છેલ્લા કેટલાક સમયથી મહાનગરપાલિકાનાં ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે સવારથી શહેરનાં વોર્ડ નંબર 11માં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન નાનામૌવા રોડ સહિતના વિસ્તારોમાંથી 27 ગેરકાયદેસર ઝૂંપડાનાં દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. અને કુલ રૂપિયા 79.55 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
સવારથી ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરાઈ
પ્રાપ્ત વિગત મુજબ ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આજે સવારથી ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકાના વોર્ડ નં-11ટી.પી સ્કીમ નં-7 નાનામૌવા અંતિમ ખંડ નંબર 3/3/એ (રહેણાંક વેચાણ) ધોળકિયા સ્કૂલ પાછળ, 150 ફૂટ રિંગ રોડ નજીક કુલ 5067.24 ચો.મી. જમીન ઉપર 20 જેટલા ઝુંપડાના બાંધકામ કરવામાં આવ્યા હતા. જેની અંદાજે કિમત 30.40 કરોડ થાય છે તે દૂર કરી આ જગ્યાને ખુલ્લી કરવામાં આવી હતી.
27 જેટલા ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા
આ ઉપરાંત મહાનગરપાલિકાના વોર્ડ નં-11ટી.પી સ્કીમ નં-7 નાનામૌવા અંતિમ ખંડ નંબર -22/એ વાણીજ્ય વેચાણ માટેના પ્લોટ 6143.19 ચો.મી. જમીન ઉપર પણ 7 જેટલા ઝુંપડા બની ગયા હતા. જેની અંદાજીત કિંમત રૂ. 49.15 કરોડ છે. તેના ઉપર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આમ કુલ મળી 11210.43 ચો.મી જમીન ઉપરના 27 જેટલા ગેરકાયદે ઝુંપડા તોડી પાડી અને રૂ. 79.55 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
કાર્યવાહીમાં વિજિલન્સ પોલીસ હાજર રહી
ઉલ્લેખનીય છે કે, મ્યુ. કમિશ્નર આનંદ પટેલ દ્વારા ખાસ સરકારી જમીન પરના દબાણોને દૂર કરવાનાં આદેશો આપવામાં આવ્યા છે. જે અંતર્ગત ટાઉન પ્લાનિંગ ઓફિસરની હાજરીમાં આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિજિલન્સ પોલીસ હાજર રહી હતી. તેમજ મનપાનાં ટાઉન પ્લાનર જી.ડી. જોષી, આર. એન.મકવાણા તથા વેસ્ટ ઝોન શાખાનો તમામ સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો હતો.