હાલ તહેવારોની મોસમ ચાલી રહી છે ત્યારે નકલી ખાદ્ય વાનગીઓ અને મીઠાઈઓ બજારમાં વેચાતી હોય છે. ખાસ કરીને તહેવારોની આ સીઝનમાં દૂધ અને દૂધની બનાવટોનો નકલી કારોબાર ચાલતો જોવા મળે છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. આવી જ એક નકલી દૂધ બનાવવાની ઘટના બોટાદ જિલ્લામાં સામે આવી છે.
સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બુબાવાવ ગામની સીમમાંથી લોકલ ક્રાઇમ બ્રાંચે બનાવટી દૂધનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે કુલ 91,520નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ 400 લિટર ડુબ્લિકેટ દૂધનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો. હાલ દૂધનાં સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તે કેવી રીતે દૂઘની ભેળસેળ કરતો હતો, દૂધમાં શું-શું વસ્તુ ભેળવતો એનો ડેમો કરાવ્યો હતો.
400 લિટર જેટલું નકલી દૂધ ઝડપાયું
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બુબાવાવ ગામની સીમમાં બનાવટી દૂધનો જથ્થો બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. અંદાજિત 400 લિટર જેટલું નકલી દૂધ ઝડપી પાડવામાં આવ્યું હતું. પોલીસે દૂધનાં સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલાવ્યાં છે. બોટાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુલ રૂ.91,520નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે કુલ રૂ.91,520નો મુદ્દામાલ જપ્ત કર્યો
બોટાદ LCB PI ટી.એસ.રીઝવી તથા LCB સ્ટાફ દ્વારા મળેલી બાતમીના આધારે જેજેરામ સંતરામભાઇ ગોંડલિયા (રહે.બુબાવાવ ગામની સીમ, ડોકામરડી સીમ વિસ્તાર, તા.રાણપુર, જિ.બોટાદ) ત્યાં રેડ કરતાં ભેળસેળયુક્ત બનાવટી દૂધ બનાવતા મળી આવ્યો હતો, જેથી પોલીસે મામલતદાર રાણપુર તથા ડેઝિગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમનતંત્ર, ભાવનગરને જાણ કરી તેમને સ્થળ પર બોલાવી જરૂરી સેમ્પલના નમૂનાઓ લેવડાવી તપાસણી અર્થે મોકલી આપવામાં આવ્યાં હતાં. પોલીસે કુલ રૂ.91,520નો મુદ્દામાલ જપ્ત કરી જેજેરામ ગોંડલિયા વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
પોલીસે આરોપી પાસે લાઇવ ડેમો કરાવ્યો
કેટલા સમયથી બનાવટી દૂધ બનાવી કાળો કારોબાર ચલાવી રહ્યા હતા અને દૂધ કઈ ડેરીમાં આપવામાં આવતું હતું એ તમામ બાબતે પોલીસે તપાસ હાથ ધરી હોવાનું બોટાદ જિલ્લા પોલીસવડા કિશોર બળોલિયાએ મીડિયાને માહિતી આપી હતી, જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસે લાઈવ ડેમો કરાવ્યો હતો. એમાં આરોપી જેજેરામ ગોંડલિયા પાણી અને મિલ્ક-પાઉડરને મિક્સ્ચર દ્વારા મિક્સ કરી એમાં વનસ્પતિ તેલ ઉમેરી નકલી દૂધ બનાવી દૂધની ડેરીમાં ભરતો હતો.
અસલી દૂધ જેવો જ ટેસ્ટ
પોલીસ સાથેની વાતચીતમાં આરોપીએ જણાવ્યું હતુ કે આ દૂધનો ટેસ્ટ અસલી દૂધ જેવો જ હોય છે. પોલીસે ટેસ્ટ કરીને પણ ચેક કર્યું હતું. વધુ પાઉડર ઉમેરવાથી દૂધ વધુ ઘટ્ટ બને છે. જ્યારે વનસ્પતિ તેલ સાથે વ્યવસ્થિત રીતે મિક્સ્ચરમાં મિક્સ કરવાથી અસલી-નકલીનો ભેદ જાણવો મુશ્કેલ બની જાય છે.