3 ફેબ્રુઆરી, શનિવારે મોડી રાત્રે અમેરિકા અને બ્રિટનનાં દળોએ સાથે મળીને યમન પર હુમલો કર્યો. બીબીસી અનુસાર, સૈનિકોએ હુતિ વિદ્રોહીઓના કબજા હેઠળના વિસ્તાર પર હુમલો કર્યો છે. યુએસ એરફોર્સને ટાંકીને જણાવવામાં આવ્યું કે 36 ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. તેમાં હથિયારોના સંગ્રહ, મિસાઇલ, એર ડિફેન્સ સિસ્ટમ અને રડાર સંબંધિત સાઇટ્સનો સમાવેશ થાય છે.
ખરેખરમાં, હુતિ બળવાખોરો લાલ સમુદ્રમાં સતત જહાજોને નિશાન બનાવી રહ્યા છે. અમેરિકા અને બ્રિટન તેની સામે કાર્યવાહી કરી રહ્યા છે. બંને દેશો વચ્ચે આ ત્રીજું સંયુક્ત ઓપરેશન છે. આ પહેલાં અમેરિકા અને બ્રિટને 28 જાન્યુઆરી અને 11 જાન્યુઆરીએ યમન પર હુમલો કર્યો હતો. 11 જાન્યુઆરીથી, અમેરિકાએ યમનમાં હુતિ વિદ્રોહીઓની સ્થિતિને નવ વખત નિશાન બનાવી છે.
અમેરિકન દળોએ સતત બીજા દિવસે ગલ્ફ કન્ટ્રી પર હુમલો કર્યો. 3 જાન્યુઆરીએ અમેરિકાએ ઈરાક-સીરિયામાં ઈરાનનાં 85 ઠેકાણાઓને નષ્ટ કર્યાં હતાં. આ હુમલામાં ઈરાકમાં 16 અને સીરિયામાં 18 લોકોના મોત થયા હતા. ઈરાકે દાવો કર્યો હતો કે મૃતકોમાં નાગરિકો પણ સામેલ છે. સીરિયન મીડિયા અનુસાર, અમેરિકી હુમલામાં નાગરિકો અને સૈનિકોનાં મોત થયાં છે.
ઓસ્ટ્રેલિયન અને કેનેડિયન દળોએ પણ હુમલો કર્યો
ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, યમનમાં થયેલા હુમલામાં યુએસ અને યુકેની સેનાની સાથે ઓસ્ટ્રેલિયા, બહેરીન, કેનેડા અને નેધરલેન્ડનાં દળો પણ સામેલ હતાં. યમનમાં હુમલા યમનની રાજધાની સના, સાદા અને ધમર શહેરો તેમજ હોદેઈદાહમાં વિમાનો, જહાજો અને સબમરીન દ્વારા કરવામાં આવ્યા હતા.
હુતિ બળવાખોરોને રોકવા જરૂરી છે જેથી વેપાર ખોરવાઈ ન જાય
અમેરિકા અને બ્રિટને એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે હુતિ વિદ્રોહીઓના હુમલાને કારણે લાલ સમુદ્રમાંથી પસાર થતાં 2 હજાર જહાજોએ પોતાનો રૂટ બદલવો પડ્યો છે.
આ દરિયાઈ માર્ગ દ્વારા જહાજો વિશ્વભરમાં આયાત અને નિકાસ કરે છે. વિશ્વના લગભગ 15% શિપિંગ ટ્રાફિક આ માર્ગ પર થાય છે. હુતિ વિદ્રોહીઓના હુમલાને કારણે યુરોપ અને એશિયા વચ્ચેના મુખ્ય માર્ગ પરના આંતરરાષ્ટ્રીય વેપારને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ સમસ્યાનો અંત લાવવા અને વ્યવસાય બચાવવા માટે હુતિ બળવાખોરોને રોકવા જરૂરી છે.
ખરેખરમાં, ઇઝરાયલ-હમાસ યુદ્ધને કારણે, હુતિ બળવાખોરોએ ગાઝાને સમર્થન આપવા માટે લાલ સમુદ્રમાં જહાજો પર હુમલો કરવાનું શરૂ કર્યું છે અને તેઓ શિપિંગ માર્ગોને નિશાન બનાવી રહ્યા છે.
