ટ્રાફિક પોલીસ સલામતી અને આરામ વધારવા માટે ગુજરાતના પોલીસ વડાએ એક નવતર પાયલોટ પ્રોગ્રામ ‘AC હેલ્મેટ’ રજૂ કર્યો છે, જે પોલીસકર્મીઓને ઉનાળાના દિવસોમાં શહેરની તીવ્ર ગરમી સામે લડવામાં મદદ કરશે. શુક્રવારે શહેરના કેટલાક પૂર્વીય વિસ્તારોમાં’AC હેલ્મેટ’ પહેરીને ડ્યૂટી કરતા પોલીસકર્મી દેખાયા હતા. આ પોલીસ અધિકારીઓએ અસામાન્ય હેલ્મેટ પહેર્યા હતા, જેમાં તેમની કમરની આસપાસના કવર સાથે દેખાતા વાયર જોડાયેલા હતા.
- ગરમીથી રક્ષણ આપે તેવા AC હેલ્મેટ અમદાવાદ ટ્રાફિક પોલીસને અપાયા છે
- બેટરીથી ચાલતા હેલ્મેટ ઠંડકની સાથે પોલીસકર્મીઓના સ્વાસ્થય માટે અનુકુળ
- ગુજરાત પોલીસવડાની પ્રાયોગિત ધોરણે પહેલ, AC હેલ્મેટની ખાસિયતો શું છે?
ઉનાળામાં ગરમીથી રાહત આપવા માટે રાજ્યના પોલીસ વડાએ 3 એસી હેલ્મેટ અમદાવાદ ટ્રાફિક પોલીસને આપ્યા છે. આ એસી હેલ્મેટના કારણે રોડ પર ફરજ બજાવતી વખતે ટ્રાફિક પોલીસને રાહત થઈ રહી છે. અમદાવાદ મિરરના અહેવાલ મુજબ બેટરીથી ચાલતા આ હેલ્મેટની ખાસ વિશેષતા એ છે કે તે, ધૂળ, તડકો અને પ્રદૂષિત હવાથી આંખ અને નાકને બચાવી શકશે. એટલું જ નહીં, આ હેલ્મેટમાં રહેલા ગ્લાસથી રોડ પર ફરજ બજાવનારા પોલીસકર્મીનું સ્વાસ્થ્ય પણ સુરક્ષિત રહી શકશે. શુક્રવારે શહેરના પૂર્વ વિસ્તારમાં AC હેલ્મેટ પહેરીને કેટલાક પોલીસકર્મી ડ્યૂટી કરતા જોવા મળ્યા હતા.
હવે ટ્રાફિક પોલીસકર્મીઓએ ઉનાળાની ગરમીમાં નહીં શેકાવું પડે
જણાવી દઈએ કે, ટ્રાફિક પોલીસને રોડ પર ડ્યૂટી કરતી વખતે ધૂળ અને પ્રદૂષિત ધૂમાડાનો સામનો કરવો પડે છે. સીઝન મુજબ પોલીસને વરસાદમાં રેઈનકોટ તો શિયાળામાં જેકેટ અને સ્વેટર મળે છે પરંતુ ઉનાળામાં પોલીસને રોડ પર કાળઝાળ ગરમીમાં શેકાવું પડે છે. જેથી રાજ્યના પોલીસ વડાએ પ્રાયોગિક ધોરણે અમદાવાદ ટ્રાફિક પોલીસને એસી હેલ્મેટ આપ્યા છે.
પૂર્વ અમદાવાદના 3 ટ્રાફિક પોઈન્ટ પર અપાયા AC હેલ્મેટ
અહેવાલ અનુસાર શહેરના નાના ચિલોડા, પિરાણા ચાર રસ્તા અને ઠક્કરનગર ચાર રસ્તા પર એક-એક પોલીસકર્મીને આ બેટરીથી ચાલતા એસી હેલ્મેટ અપાતા પોલીસ બફારા અને ગરમીભર્યા વાતાવરણથી રાહત અનુભવી રહ્યા છે. શુક્રવારે ઉપરોક્ત ટ્રાફિક પોઈન્ટથી પસાર થતાં વાહનચાલકોએ પણ પોલીસના માથે અલગ જ પ્રકારના હેલ્મેટ જોઈને વિચારમાં પડી ગયા હતા. કારણ કે, હેલ્મેટ સાથે જોડાયેલો એક વાયર અને પેટ પર એક કવર બાંધેલું હતું.
પ્રાયોગિક ધોરણે 3 AC હેલ્મેટ આપ્યા, શું છે ખાસિયત?
રાજ્યના પોલીસ વડા દ્વારા 3 AC હેલ્મેટ હાલ પ્રાયોગિક ધોરણે જ ટ્રાફિક પોલીસકર્મીઓને અપાયા છે. ખાસિયતની વાત કરીએ તો AC હેલ્મેટ પોલીસના સામાન્ય હેલ્મેટની ડિઝાઈન જેવા જ છે, પરંતુ તેમાં મૂકાયેલો પંખો એસીની માફક હવા ફેંકે છે. આ હેલ્મેટ બેટરીથી ચાલે છે, જેનો બેકઅપ પણ યોગ્ય છે. એકવાર ચાર્જ કર્યા બાદ કલાકો સુધી યુઝ કરી શકાય છે. બેટરીનો વાયર હેલ્મેટ સાથે જોડેલો છે અને બેટરી એક કવરમાં હોય છે જેને પોલીસે તેમના કમરમાં ભરાવવાનું રહે છે. AC હેલ્મેટ આંખ અને નાકમાં ધૂળ, ધૂમાડો કે તડકાની અસરથી પોલીસકર્મીઓને રક્ષણ આપશે. કારણ કે, હેલ્મેટમાં એક ગ્લાસ આપેલો છે, જે નાક સુધીનો ચહેરો ઢાંકે છે.
આ મામલે ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું કે, રાજ્યના પોલીસ વડા તરફથી અમદાવાદ ટ્રાફિક પોલીસને પ્રાયોગિક ધોરણે આ એસી હેલ્મેટ અપાયા છે, જે પોલીસ માટે ખૂબ જ સારી વાત છે. ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓ માટે તે કેટલા ઉપયોગી અને ફ્લેક્સિબલ છે તે બાબતે ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કરવામાં આવશે.