વડોદરાના ફતેપુરા કુંભારવાડામાં 75 વર્ષીય નવઘણભાઈ ચૌહાણ પરિવાર સાથે રહેતા હતા. બે માસ પૂર્વે તેમના મોટાભાઈ અને રાજસ્થાની ભજનિક ભીખાભાઈ ચૌહાણનું અવસાન થયું હતું. બાદમાં નવઘણભાઈ મોટાભાઈના અવસાનનો આઘાત સહન કરી ન શકતા બીમારીમાં પટકાયા હતા અને ગત મોડીરાત્રે પોતાના ઘરે જ અંતિમ શ્વાસ લીધો હતો. આજે સવારે સમાજ દ્વારા તેઓની બેન્ડવાજા અને ભારે આતશબાજી સાથે ભવ્ય અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આ અંતિમયાત્રામાં પરિવારજનો સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
બંને ભાઈ વચ્ચે અતૂટ પ્રેમ હતો
નવઘણભાઈની અંતિમયાત્રામાં જોડાયેલા સમાજના અગ્રણી મનોજભાઈએ જણાવ્યું હતું કે, નવઘણભાઈ અને તેમના મોટાભાઈ ભીખાભાઈ ચૌહાણ સમાજ માટે એક પ્રેરણારૂપ હતા. બંને ભાઈઓએ સમાજ માટે અનેક કાર્યો કર્યાં હતાં. જે કાર્યોને સમાજ ક્યારેય ભૂલી શકે તેમ નથી. સમાજના અગ્રણીઓએ તેમ પણ જણાવ્યું હતું કે, બંને ભાઈ સ્વ. ભીખાભાઈ ચૌહાણ અને સ્વ. નવઘણભાઈ ચૌહાણ વચ્ચે રામ-લક્ષ્મણ જેવો પ્રેમ હતો.
મોટાભાઇના માર્ગે નીકળ્યા
વધુમાં જણાવ્યું હતું કે, બંને ભાઈઓ રોજ સાથે જ બેસીને જમતા હતા અને એકબીજાની હુંફ બનીને દિવસો પસાર કરતા હતા. પરંતુ બે માસ પૂર્વે મોટાભાઈ ભીખાભાઈનું અવસાન થયા બાદ નવઘણભાઈ મોટાભાઈના અવસાનનો આઘાત સહન કરી શક્યા નહોતા. સતત તેઓને યાદ કરીને દિવસો પસાર કરી રહ્યા હતા. જેના કારણે તેઓની તબિયત બગડતા ઘરમાં જ આરામ કરી રહ્યા હતા અને મોડીરાત્રે પોતાના પરિવારને અંતિમ વિદાય આપીને મોટાભાઈના માર્ગે નીકળી પડ્યા હતા.
અંતિમયાત્રા જોઈ લોકો દંગ રહી ગયા
આજે તેઓના ઘરઆગણેથી વાજતે ગાજતે અને આતશબાજી સાથે નીકળેલી અંતિમયાત્રા ફતેપુરા, ભૂતડીઝાપા થઈ કારેલીબાગ ખાસવાડી સ્મશાનમાં પહોંચી હતી. જ્યાં તેઓના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. બેન્ડવાજા સાથે નીકળેલી અંતિમયાત્રા જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા. લગ્નનો વરઘોડો નીકળ્યો હોય તે રીતે અંતિમયાત્રા નીકળતા લોકો માર્ગો ઉપર જોવા ઊભા થઈ ગયા હતા અને મનોમન સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.