અમદાવાદમાં એક ચોરી થયેલી ગાડીનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. જેમાં પોલીસને અનેક ચોંકાવનારી વિગત મળી હતી અને અન્ય ચાર ચોરીના ભેદ પણ ઉકેલાયા છે. આરોપી ઓળખ ન થાય તે માટે પોતાના વાહનની જગ્યાએ ટેક્ષીમાં બેસીને ચોરી કરવા જતા હતા. ગાડીના લોક ખોલવા માટે પણ યુ- ટ્યુબ પરથી લોક ખોલવાનું શીખતા હતા. ઝોન 1 ડીસીપીના LCB સ્કોડે બે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે બે આરોપી હજુ ફરાર છે, જેની તપાસ ચાલુ છે.
ચોરી કરવાની રીત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ ગાડી ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી. જે અંગે ઝોન 1 ડીસીપીના LCB સ્કોડના પીએસઆઈ એચ.એચ જાડેજાની ટીમે ટેકનિકલ અને બાતમીના આધારે ગાડી ચોરી કરનાર મોહમ્મદ સૈફ કુરેશી અને અશોક જાટવ નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની તપાસ દરમિયાન એક ગાડી નહીં, પરંતુ આ પ્રકારે અન્ય 4 ગાડી ચોરી થઈ હોવાનું જાણ થઈ હતી. આરોપીની ચોરી કરવાની રીત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
જૂની ગાડીઓને જ ટાર્ગેટ કરતા હતા
આરોપીઓ ચોરી કરવા જતાં, ત્યારે ઓળખ ન થાય તે માટે ઓલા, ઉબેર કે અન્ય ટેક્ષ સર્વિસનો ઉપયોગ કરતા હતા. ચોરી દરમિયાન પણ આરોપીઓ મોબાઇલનો ઉપયોગ કરતા નહોતા. ટેક્ષી બુક કરવા મોબાઇલનો ઉપયોગ કરતા હતા. જેમાં મોબાઈલમાં સીમકાર્ડ નહોતા રાખતા, પરંતુ સાથે વાઇફાઇ ડોંગલ રાખતા હતા. જેની મદદથી ઇન્ટરનેટ કનેક્ટ કરીને ટેક્ષી બુક કરતા હતા. આરોપી ચોરીની જગ્યાથી દૂર ટેક્ષીમાં ઉતરતા અને ચાલતા ચાલતા જતા હતા. જૂની ગાડીઓને જ ટાર્ગેટ કરતા હતા. જેમાં લોકમાં ટેકનોલોજીનો ખાસ ઉપયોગ ન કરવો પડે અને ડુપ્લીકેટ ચાવીથી ગાડી ખુલી જતી હતી. આરોપીઓએ યુ- ટ્યુબ પર લોક ખોલવાનું શીખ્યું હતું.
ખોટા કાગળો કરી ગાડીને વેચી દેતા હતા
ચોરી કર્યાં બાદ આરોપી ગાડીની નંબર પ્લેટ બદલી દેતા હતા. આરોપી સાથે અન્ય બે આરોપી સંડોવાયેલા છે. જેમાં એક નૂર મોહમ્મદ નામનો આરોપી લોજ ચલાવે છે, જ્યારે સલામ નામનો અન્ય આરોપી ગેરેજ ચલાવે છે. સલામ પાસે જૂની ગાડી સ્ક્રેપમાં આવી હોય તેના કાગળ પરથી સલામે ચોરી કરેલી ગાડીના ખોટા કાગળ તૈયાર કરી ગાડીને વેચી દેતા હતા. ચોરી કરનાર બંને આરોપીને એક ગાડી માટે 40-40 હજાર રૂપિયા મળતા હતા. અશોકને લોક તોડતા આવડતું હોવાથી તેને ખાસ યુપીથી બોલાવવામાં આવ્યો હતો. જ્યારે બાકીના આરોપીઓ શાહપુરમાં રહે છે.
બે આરોપીની ધરપકડ, બે ફરાર
પોલીસે સમગ્ર મામલે મોહમ્મદ સૈફ અને અશોક જાટવની ધરપકડ કરી છે. જ્યારે નૂર મોહમ્મદ અને સલામ ફરાર છે, જેની તપાસ ચાલી રહી છે. આરોપીની ધરપકડથી વટવા, ખેડા ટાઉન, કલોલ, મહેસાણા અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ગાડીના ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપી પાસેથી ચાર ચોરીની ગાડી પણ કબજે કરવામાં આવી છે. મોહમ્મદ સૈફ વિરુદ્ધ સાયબર ક્રાઇમ, શાહપુરમાં ગુના નોંધાઇ ચૂક્યા છે.