વડોદરાના પાણીગેટ છીપવાડના એક રહેણાક મકાનમાં ચાલતા ન્યૂ હુસૈની સમોસાં સેન્ટરમાં ઝોન-4 એલસીબીની ટીમે 6 એપ્રિલના રોજ ગૌમાંસ સાથે એના માવાવાળાં સમોસાં સહિતનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે આ ગૌમાંસ સાથે સંકળાયેલા કુલ 6 જણાને પકડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તપાસમાં ગૌમાંસ સપ્લાય કરનાર આરોપીનું નામ ખૂલતાં તેને પણ ઝડપી પાડ્યો છે. આમ, અત્યારસુધીમાં પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે. ગૌમાંસથી બનતાં સમોસાં સસ્તાં બનતાં હોવાથી વધુ પ્રોફિટ કમાવવાની લાલચમાં એનું વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે
ડીસીપી ઝોન-4ને બાતમી મળી હતી કે છીપવાડમાં ગૌમાંસનું વેચાણ થાય છે, જેના આધારે ઝોન-4 એલસીબી ટીમે મહમદ યુસુફ ફકીર મહમદ શેખના ઘરમાંથી પોલીસને 113 કિલો ગૌમાંસ, 152 કિલો સમોસાંનો માવો, 61 કિલો કાચાં સમોસાં મળીને કુલ 326 કિલોનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત થેલીઓ, બાઉલ અને ક્રશર મશીન સહિતનો કુલ રૂ.49 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેથી પોલીસે કુલ 6 આરોપીને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી અને 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરાતાં વધુ એક આરોપીનું નામ જાણવા મળ્યું. પોલીસે ગૌમાંસ સપ્લાય કરનાર ઇમરાન ઉર્ફે દાહુદી યુસુફ કુરેશીની પણ ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
આ મામલે ઝોન-4 ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે મહમદ યુસુફ ફકીર મહમદ શેખ અને તેનો પુત્ર મહમદ નઇમ મહમદ યુસુફ શેખ આ બંને મકાનના માલિક છે અને તેઓ તેમના ત્યાં કરતા સાગરીત મહમદ હનીફ ગનીભાઇ ભઠિયારા, દિલાવરખાન ઇસ્માઇલખાન પઠાણ, મોઇન મહેબૂબશા હબદાલ, મોહિન યુસુફભાઇને પકડી પાડી કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તેમના રિમાન્ડની દરમિયાન તેમણે ભાલેજના ઇમરાન ઉર્ફે દાહુદી યુસુફ કુરેશી મુખ્ય સપ્લાયર હોવાનું જણાવ્યું હતી, તેની પણ અટકાયત કરી લેવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પિતા-પુત્ર પાસે કોર્પોરેશનનું કોઇ લાઇસન્સ પણ નહોતું અને તેઓ પોતાના ઘરમાં આ રીતે કાચાં સમોસાં બનાવી આખા શહેરમાં સપ્લાય કરતા હતા. ઘણી દુકાનો અને લારીઓ પર સપ્લાય કરતા હતા અને ઘરેથી પણ વેચાણ કરતા હતા. પિતા-પુત્રને ગૌમાંસની જાણ હોવા છતાં ધંધામાં પ્રોફિટ મેળવવાની લાલચમાં તેઓ ગૌમાંસનાં સમોસાં બનાવી વેચાણ કરતા હોવાનું અત્યારસુધી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
- ઇમરાન ઉર્ફે દાહુદી યુસુફ કુરેશી(રહે. ભાલેજ, ઉમરેઠ, આણંદ)
- મહમદ યુસુફ ફકીર મોહમદ શેખ (રહે, છીપવાડ, જૂની ગઢી પાણીગેટ)
- મહમદ નઇમ મહમદ યુસુફ શેખ(રહે, છીપવાડ, જૂનીગઢી પાણીગેટ)
- મહમદ હનીફ ગનીભાઈ ભઠિયારા(રહે, નડિયાદ)
- દિલાવરખાન ઈસ્માઇલખાન પઠાણ(રહે, ઠાસરા, ખેડા)
- મોઇન મહેબૂબશા હબદાલ(રહે, નડિયાદ)
- મોબીન યુસુફભાઈ શેખ (રહે, કપડવંજ, ખેડા)