ટોક્યો ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા આજે મોડી રાત્રે ડાયમંડ લીગ 2023ની ફાઈનલમાં પોતાના ટાઇટલનો બચાવ કરશે. ડાયમંડ લીગ 2023ની ફાઈનલ અમેરિકાના યુજેન શહેરમાં રમાશે. નીરજની મેચ આજે બપોરે 1.50 કલાકે થશે.
નીરજે સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિચ શહેરમાં લીગની 11મી મીટમાં 85.71 મીટરના શ્રેષ્ઠ સ્કોર સાથે બીજા સ્થાને રહીને ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. ચોપરા વર્તમાન ડાયમંડ લીગ મેન્સ જેવલિન થ્રો ચેમ્પિયન છે, તેણે આ ટ્રોફી 2022માં જીતી હતી.
મુરલી અને અવિનાશ નહીં રમે
પુરૂષોની લોંગ જમ્પમાં મુરલી શ્રીશંકર અને 3000 મીટર સ્ટીપલચેસમાં અવિનાશ સાબલે પણ પોતપોતાની ઇવેન્ટની ફાઇનલમાં ક્વોલિફાય થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને ખેલાડીઓએ 23 સપ્ટેમ્બરથી ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે યુજેન સ્પર્ધામાંથી ખસી જવાનો નિર્ણય કર્યો.
ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ
નીરજ એક સાથે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ બંને ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો છે. તેણે 2021માં ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો. ભારત 1900 થી ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યું છે, પરંતુ નીરજ પહેલાં, કોઈ પણ ભારતીયે ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટ્સમાં કોઈપણ રંગનો મેડલ જીત્યો ન હતો. નીરજ પહેલાં, મિલ્ખા સિંહ અને પીટી ઉષાનું અલગ-અલગ ઓલિમ્પિકમાં ચોથું સ્થાન મેળવવું એ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.
ડાયમંડ લીગ શું છે?
ડેમંગ લીગ એ એથ્લેટિક્સ (ટ્રેક અને ફિલ્ડ) ટુર્નામેન્ટ છે જેમાં 16 એથ્લેટિક્સ ઇવેન્ટ્સ (પુરુષો અને મહિલા)નો સમાવેશ થાય છે. દર વર્ષે વિશ્વના વિવિધ શહેરોમાં તેનું આયોજન કરવામાં આવે છે.
ડાયમંડ લીગ એથ્લેટિક્સ સિરીઝ દર વર્ષે મેથી સપ્ટેમ્બર દરમિયાન યોજવામાં આવે છે અને ડાયમંડ લીગ ફાઇનલ્સ સાથે સિઝનની સમાપ્તિ થાય છે. સામાન્ય રીતે ડાયમંડ લીગની સિઝનમાં સ્પર્ધાઓની સંખ્યા ફાઈનલ સહિત 14 હોય છે, પરંતુ ક્યારેક આ સંખ્યા બદલાઈ જાય છે.
દરેક ઇવેન્ટમાં ટોપ-8 ખેલાડીઓને પોઈન્ટ મળે છે, પ્રથમ ક્રમે આવનાર ખેલાડીને 8 પોઈન્ટ મળે છે અને આઠમા ક્રમના ખેલાડીને એક પોઈન્ટ મળે છે. 13 ઈવેન્ટ પછી, તમામ ખેલાડીઓના પોઈન્ટની ગણતરી કરવામાં આવે છે. ટોપ-10માં સ્થાન મેળવનાર ખેલાડીઓને ડાયમંડ લીગની ફાઇનલમાં સ્થાન મળે છે. આમાં, વિજેતા ખેલાડીને ડાયમંડ લીગ વિજેતાની ટ્રોફી અને રોકડ ઇનામ મળે છે.
તમે મેચ ક્યાં જોઈ શકો છો
યુજેન ડાયમંડ લીગ 2023 ફાઇનલનું લાઇવ સ્ટ્રીમિંગ Jio સિનેમા પર ઉપલબ્ધ થશે. પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાનું ભારતમાં Sports18 ટીવી ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. નીરજ ચોપરાની મેચ આજે ભારતીય સમય અનુસાર બપોરે 12.50 વાગ્યે શરૂ થશે.