વિજય થલાપતિની ફિલ્મ ‘લિયો’ તેની રિલીઝના ત્રીજા અઠવાડિયાં બાદ પણ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી રહી છે. રિલીઝના 17માં દિવસે ફિલ્મે વિશ્વભરમાં 5.95 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું કુલ કલેક્શન 379.15 કરોડ રૂપિયા થઈ ગયું છે. વિશ્વભરના આંકડાઓની વાત કરવામાં આવે તો ફિલ્મે 564.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
સ્થાનિક કમાણીના મામલામાં ‘લિયો‘ની કમાણી ‘જેલર’ કરતાં પણ આગળ નીકળી
‘લિયો’ની કમાણી ગયા રવિવારે ફિલ્મ ‘જેલર’ની કમાણી કરતા ઓછી હતી. ‘જેલરે ‘તેની રિલીઝના ત્રીજા રવિવારે 7.9 કરોડ રૂપિયા એકત્ર કર્યા. જોકે, સ્થાનિક કમાણીના મામલે ‘લિયો’એ ‘જેલર’ને પાછળ છોડી દીધા છે. ‘જેલર’નું ભારતીય બોક્સ ઓફિસ પર કુલ 348.55 કરોડનું કલેક્શન હતું. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે થોડા દિવસોમાં ‘લિયો’ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ‘જેલર’નો રેકોર્ડ તોડી નાખશે. ‘જેલરે’ વિશ્વભરમાંથી કુલ 604 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
‘લિયો’એ રવિવારે થિયેટરોમાં 31% તમિલ ઓક્યુપન્સી રેકોર્ડ કરી હતી, જેમાં સાંજના શો બેસ્ટ હતા. જેલરનો સ્થાનિક રેકોર્ડ તોડ્યા પછી ‘લિયો’ હવે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવવાની રેસમાં છે.
‘લિયો’ કોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ ઓપનર ફિલ્મ બની છે
ફિલ્મ ‘લિયો’એ શરૂઆતના દિવસે 145 કરોડનું કલેક્શન કર્યું હતું. આ સાથે આ ફિલ્મ કોલિવૂડ સિનેમા ઈતિહાસમાં પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. 19 ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મમાં વિજયે પાર્થી નામના વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે. સંજય દત્ત ખતરનાક ગેંગસ્ટર એન્ટની દાસના રોલમાં જોવા મળે છે.