સુરત શહેરમાં મોડીરાતથી વહેલી સવાર સુધી ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ થતાની સાથે જ જનજીવન ઉપર તેની અસર દેખાઈ હતી. રસ્તા ઉપર પાણી ફરી વળતા સવારે કામકાજ માટે જતા લોકો ભારે ટ્રાફિકજામમાં ફસાયા હતા. ઉધના અને લિંબાયત વિસ્તારમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. 8 કલાકમાં દે ધનાધન 5 ઈંચ વરસાદ પડતા રસ્તાઓ નદી બન્યા હતા અને સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા હતા.
ઉધનામાં 5 ઈંચ વરસાદ
સુરત શહેરમાં મોડીરાતથી વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. માત્ર ઉધના ઝોનમાં જ 8 કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે શ્રીનાથજી સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વહેલી સવારે સ્કૂલ અને કોલેજ જતા તેમજ કામકાજ માટે જતા લોકો માટે ભારે મુશ્કેલી સર્જાઈ હતી. મૂશળધાર વરસાદને કારણે અલગ અલગ સોસાયટીઓમાં પાણી ભરાયા હોવાના દૃશ્યો સામે આવ્યા હતા.
ઠેર ઠેર ટ્રાફિકજામ થયો
પાંચ ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા નવસારી-ઉધના રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વહેલી સવારે જ લોકો ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત થઈ ગયા હતા. વરસાદે વિરામ લીધાના બે કલાક બાદ પણ રસ્તા ઉપરથી પાણી ઓસર્યા નહોતા. ઘણી ખરી જગ્યાએ વાહનો વરસાદી પાણીના ભરાવાને લીધે ખોટકાઈ ગયેલા પણ જોવા મળ્યા હતા. જેને કારણે ભારે ટ્રાફિકજામ ઉધના અને લિંબાયત ઝોનમાં જોવા મળ્યો હતો. રસ્તા ઉપરથી પાણી ન ઓસરતા વહીવટી તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હોય તેવી લોકોમાં ચર્ચા ઉઠી હતી. ઝડપથી પાણીનો નિકાલ થવો જોઈએ તે ન થવાને કારણે લોકોને પારાવાર હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.