News Updates
BHAVNAGAR

મેયરનાં માતાની સાદગીએ દિલ જીત્યા:ભાવનગરના નવા મેયર ભરત બારડનાં માતા 81 વર્ષે પણ મંદિરની બહાર બેસી વેચે છે ફૂલ, ભાડાના મકાનમાં રહે છે પરિવાર

Spread the love

ભાવનગર શહેરની સત્તાની ધૂરા સંભાળનાર પ્રથમ નાગરિક ખરા અર્થમાં કોમન મેન છે. એક એવો મધ્યમવર્ગીય પરિવાર, જે પરિશ્રમને પરમેશ્વર માની મહેનત-પુરુષાર્થ થકી રળેલો રોટલો ખાઈ રહ્યા છે અને સત્તા પ્રાપ્ત કરી હોવા છતાં લેશમાત્ર અભિમાન કે અહંમને હાવી ન થવા દેનાર ભાવનગરના નવનિયુક્ત મેયરની ચર્ચાએ લોકોમાં ખાસ્સીએવી જિજ્ઞાસા પ્રગટ કરી છે. ભાવનગરના નવા મેયર ભરતભાઈ બારડનાં માતા 81 વર્ષી વયે પણ મંદિરની બહાર બેસીને ફૂલ-હાર વેચે છે, તો ભરતભાઈ અને તેમના ભાઇનો સંયુક્ત પરિવાર ભાડાના મકાનમાં રહે છે.

તાજેતરમાં ભાવનગર શહેરના મેયર તરીકે ભરતભાઈ બારડની વરણી કરવામાં આવી છે. ભરતભાઈ જનસંઘના સમયથી સક્રિય પ્રજાના સેવક તથા રાજકીય પક્ષના સબળ કાર્યકર રહ્યા છે. પક્ષ પ્રત્યે વર્ષોથી વફાદાર રહી ભાજપ માટેની કર્તવ્યનિષ્ઠાની ફલશ્રુતિએ તેમને આજે મેયરના મકામ સુધી પહોંચાડ્યા છે. એવા આ શહેરના પ્રથમ નાગરિકની સાદગી તથા તેમના ફેમિલી બેકગ્રાઉન્ડની ચર્ચા લોકોમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.

માતા ફૂલ-હાર વેચે છે, પરિવાર હજી પણ ભાડાના મકાનમાં
60 વર્ષીય મેયર ભરતભાઇ બારડ પોતાના અને તેમના ભાઇના સંયુક્ત પરિવાર સાથે હાલમાં પણ ભાડાના મકાનમાં રહે છે અને વડવા વિસ્તારમાં વેલ્ડિંગ-ફેબ્રિકેશનના વ્યવસાય થકી પરિવારનો જીવનનિર્વાહ ચલાવે છે. મેયરની માતા 81 વર્ષની વય ધરાવે છે અને આ ઉંમરે પણ ગજબની સ્ફૂર્તિ સાથે સપ્તાહમાં બે વખત શહેરમાં આવેલા મંદિરે પોતાનો પરંપરા વ્યવસાય એટલે કે ફૂલ વેચાણ કરે છે. એકદમ સાદગીપૂર્ણ એવા મેયરના પિતાજી જહાંગીર મિલ (જૂની મિલ)માં મિલમજૂર તરીકે કામ કરતા હતા. મેયરનુ બાળપણ-યુવાની પરિવારની નબળી આર્થિક પરિસ્થિતિ વચ્ચે પસાર થઈ, પરંતુ લોકોના હામી બની કોઈપણ તકલીફમાં લોકોને મદદરૂપ થવું એ જ સાચા નેતા હોવાનો બખૂબી ગુણ ભરતભાઈ ધરાવે છે. નવનિયુક્ત મેયરનાં માતા નીરજાબેન છેલ્લાં 20 વર્ષથી મંદિર ખાતે ફૂલ વેચે છે, જેમની ઉંમર 81 વર્ષની છે અને તેમને પરિવારમાં બે દીકરા છે, જેમાં મોટા દીકરા ભરતભાઈ બારડ..જેમને ભાજપ દ્વારા મેયરપદ માટેની જવાબદારી સોંપવામાં આવી છે, જેને લઈ તેમના માતા ખૂબ જ ખુશ થયાં છે.

