News Updates
JUNAGADH

જૂનાગઢના વિસાવદરમાં માત્ર ચાર કલાકમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતોની જીવાદોરી સમાન ઓઝત-2 ડેમ ઓવરફ્લો

Spread the love

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. આજે સૌરાષ્ટ્રમાં મેઘો મુશળધાર વરસ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં માત્ર ચાર કલાકમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈ શહેરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો મેંદરડામાં પણ સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ ખેડૂતોની જીવાદોરી સમાન ઓઝત-2 ડેમ પણ ઓવરફ્લો થયો હતો.

વિસાવદરમાં ચાર કલાકમાં સાડા સાત ઈંચ વરસાદ
આજે સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ રહી છે. જૂનાગઢ જિલ્લામાં મેઘો મુશળધાર વરસ્યો હતો. વિસાવદરમાં માત્ર ચાર કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેથી પાણી જ પાણી થઈ ગયું હતું. તો મેંદરડામાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. તેમજ વંથલીમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢના માણાવદર અને ભેસાણમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે.

ઓઝત બે ડેમ ઓવરફ્લો, ગામ્ય વિસ્તારમાં એલર્ટ
બીજી તરફ ખેડૂતોની જીવાદોરી સમાન ઓઝત-2 ડેમ ઓવરફ્લો થયો હતો. ઓઝત-2 બાદલપરા ડેમના 8 દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યાં છે. 30 હજાર ક્યુસેક પાણીની આવક હાલ જોવા મળી રહી છે. ઉપરવાસમાં વધુ વરસાદ પડતાં ઓઝત-2 ડેમમાં પાણીની આવક વધી રહી છે. વંથલીનો ઓઝત વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે. ઓઝત વીયર અને બાદલપરા ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. વંથલી, કેશોદ, માંગરોળ અને માણાવદર તાલુકાના ગામોને એલર્ટ આપાયું છે.

જામનગરમાં ધીમીધારે વરસાદ શરૂ
હવામાન ખાતાની ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે જામનગરમાં ગત મોડી રાત્રે જોરદાર વરસાદી ઝાપટું આવ્યું હતું. ત્યારબાદ આજે સવારથી જ શહેરમાં ધમીધારે વરસાદ વરસી રહ્યો છે. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ભાદરવામાં મેઘરાજાની રી-એન્ટ્રી થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. શહેરમાં વરસાદ વરસતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે. હાલ ગ્રામ્ય તથા શહેર વિસ્તારમાં મેઘરાજાએ ધીમીધારે હેત વરસાવવાનું શરૂ કર્યું છે.

આજે પાંચ જિલ્લામાં રેડએલર્ટ
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. ત્યારે આજે ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે અહીં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે.

આજે રાજ્યના 131 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે પણ મેઘમહેર યથાવત્ત જોવા મળી રહી છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 131 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં સાડા સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 26 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં વિસાવદરમાં 185 MM, મેંદરડામાં 137 MM, મહેસાણામાં 82MM, વંથલીમાં 56 MM, ડીસામાં 52 MM,દાંતામાં 50MM, હળવડમાં 49 MM, સાબરકાંઠાના ઈડરમાં 48 MM, વીસનગરમાં 43 MM, અને દિયોદરમાં 39 MM વરસાદ નોંધાયો છે.

પાંચ જિલ્લામાં 9613 લોકોનું સ્થળાંતર
ગુજરાતમાં ભારે વરસાદના કારણે અને સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા આજે સાંજ સુધીમાં 9613 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ભરૂચ જિલ્લામાં 5744, નર્મદા જિલ્લામાં 2317, વડોદરામાં 1462, દાહોદમાં 20 અને પંચમહાલ જિલ્લામાં 70 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ
અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેર અને આસપાસના દરીયા કાંઠાના ગામડામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર પાંથકમાં વરસાદી માહોલ વચ્ચે ઠંડક પ્રસરી ગઈ છે. ધારી- ગીર પંથકમાં વરસાદી ઝાપટાં અને ધીમીધારે વરસાદ વરસ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર
બનાસકાંઠા જિલ્લામાં સર્વત્રિક મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં વાવમાં 43 મિમિ, થરાદમાં 10 મિમિ, ધાનેરામાં 24 મિમિ, દાંતીવાડામાં 30 મિમિ, અમીરગઢમાં 39 મિમિ, દાતામાં 64 મિમિ, વડગામમાં 31 મિમિ, પાલનપુરમાં 32 મિમિ, ડીસામાં 71 મિમિ, દિયોદરમાં 24 મિમિ, ભાભરમાં 27 મિમિ, કાંકરેજમાં 09 મિમિ, લાખણીમાં 36 મિમિ, સુઈગામમાં 30 મિમિ વરસાદ નોંધાયો છે.

