સુંદર પહાડોનું શહેર નૈનીતાલની જમીન ધસવા લાગી છે. શનિવારે આલ્મા હિલમાં તિરાડ પડતાં 4 મકાન ધરાશાયી થયા હતા. આ ઘટના બાદ નૈનીતાલમાં તંત્ર એક્શનમાં આવ્યું છે. રવિવારે તેણે આલ્મા હિલ પર બનેલા 250 ઘરોને ખાલી કરાવવાનું શરૂ કર્યું હતું.
નૈનીતાલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ પણ આ ઘરો પર લાલ નિશાનો પણ લગાવ્યા છે. ત્રણ દિવસમાં આ મકાનો ખાલી કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આલ્મા સૌથી સંવેદનશીલ ટેકરી છે. અહીં વસેલા10 હજાર પરિવારો પર જોખમ વધી રહ્યું છે.
ભૂસ્તરશાસ્ત્રી પ્રો. સીસી પંતના મતે નૈનીતાલની ભૌગોલિક રચના અન્ય પહાડી શહેરોથી અલગ છે. તેની વચ્ચેથી પસાર થતા નૈનીતાલ ફોલ્ટની સાથે, કુરિયા ફોલ્ટ, પાઈન્સ ફોલ્ટ, એસ્ડેલ ફોલ્ટ, સીપી હોલો ફોલ્ટ સહિત અન્ય નાના-નાના ફોલ્ટ્સ શહેરને અત્યંત સંવેદનશીલ બનાવે છે. આ ફોલ્ટમાં ભૌગોલિક હિલચાલ વધી રહી છે, જેના કારણે ટેકરીઓ નબળી પડી રહી છે. ભવિષ્યમાં જોશીમઠ કરતાં પણ મોટી હોનારત થવાનો ભય છે.
આ ટેકરી પર 33 વર્ષથી ગેરકાયદે બાંધકામ
નૈનીતાલ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીનું કહેવું છે કે 1989થી 2022 દરમિયાન પહાડી પર ઘણાં ગેરકાયદે બાંધકામ થયાં હતાં. વિભાગના અધિકારી પંકજ ઉપાધ્યાયે કહ્યું કે હવે અમે કડક કાર્યવાહી કરી રહ્યા છીએ. જે લોકો તેમના ઘર ખાલી નહીં કરે તેમને તાળા મારી દેવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું- હિમાલય પર વધુ ભાર
ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું હતું કે હિમાલયના ક્ષેત્રમાં વસ્તીનું દબાણ વધ્યું છે. તેથી, તેની ક્ષમતાના અભ્યાસ કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરો. ગયા મહિને હિમાચલમાં વરસાદને કારણે શિમલા અને કુલ્લુમાં મોટા પાયે ભૂસ્ખલન થયું હતું. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે 1875માં શિમલાને માત્ર 16 હજાર લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આજે 1.70 લાખ લોકો ત્યાં રહે છે.
1880માં આલ્મા ખાતે ભૂસ્ખલનમાં 151 લોકો માર્યા ગયા હતા
બ્રિટિશ શાસન દરમિયાન, 1880માં, આ પહાડીમાં મોટા પ્રમાણમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં 151 લોકો માર્યા ગયા હતા. જેમાં 43 બ્રિટિશ અધિકારીઓ અને બાકીના સ્થાનિક લોકો સામેલ હતા. અકસ્માત બાદ અંગ્રેજોએ ટેકરી પર બાંધકામ પર પ્રતિબંધ મુકી દીધો હતો. આજે લગભગ 10 હજારની વસ્તી આ ટેકરી પર વસેલી છે. આલ્મા હિલનો વિસ્તાર જ્યાં ભૂસ્ખલન થયું છે તે પહેલાથી જ અસુરક્ષિત છે.
ભૂસ્તરશાસ્ત્રી પ્રો. બીએસ કોટલિયા કહે છે કે ફોલ્ટ લાઇન નૈની તળાવની વચ્ચેથી પસાર થાય છે. સમયની સાથે નૈનીતાલની સંવેદનશીલ ટેકરીઓ પર વધુ બાંધકામ થયું છે. જેના કારણે ભૂસ્ખલનનો ભય છે. જો પગલાં લેવામાં નહીં આવે તો ગંભીર પરિણામો જોવા મળી શકે છે.
20 વર્ષમાં અહીં ઘણું બાંધકામ થયું
પ્રો. પંત સમજાવે છે કે આલ્મા હિલ વધુ સંવેદનશીલ છે કારણ કે નૈની તળાવ ઉપરની ડાબી બાજુએ સીધી ઊભી છે. છેલ્લા 20 વર્ષમાં આ ટેકરી પર મોટા પાયે બાંધકામ થયું છે. જ્યારે આ ટેકરી નીચેથી બરડ છે. ઘણી વખત વૈજ્ઞાનિકોએ આ અંગે ચેતવણી પણ આપી છે, પરંતુ વહીવટીતંત્રની બેદરકારીને કારણે આજે પણ અહીં બાંધકામ ચાલુ છે.