હુતિઓના હુમલાથી ભારત પર પણ અસર
23 ડિસેમ્બર 2023ના રોજ લાલ સમુદ્રમાં એમવી સાંઈબાબા જહાજ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ ભારત આવી રહ્યું હતું અને તેમાં સવાર ઓપરેટિવ ટીમના તમામ 25 લોકો ભારતીય હતા. તેના પર આફ્રિકન દેશ ગેબોનનો ધ્વજ લગાવવામાં આવ્યો હતો. હુમલા પછી, ભારતે આ વેપાર માર્ગની સુરક્ષા માટે તેનાં 5 યુદ્ધજહાજો શરૂ કર્યાં. અગાઉ 19 ડિસેમ્બરના રોજ, હુતિ બળવાખોરોએ લાલ સમુદ્રમાં કાર્ગો શિપ ગેલેક્સી લીડરને હાઇજેક કર્યું હતું. આ જહાજ તુર્કીથી ભારત આવી રહ્યું હતું. હુતિ બળવાખોરોએ તેને ઇઝરાયેલી જહાજ સમજીને તેને હાઇજેક કરી લીધું હતું.
પ્રોફેસર અરુણ કુમાર કહે છે કે આ પહેલીવાર છે જ્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય વેપારના દરિયાઈ માર્ગની સુરક્ષાને લઈને ચિંતિત છે. અમેરિકા, ચીન, ભારત સહિત અનેક દેશો એકસાથે જોવા મળે છે.
ભારતનો 80% વેપાર દરિયાઈ માર્ગે થાય છે. તે જ સમયે, 90% ઈંધણ પણ દરિયાઈ માર્ગે આવે છે. જો કોઈ દરિયાઈ માર્ગે હુમલો કરશે તો ભારતના વેપારને અસર થશે. આ સપ્લાય ચેઇનને બગાડશે.
હુતિ બળવાખોરો કોણ છે?
- યમનમાં 2014માં ગૃહયુદ્ધ શરૂ થયું હતું. તેનું મૂળ શિયા-સુન્ની વિવાદ છે. કાર્નેગી મિડલ ઇસ્ટ સેન્ટરના અહેવાલ મુજબ, 2011 માં આરબ વસંતની શરૂઆતથી બંને સમુદાયો વચ્ચે ઝઘડો છે, જે ગૃહયુદ્ધમાં પરિણમ્યો હતો. 2014માં શિયા બળવાખોરોએ સુન્ની સરકાર સામે મોરચો ખોલ્યો હતો.
- આ સરકારનું નેતૃત્વ રાષ્ટ્રપતિ અબ્દરબ્બુ મન્સૂર હાદીએ કર્યું હતું. હાદીએ ફેબ્રુઆરી 2012માં પૂર્વ રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લા સાલેહ પાસેથી સત્તા આંચકી લીધી હતી, જેઓ આરબ સ્પ્રિંગ પછી લાંબા સમય સુધી સત્તામાં હતા. હાદી પરિવર્તન વચ્ચે દેશમાં સ્થિરતા લાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તેમજ, સૈન્યનું વિભાજન થયું અને અલગતાવાદી હુતિઓ દક્ષિણમાં એકત્ર થયા.
- આરબ દેશોમાં વર્ચસ્વની હોડમાં ઈરાન અને સાઉદી અરેબિયા પણ આ ગૃહયુદ્ધમાં કૂદી પડ્યા. એક તરફ હુતિ બળવાખોરોને શિયા પ્રભુત્વ ધરાવતા દેશ ઈરાનનું સમર્થન મળ્યું છે. તો સરકારે સુન્ની બહુમતી ધરાવતા દેશ સાઉદી અરેબિયાનું.
- જોત જોતામાં હુતિ તરીકે ઓળખાતા બળવાખોરોએ દેશના મોટા ભાગ પર કબજો કરી લીધો. 2015માં સ્થિતિ એવી બની ગઈ હતી કે બળવાખોરોએ સમગ્ર સરકારને દેશનિકાલ કરવાની ફરજ પાડી હતી.