શું કહે છે મેયરનાં માતા

વાતચીતમાં મેયરનાં 81 વર્ષીય માતા નીરજાબેને જણાવ્યું હતું કે ભરતભાઇના પિતાના મૃત્યુ પછી અમારી આર્થિક સ્થિતિ વધારે નબળી બની હતી. હાલ અત્યારે બંને દીકરા કમાય છે. મારો મોટો દીકરો ભરત બોર્ડ ફિટિંગનો ધંધો કરે છે. પુત્ર મેયર બનતાં માતા નીરજાબેને ખૂબ જ ખુશ થયાં છે. 81 વર્ષની ઉમર હોવા છતાં ગજબની સ્ફૂર્તિ તેમનામાં જોવા મળી રહી છે. જોકે ઉમરના હિસાબે વધારે વાત તેમણે નહોતી કરી.

શું કહે છે ભાવનગરના નવા મેયર?
જીવન અને સેવા કે સામાજિક જીવન વિશે વાત કરતાં નવનિયુક્ત ભરતભાઈ બારડે જણાવ્યું હતું કે મારી મોટી બા જનસંઘ સમયનાં જૂનાં નિષ્ઠાવાન કાર્યકર્તા હતાં. વર્ષ 1977-78માં મેં sscની પરીક્ષા આપી હતી. ત્યાર બાદ તરત જ હું જનસંઘમાં જોડાયા હતો. જનસંઘ વર્ષ 1980થી ભાજપમાં ભળ્યું ત્યારથી હું પાર્ટીની સેવા કરતો આવ્યો છું.

જનતાને પોતાનો હક મળે એ માટે હું મહેનત કરીશ: ભરતભાઇ બારડ
મેયર બન્યા બાદ પોતાના કામને લઇને ભરતભાઇએ જણાવ્યું હતું કે મારી લાગણી નાનામાં નાના માણસોને તમામ સગવડો મળી રહે એવી છે. હું લોકોનાં કામ નિષ્ઠાપૂર્વક કરવાનો પ્રયત્ન કરીશ અને જનતાને પોતાનો હક મળે એ માટે મહેનત કરીશ. આવનારા દિવસોમાં પહેલાં જે કાર્યો ગતિમાં છે એ પૂર્ણ કરીશ અને પછી નવાં કાર્યો કરી ભાવનગર શહેરને વધુમાં વધુ વિકાસના પંથે લઇ જઇશ.

ભરતભાઈ અડધી રાત્રે આવીને ઊભા રહે છે: સ્થાનિક
સાથેની વાતચીતમાં સ્થાનિક પ્રદ્યુમ્નસિંહ સરવૈયા જણાવે છે, નવા નિમાયેલા ભરતભાઈ બારડ એ અમારા વિસ્તારના કોઈપણ કામ હોય, તેઓ અડધી રાત્રે આવીને ઊભા રહે છે. સરળ સ્વભાવવાળી વ્યક્તિ છે અને હંમેશાં લોકોની વચ્ચે રહેવાવાળી વ્યક્તિ છે. કોઈપણ નાત-જાત વગર બધા લોકો માટે કામ કરે છે. ભરતભાઈને મેયર બનાવતાં અમારાં બધા મંડળ તથા વિસ્તારના બધા લોકો ખુશ થયા છે.


Spread the love

Related posts

ભાવનગર ખાતે પધારેલા કેંન્દ્રિય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયાનું એરપોર્ટ ખાતે સ્વાગત કરાયું

Team News Updates

મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે ભાવનગરની ચિત્રા GIDCમાં “કોમન ફેસેલીટી સેન્ટર”નું ઉદ્ઘાટન કર્યું

Team News Updates

સંવેદનશીલ સરકારના અધિકારીઓ પણ સંવેદનશીલ છે તેનું જ્વલંત અને ઉમદા ઉદાહરણ

Team News Updates