ગુજરાત અને રાજસ્થાનમાં જેની સામે કુલ 146 ગુના નોંધાયેલા છે અને હાલ જે 72 કેસમાં વોન્ટેડ છે એવો નામચીન બૂટલેગર વિજય ઉધવાની ઉર્ફે વીજુ સિંધી (bootlegger viju sindhi) ધરપકડથી બચવા માટે દુબઈ(Dubai) ભાગી ગયો હતો. હવે ઇન્ટરપોલ દ્વારા તેની વિરુદ્ધ જારી કરાયેલી રેડ કોર્નર નોટિસ(interpol redcortner notice)ને પગલે તે ત્યાં જ ફસાઈ ગયો છે અને ભારત પણ પરત આવી શકે એમ નથી. તે ભારત(India)માં પાછો ફરી શકે એ માટે તેણે સુપ્રીમ કોર્ટ(supreme court)માં અરજી કરીને રાહતની માંગણી કરી હતી જે માંગણીને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે નકારી છે અને આ અરજી રદ કરી છે.
વિજય ઉર્ફે વીજુ દુબઈ ગયો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને જામીન પર છોડી દેવામાં આવ્યો હતો. પરંતુ ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસના કારણે તે અન્ય કોઈ દેશમાં જઈ શકતો નથી. બાદમાં તેણે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કરીને ઈન્ટરપોલના નિયમો પર સવાલ ઉઠાવ્યા હતા.
દારૂની હેરાફેરીના ગુનામાં વીજુ સિંધીના પ્રત્યાર્પણની માંગ કરવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે હાઈકોર્ટમાં કહ્યું હતું કે, ગુજરાત અને રાજસ્થાનમાં તેની વિરુદ્ધ પ્રોહીબિશન અને અન્ય ગુનાઓ માટે 146 જેટલી ફોજદારી ફરિયાદો નોંધાઈ છે. તેની સામે 74 કેસમાં ટ્રાયલ પેન્ડિંગ છે અને હજુ 72 કેસમાં તે વોન્ટેડ છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેને વચગાળાની કોઈ રાહત આપવામાં આવી નહોતી.
વીજુ સિંધીએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું કે, દુબઈ ઓથોરિટી મુજબ પ્રત્યાર્પણની માગણી કરવામાં આવી છે તેમાં ઈન્ડિયન ઓથોરિટીના સહી કે સિક્કા નહોતા. તેમણે સબમિટ કરેલી પ્રત્યાર્પણની વિનંતીમાં પણ ખામીઓ હતી. આ અંગે UAEના સત્તાધીશોએ પણ ટિપ્પણી કરી હતી કે આ વિનંતી અમને ગંભીર લાગતી નથી.
આ અરજીમાં બૂટલેગરે એમ પણ કહ્યું હતું કે, તે પોતાના ભારતમાં રહેતા પરિવારને મળવા માગે છે અને અમેરિકામાં ભણતી દીકરીને મળવા જવા ઇચ્છે છે. જોકે રેડ કોર્નર નોટિસના કારણે તે કુટુંબીજનોને મળી શકતો નથી.
પરંતુ આ આરોપીનાં ગુનાઓની ગંભીરતાને જોતા સુપ્રીમ કોર્ટ જજની બેચે વીજુ સિંધીની આ માંગણીની અવગણના કરીને તેની અરજી રદ કરી છે.