News Updates
GUJARAT

વડોદરા ખંડેરાવ માર્કેટ પાસે ભરાતા ફૂલ બજારમાં દબાણ શાખાનો સપાટો, ફૂલો ભરેલા 16 ટેમ્પો કબજે કર્યા

Spread the love

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા છેલ્લા કેટલાંક સમયથી રોડ-રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની હંગામી ઝુંબેશ ચાલી રહી છે. પાલિકાની દબાણ શાખા દબાણો દૂર કરીને જાય ત્યારબાદ તુરંત જ દબાણો પૂર્વવત થઈ જાય છે. આજે પણ પાલિકા દ્વારા અગાઉ અનેક વખત દૂર કરવામાં આવેલા ફૂલ બજારને આજે પુનઃ દૂર કરવામાં આવ્યું હતું. પાલિકાએ સવારે ફૂલો ભરેલા 16 ટેમ્પો કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. આજે પાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરી સામે વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી.

પાલિકા ત્રાટકતા નાસભાગ
વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નં. 13ના વોર્ડ ઓફિસર્સ અને દબાણ શાખાની ટીમ આજે વહેલી સવારે શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે ભરાતા ફૂલ બજાર ઉપર ત્રાટક્યું હતું અને રોડ ઉપર ટેમ્પો સહિત વિવિધ વાહનો તેમજ પાથરણા નાંખીને ફૂલો વેચતા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. વહેલી સવારે પાલિકાની દબાણ શાખા વોર્ડ કચેરીના અધિકારીઓ ત્રાટકતા ફૂલ બજારમાં નાસભાગ મચી ગઇ હતી.

વેપારીઓમાં નારાજગી
પાલિકાની દબાણ શાખા દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ઉપર ભરાતા ફૂલ બજારમાંથી રોડ ઉપર ટેમ્પો સહિતના વાહનો ઉભા કરીને ફૂલો વેચાણ કરતા વેપારીઓના 14 ટેમ્પો, બે વાન સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા આજે આકરી કાર્યવાહી કરતા વડોદરા જિલ્લા સહિત આસપાસના જિલ્લાઓમાંથી ફૂલો લઈને વેચવા આવતા વેપારીઓમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો. જોકે, પાલિકાએ કોઈ શરમ વગર કાર્યવાહી કરી હતી.

સમજાવવામાં આવ્યા હતા
વોર્ડ ઓફિસરે જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી ફૂલના વેપારીઓને રોડ ઉપર દબાણ કરીને ફૂલોનો વેપાર ન કરવા માટે સમજાવવામાં આવી રહ્યું હતું. પરંતુ, વેપારીઓ ઉપર તેની કોઇ અસર થતી ન હતી. અને વહેલી સવારથી ટ્રાફિકને અડચણરૂપ દબાણો કરીને વેપાર કરી રહ્યા હતા. રોડ ઉપર કરાતા દબાણને કારણે વહેલી સવારે નોકરી-ધંધાર્થે જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરિણામે આજે પાલિકાને કડક કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

સેન્ટ્રલ સ્ટોરમાં જમા કરાયો
તેમણે જણાવ્યું હતું કે, આજે સવારે છ વાગ્યાથી દબાણ શાખાની અને વોર્ડની ટીમને લઈને સંયુક્ત રીતે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ઉપર ભરાતા ગેરકાયદેસર ફૂલ બજારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને ટ્રાફિકને અડચણરૂપ 16 ફૂલોના ટેમ્પા, ફૂલો સહિત અન્ય સામગ્રી જપ્ત કરી પાલિકાના અટલાદરા ખાતે સેન્ટ્રલ સ્ટોર ખાતે જમા કરવામાં આવી છે.


Spread the love

Related posts

બજેટમાં 8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની કરી જાહેરાત

Team News Updates

ગુજરાતનું ગૌરવ, આ દિવ્યાંગ દીકરીએ એશિયન પેરા ગેમ્સ ચેસમાં જીત્યું બ્રોન્ઝ મેડલ

Team News Updates

ગાંધીનગરના છત્રાલ પાસે કારચાલકની હાજરીમાં જ અજાણ્યો શખ્સ કારમાંથી રોકડ ભરેલી બેગ ઉઠાવી ગયો

Team News Updates