નર્મદાના રામપરા રેંગના તટે બનાવેલી વિશાળકાય નંદીએ જળ સમાધિ લીધી
નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં ભારે પુરની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે નર્મદા નદીના તટે ઉતરવાહીની એટલે કે ઉત્તર દિશાએ જે તરફે નર્મદા નદી વહે છે. ત્યાં આવેલ રામપરા અને રેંગણ ગામની પાસેથી વહેતી નર્મદા નદીના કિનારે રેંગણના ઓવારા પાસે બનાવવામાં આવેલ વિશાળકાય નંદીની પ્રતિમા નર્મદા પરિક્રમાવાસીઓને ઉત્તરવાહિનીનો પથ એટલે કે રસ્તો દર્શાવતી હતી. આ વિશાળ કાઈ નંદી ભારે આકર્ષણનું કેન્દ્ર પણ બની હતી. ત્યારે નર્મદા નદીમાં ભારે પુર આવતા આ વિશાળ કાય નંદીએ નર્મદા નદીના જળમાં સમાધિ લીધી હતી.

પાટણમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે શનિવાર રાત્ર થી ધીમીધારે શરૂ થયેલો વરસાદ આજે પણ યથાવત્ત જોવા મળી રહ્યો છે. ગત રાતે વરસાદ વરસતા શહેરના બંને રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા રસ્તો બંધ થતા યુનિવર્સિટી રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના પગલે વાહન ચાલકોને હાલાકી પડી હતી. વહેલી સવારે કામ અર્થે નીકળેલ લોકોને પણ છત્રી અને રેનકોટનો સહારો લેવો પડ્યો હતો.

માંગરોળ ગામે વાઇબ્રન્ટ સ્કૂલમાં બાળકો ફસાયા
ગઈકાલે ભારે વરસાદના પગલે નર્મદા જિલ્લાનું માંગરોળ, ગુવાર, શહેરવ, સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. નર્મદા જિલ્લાનું માંગરોળ ગામ બેટમાં ફેરવાયું હતું. ગામની શાળામાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું રેસક્યુ કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સ્કૂલમાં ફસાઈ જતા વીડિયો બનાવી મદદ માગી હતી. જેથી તેમને બચાવવા માટે SDRFની રવાની થઈ હતી. જોકે SDRFની ટીમ પાણીના ફસાઈ જતા તેમને પણ NDRFની ટીમની મદદ માગવામાં આવી હતી. NDRFની ટીમે તુરંત બચાવ કામગીરી હાથ ધરી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શાળામાંથી બહાર કાઢી રેસક્યું કર્યું હતું.

દાહોદમાં હવામાન વિભાગનું રેડએલર્ટ
દાહોદ જિલ્લામાં તારીખ 17 અને 18 સપ્ટેમ્બર એમ બે દિવસ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. શુક્રવાર રાતથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે સતત બીજા દિવસે પણ દાહોદ જિલ્લામાં મેઘ મહેર જોવા મળી હતી. અવિરત વરસાદને પગલે દાહોદની દુધમતી નદી બે કાંઠે વહી રહી છે. નદી, નાળા, તળાવો, ડેમો વગેરે જળાશયો ઓવરફ્લો થઈ રહ્યાં છે. જિલ્લાના કેટલાંક ડેમો ઓવરફ્લો થતાં વહીવટી તંત્ર દ્વારા આસપાસના ગામોને એલર્ટ જાહેર કરી સ્થાનિક લોકોને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. નાના બાળકો માટે કોઈ જોખમ લેવાય તેમ ન હોવાથી કલેક્ટરે તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે સોમવારે 18 એપ્રિલના રોજ બંધ રાખવા આદેશ કર્યા છે.

