ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ ડેવલપમેન્ટે (IMD) વર્ષ 2023 માટેના વિશ્વ સ્પર્ધાત્મકતા રેન્કિંગ (WDCR)ની યાદી બહાર પાડી છે. જેમાં 64 અર્થતંત્રમાં ભારતને 49મું સ્થાન મળ્યું છે. આઇએમડી સ્ટડી અનુસાર, ભારતે સાઇબર સિક્યોરિટીમાં નોંધપાત્ર સુધારો કર્યો છે પરંતુ ટેક્નોલોજી અને ભાવિ તૈયારીને લઇને અભાવ જણાઇ રહ્યો છે. આઇએમડી વર્લ્ડ ડિજિટલ કોમ્પિટિટિવનેસ રેન્કિંગ અનેકવિધ દેશો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં ડિજિટલ ક્રાંતિને કઇ રીતે આકાર આપી રહ્યાં છે તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
આ વર્ષના રેન્કિંગમાં અગ્રણી અર્થતંત્રને ડિજિટલ રાષ્ટ્રો તરીકે ઓળખી શકાય છે. જેઓ સરકારી, કોર્પોરેટ અને વ્યક્તિગત ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિત ડિજિટલ ટેક્નોલોજીનો વ્યાપકપણે ઉપયોગ કરે છે. આ યાદીમાં યુએસ ફરીથી ટોચ પર પહોંચી ચૂક્યું છે. યુએસ ત્રણ પરિબળોમાં મજબૂત પરિણામો સાથે ટોચમાં છે. નેધરલેન્ડ પણ ચોથા ક્રમાંકેથી છલાંગ સાથે બીજા ક્રમે પહોંચી ચૂક્યું છે. ત્યારબાદ યાદીમાં સિંગાપોર છે. જે ટેક્નોલોજી પરિબળમાં પહેલા સ્થાને છે.
ડિજિટલ નિયમનની ગુણવત્તા પર ધ્યાન જરૂરી
AIના કેટલાક સૂચકાંકોને બાદ કરતા, ટેક્નોલોજીમાં કેટલાક પરિબળોને ખાસ રીતે ધ્યાનમાં રાખવામાં આવે છે. જેમાં ટેલેન્ટ, રેગ્યુલેટરી અને ટેક્નોલોજી માળખું સામેલ છે. ડેટા લેવલમાં, ડિજિટલ નિયમનની ગુણવત્તા મહત્વની છે. તે ઉપરાંત ટેક્નોલોજીના વિકાસ માટે ફંડની ઉપલબ્ધતા, જ્યારે AI સેગમેન્ટમાં કંપનીઓની તૈયારીને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.