લઈ જવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે વ્યકિત લઈ જાય છે.આમાં કશું જ ખોટું ન હોવાનું જણાવ્યું હતું.
પૂર્વ ધારાસભ્યએ યોગ્ય તપાસની માગ કરી
સિદ્ધપુરના નાગવાસણા ગૌશાળા મુદ્દે સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપતા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, સિદ્ધપુર જેવી માતૃ તર્પણની ધાર્મિક નગરીમાં પવિત્ર અધિક માસમાં નાગવાસણા ગૌશાળામાં ગાયો ઉતારવા ગયેલા ગૌપ્રેમીઓએ જે દ્રશ્યો નિહાળી આખી હકીકતને ઉજાગર કરી છે તે ખરેખર જીવદયા પ્રેમીઓ અભિનંદનને પાત્ર છે. ગૌમાતાના નામે રાજકારણ કરતી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પવિત્ર સિધ્ધપુરની ધરતી પર નાગવાસણા ગૌશાળામાં બનેલી ઘટનાને તેઓએ સખત શબ્દોમાં વખોડી આ બાબતે કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરાય તે માટે પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગૌભક્તોને સાથે રાખી કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું.