રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવનાર છે. જેમાં પાંચ જેટલા આરોગ્ય કેન્દ્રો 24×7 ચાલુ રાખવામાં આવશે. આ માટે સ્ટાફની ભરતી સહિતની પ્રક્રિયા ચાલી રહી છે. આગામી એકાદ મહિના બાદ લોકોને રાત-દિવસ ઘરની નજીક ડિલિવરી સહિતની સુવિધા મળશે. જોકે, કયા 5 આરોગ્ય કેન્દ્રમાં આ સેવા શરૂ કરાશે તે બાબતે આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે. પરંતુ આ સેવાને લઈને હવે રાજકોટના નાગરિકોને 24 કલાક આરોગ્ય કેન્દ્રનો લાભ મળશે તે નિશ્ચિત છે.
આરોગ્ય કેન્દ્રો માટે ભરતી પ્રક્રિયા શરૂ
આ અંગે મનપાનાં ડેપ્યુટી કમિશનર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, હાલ મનપાનાં આરોગ્ય કેન્દ્રો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવી રહી છે. સાથે જ પાંચ એવા આરોગ્ય કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે જેને 24 કલાક ચાલુ રાખવામાં આવનાર છે. મનપાની વધતી આરોગ્યલક્ષી સેવાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અર્બન વેલનેસ સેન્ટર શરૂ કર્યા છે. તેમજ સીએચસી સેન્ટરો ચાલી રહ્યા છે. જેની સાથે 24 કલાક આરોગ્ય કેન્દ્રોની સુવિધા શરૂ કરવામાં આવનાર છે.
શિફ્ટ વાઇઝ તમામ સ્ટાફ હાજર રહેશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ આરોગ્ય કેન્દ્રો રાત્રિ દરમિયાન પણ ચાલુ રાખવા માટે વધારાનાં સ્ટાફની પણ રિક્રૂટમેન્ટ કરવામાં આવનાર છે. જેમાં શિફ્ટ વાઇઝ તમામ સ્ટાફ હાજર રહેશે. જેને કારણે બાળ તેમજ માતૃલક્ષી સેવાઓ જેવી કે, સગર્ભાઓની ડિલિવરી જેવી સુવિધા લોકોને 24 કલાક મળી રહેશે. આ ઉપરાંત અન્ય જે કોઈ સુવિધાઓ દિવસ દરમિયાન મળે છે તે તમામ હવે 24 કલાક આપવામાં આવશે. મોટાભાગે આવતા મહિનાથી આ સુવિધા શરૂ કરવામાં આવશે.
ટૂંક સમયમાં ભરતીની પ્રક્રિયા પૂર્ણ થશે
દિવસ દરમિયાન જે સ્ટાફ હોય છે તે તમામ સ્ટાફ જેમ કે, મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, લેબ ટેકનશિયન ઉપરાંત નિષ્ણાંત ડોક્ટર્સ સહિતનો સ્ટાફ ઉપલબ્ધ રહેશે. આ માટે ભરતી સહિતની પ્રક્રિયા પણ હાલ કોર્પોરેશન દ્વારા ચાલી રહી છે. ટૂંક સમયમાં ભરતીની પ્રક્રિયા પૂર્ણ થઈ જતા આગામી માસથી પ્રાયોગિક ધોરણે પાંચ જેટલા આરોગ્ય કેન્દ્રો અને ત્યારબાદ સાત આરોગ્ય કેન્દ્રો 24 કલાક ચાલુ રાખવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું હતું.