News Updates
ENTERTAINMENT

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત:રાહુલ-બુમરાહ અને શ્રેયસનું કમબેક, ચહલ ટીમમાંથી આઉટ; તિલકને મળ્યું સ્થાન, સેમસન સ્ટેન્ડબાય પ્લેયર

Spread the love

BCCIએ એશિયા કપ માટે સોમવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. ટીમની કેપ્ટનશીપ રોહિત શર્માને સોંપવામાં આવી છે. હાર્દિક પંડ્યા ટીમનો વાઇસ કેપ્ટન રહેશે. વિકેટકીપર કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર ટીમ ઈન્ડિયામાં પરત ફર્યા છે. તેમજ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સ્થાન મળ્યું નથી. જો કે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એશિયા કપમાં રમશે.

નંબર-4ની સૌથી ચર્ચિત પોઝિશન પર શ્રેયસની સાથે બેટર સૂર્યકુમાર યાદવ અને 20 વર્ષીય તિલક વર્માની પણ પસંદગી કરવામાં આવી છે. એશિયા કપ માટે 17 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી હતી, સંજુ સેમસન રિઝર્વ ખેલાડી તરીકે ટીમ સાથે ટ્રાવેલ કરશે.

BCCIએ નવી દિલ્હીમાં સોમવારે બપોરે 1.30 વાગ્યે બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં ટીમ વિશે માહિતી આપી હતી. પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકર હાજર હતા.

એશિયા કપ 30 ઓગસ્ટથી પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે. ભારતની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે થશે. આ ટૂર્નામેન્ટમાં ભારતને પાકિસ્તાન અને નેપાળની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. તેમજ શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યા છે.

વિકેટકીપર રાહુલ સાથે ઈશાનનો સમાવેશ
યુવા ખેલાડીઓમાં ઈશાન કિશનને વિકેટકીપર તરીકે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. રાહુલ પણ સામેલ છે. ટોપ ઓર્ડરમાં રોહિત શર્માની સાથે શુભમન ગિલની પસંદગી કરવામાં આવી છે. સંજુ સેમસન બેકઅપ વિકેટકીપર તરીકે શ્રીલંકા જશે.

રાહુલે આ વર્ષે 22 માર્ચે ભારત માટે છેલ્લી વનડે રમી હતી. આ પછી તે IPL રમવા ગયો, પરંતુ મે મહિનામાં ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો. આ પછી તેની સર્જરી થઈ અને હવે તે સંપૂર્ણ રીતે ફિટ છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે તૈયાર છે.

ટીમ 3 સ્પિનરો સાથે શ્રીલંકા જશે
ઓલરાઉન્ડર્સમાં જાડેજાની સાથે અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુર બંનેની પસંદગી કરવામાં આવી છે. સ્પિનરોમાં કુલદીપ યાદવની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે યુઝવેન્દ્ર ચહલને સ્થાન મળ્યું ન હતું. ચહલે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં એક પણ વનડે રમી ન હતી, જ્યારે કુલદીપને 8માંથી 7 લિમિટેડ ઓવર્સની મેચમાં તક મળી હતી.

શમી WTC બાદ પ્રથમ વખત રમશે
જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલિંગ એટેકને લીડ કરશે. તેની સાથે મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજ પણ હશે. શમીએ આ વર્ષે જૂનમાં ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. જ્યારે સિરાજ વેસ્ટ ઈન્ડિઝમાં ટેસ્ટ શ્રેણી બાદ ભારત પરત ફર્યો હતો. પ્રસિદ્ધ કૃષ્ણની પણ પસંદગી કરવામાં આવી છે. તે હાલમાં આયર્લેન્ડમાં જ છે.

બુમરાહ 13 મહિના પછી વનડે રમશે
એશિયા કપમાં વનડે રમવા માટે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહનું નામ પણ પસંદ કરવામાં આવ્યું છે. તેણે ભારત માટે છેલ્લી વનડે 14 જુલાઈ 2022ના રોજ ઈંગ્લેન્ડમાં જ ઈંગ્લેન્ડ સામે રમી હતી. એશિયા કપમાં ભારતની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે થશે. બુમરાહના ફોર્મને જોતા તેને પ્લેઇંગ-11માં પણ તક આપવામાં આવશે, આમ તે 13 મહિના બાદ વનડે ક્રિકેટ રમતા જોવા મળશે.

એશિયા કપની ટીમના 3 ખેલાડીઓ હાલ આયર્લેન્ડમાં છે
બુમરાહ હાલમાં આયર્લેન્ડ સામેની T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રવિવાર સુધી ભારતે 3 T20 શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે. ત્રીજી મેચ 23 ઓગસ્ટે રમાશે, ત્યારબાદ બુમરાહ, તિલક અને પ્રસિદ્ધ ભારત પરત ફરશે. આ ત્રણેય ખેલાડીઓ 25 ઓગસ્ટે બેંગલુરુમાં એશિયા કપ માટે બાકીની ટીમ ઈન્ડિયા સાથે જોડાશે.

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાનો ટ્રેનિંગ કેમ્પ 23 ઓગસ્ટથી શરૂ થશે. જેમાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડની હાજરીમાં ટીમના તમામ ખેલાડીઓ હાજર રહેશે.

રોહિત શર્મા હશે કેપ્ટન, કોહલી-જાડેજા પણ સાથે રહેશે
રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા જેવા સીનિયર ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. તમામને એશિયા કપની ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. માત્ર રોહિત શર્મા જ ટીમનું સુકાન સંભાળશે, જ્યારે હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન હશે.

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમીર , મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

બેકઅપ: સંજુ સેમસન (વિકેટકીપર).

30 ઓગસ્ટથી એશિયા કપ, ભારતની તમામ મેચ શ્રીલંકામાં
એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશે. યજમાન પાકિસ્તાન અને નેપાળ વચ્ચે પ્રથમ મેચ મુલતાનમાં રમાશે. ટૂર્નામેન્ટની 4 મેચ પાકિસ્તાનમાં અને 9 મેચ શ્રીલંકામાં રમાશે. ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ શ્રીલંકામાં જ રમશે. ભારતની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે થશે. 4 સપ્ટેમ્બરે ટીમ નેપાળ સામે ટકરાશે.

ટુર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લઈ રહી છે. 3-3 ટીમોને 2 જૂથોમાં વહેંચવામાં આવી છે. અહીંથી 4 ટીમો ક્વોલિફાય થશે અને સુપર-4 સ્ટેજમાં પહોંચશે. સુપર-4 સ્ટેજમાંથી 2 ટીમો ફાઇનલમાં પહોંચશે. ટૂર્નામેન્ટની ફાઈનલ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે.


Spread the love

Related posts

ભારતીય ખેલાડીઓએ તો રેકોર્ડ્સની હારમાળા સર્જી:બુમરાહ માલકોમ માર્શલ કરતા આગળ નીકળ્યો; અશ્વિને ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ વિકેટ ઝડપી

Team News Updates

તૂટી ગયો સંબંધ  7 વર્ષ બાદ આ કારણથી, મલાઈકા-અર્જુનનું બ્રેકઅપ થયું કન્ફર્મ ! 

Team News Updates

21 લાખની ફેક ટિકિટ વેચી ક્રિકેટરે જ;ભોગ બનનારે કહ્યું- IND-PAK વર્લ્ડકપ મેચની બોગસ ટિકિટ આપી,જામીન પર છૂટ્યા બાદ નવી કરતૂતમાં ગોવાથી પકડ્યો

Team News Updates