મોરવા હડફ તાલુકામાં 100 મજૂરો ફસાયા
પંચમહાલ જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદને પગલે ભારતમાલા હાઇવે પ્રોજેક્ટમાં કામ કરતા 100 જેટલા શ્રમિકો મોરવા હડફ તાલુકાના નાટાપુર પાસેની સાઈટ પર ફસાયા હતા. આ ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર દોડતું થયું હતું. જે બાદ તમામ શ્રમિકોને જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યું કરીને બચાવી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પંચમહાલ ગોધરા રેન્જ આઇજી રાજેન્દ્ર વી અસારી તેમજ મોરવા હડફ ધારાસભ્ય નિમિષા સુથાર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તમામ શ્રમિકોને રેસ્કયું કરીને નાટાપુર ગામની પ્રાથમિક શાળામાં લઈ જવામાં આવ્યા હતા. તમામ શ્રમિકોને બચાવી લેતા જિલ્લા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

કડીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં, પાર્કિગમાંથી એક કાર તણાઈ
કડી પંથકમાં રવિવારે સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં મેઘસવારી જોવા મળી હતી. વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઉદભવી હતી. કડીના શાક માર્કેટ પાસે વરસાદી પાણીના પ્રવાહમાં એક સિલ્વર કલરની સ્વિફ્ટ ગાડી તણાતી નજરે ચડી રહી હતી. કારચાલક કાર પાર્કિંગ કરીને કામ માટે ગયો હતો જ્યાં અચાનક જ પાણીનો પ્રવાહ વધતા તેની ગાડી તણાવા લાગી હતી. કારમાં કોઈ બેઠેલ ન હોય જાનહાનિ ટળી હતી. કડી શહેરના કરણનગર રોડની અનેક સોસાયટીનાં ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. કડીના નાની કડી, જકાતનાકા, ભાગ્યોદય હોસ્પિટલની પાછળ જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદભવતા લોકો પરેશાન થઈ ગયા હતા. રવિવારે જનજીવન અસ્ત વ્યસ્ત જોવા મળ્યું હતું.

પાલનપુરમાં દુકાનોમાં પાણી ઘૂસ્યાં
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ગઈકાલે એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેથી ગઠામણ પાટિયા સાંઈબાબા મંદિર સહિત હાઇવે વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. તેમજ ગઠામણ પાટિયા પાસેની દુકાનોમાં પાણી ઘૂસ્યાં હતાં. પાલનપુર-ગઠામણ ગામને જોડતા માર્ગ પર પાણી ભરાવાથી અનેક વાહનચાલકોને હાલાકી પડી હતી.

કચ્છ જિલ્લામાં મેઘમહેર
રાપર અને ભચાઉ તાલુકામાં રવિવારે સાંજે એકાએક પવન સાથે જોરદાર વરસાદ શરૂ થતાં ગ્રામીણ માર્ગો પર જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં. રાપર અને તાલુકાના ત્રંબો, નંદાસર, સુદાના સહિતના ગામોમાં વરસાદ વરસતા અંદાજીત અડધા થી પોણો ઇંચ પાણી વરસી ગયું હતું. તો બીજી તરફ પડોસી ભચાઉ તાલુકાનાં સામખિયાળી, મંનફરા, વોંધ, ચોબારી સહિતના વિસ્તારમાં ભાદરવાના ભારે ઝાપટાં વરસી પડતાં ખેતર, જાહેર માર્ગો પાણી – પાણી થઈ પડયા છે. હજુ પણ વરસાદી માહોલ યથાવત જોવા મળતા વધુ વરસાદ થવાની સંભાવના જોવા મળી રહી છે. વરસાદી ઝાપટાંના પગલે વાગડના ખેડૂત વર્ગમાં ખુશી ફેલાઈ છે.


Spread the love

Related posts

બાટવાના પાજોદ ગામ પાસે બેફામ કારે બાઇક સવાર 3 યુવકોને ફંગોળ્યા, ત્રણેય મિત્રના મોત

Team News Updates

JUNAGADH: પોલીસનો સન્માનનો અભિગમ કર્મચારીઓને કર્તવ્ય માટે પ્રેરણા પૂરી પાડશે…

Team News Updates

શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે સેવાનો મહાયજ્ઞઃ 58મા જન્મદિવસે દેશભરમાં 58થી વધુ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Team News Updates