રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 13 વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ કરી નાસી જનાર સ્કૂલ રીક્ષાચાલકની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આ નરાધમે બાળા ઉપર દુષ્કર્મ પણ આચર્યું હોવાનું સામે આવતા પોલીસે પોક્સો તેમજ દુષ્કર્મની કલમનો ઉમેરો કરી મેડિકલ ચેકઅપ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બાળા જે રિક્ષામાં સ્કૂલે જતી તેના ચાલકે જ બાળાને ભોળવી પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યું હતું.
પ્રેમજાળમાં ફસાવી સગીરાને રીક્ષાચાલક ભગાડી ગયો
રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે રહેતા પરિવારની 13 વર્ષની વિદ્યાર્થિનીને સ્કૂલ રિક્ષાનો ચાલક પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ગયાનું સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. ’પપ્પા ભાગ લેતી આવું’ તેમ કહીં બાળા ઘર બહાર ગઈ પછી પરત જ ન આવતા તપાસ કરતા બહારપુરાની માલા કોલોનીમાં રહેતો ઇમરાન સિદ્દીક સુમરા પણ મળતો ન હોય તેની સામે પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગત તારીખ 23.07.2023 ના રોજ બાળાનું અપહરણ થયું હતું.
સગીરાનું અપહરણ કરી જામનગર ભાગી ગયો
બાળકી ધો.8માં અભ્યાસ કરતી ત્યારે ઇમરાનની સ્કૂલ રીક્ષામાં દરરોજ શાળાએ જતી. ઇમરાને વિદ્યાર્થિની પર નજર બગાડી હતી અને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. આ પછી મોબાઈલમાં વાતો કરતી બાળાને તેના પિતા એક વખત જોઈ જતા તે આ રિક્ષાચાલક ઇમરાન સાથે વાતો કરતી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પિતાએ તેની સગીર પુત્રી પાસેથી ફોન લઈ લીધો હતો અને ઠપકો આપ્યો હતો. જો કે આ પછી પણ ઇમરાન સુધરવાનું નામ ન લેતા તેનાથી આગળ વધી બાળાનું અપહરણ કરી જામનગર ભાગી છૂટ્યો હતો.
પોલીસે બાળકીને છોડાવી આરોપીની ધરપકડ કરી
બાળકીના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરતા આરોપી રીક્ષાચાલક ઇમરાન જામનગરથી મળી આવ્યો હતો. તેની સાથે બાળકી પણ મળી આવી હતી, જેથી પોલીસે બાળકીને છોડાવી ઈમરાનની ધરપકડ કરી અને બાળાને તેના માતા-પિતાને સોંપવામાં આવી હતી.
મેડીકલ ચેકઅપની કાર્યવાહી હાથ ધરી
ઇમરાને બાળકી સાથે શરીર સંબંધ બાંધ્યો હોવાની વાત બાળાએ તેની માતાને કરતા પોલીસે આરોપી ઇમરાનની પૂછપરછ કરી મેડિકલ ચેકઅપ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે દુષ્કર્મ આચર્યું હોવાની બાળકીની ફરિયાદના આધારે આરોપી સામેના અપહરણના ગુનામાં પોકસો અને દુષ્કર્મની કલમો ઉમેરો કરવા કોર્ટ સમક્ષ તજવીજ હાથ ધરવામાં આવી છે.