News Updates
INTERNATIONAL

પાકિસ્તાનમાં ચૂંટણી ટાણે એકસાથે 2 બ્લાસ્ટ, 28નાં મોત:બલૂચિસ્તાનમાં થયેલા બંને બ્લાસ્ટમાં પહેલામાં 15 અને બીજામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા

Spread the love

પાકિસ્તાનની ચૂંટણીના એક દિવસ પહેલાં બલૂચિસ્તાનમાં બે બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો હતો, જેમાં 15 લોકોનાં મોત થયાં હતાં અને 30 લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝ અનુસાર, વિસ્ફોટ અપક્ષ ઉમેદવાર અસફંદ યાર ખાન કાકરની ઓફિસની બહાર થયો હતો. બ્લાસ્ટ વખતે કક્કડ ઓફિસમાં હાજર ન હતા.

એ જ સમયે બીજો બ્લાસ્ટ બલૂચિસ્તાનના કિલા સૈફુલ્લામાં JUI-F પાર્ટીના કાર્યાલયની બહાર થયો હતો. આ હુમલામાં 13 લોકોનાં મોત થયાં છે, જ્યારે 10 ઘાયલ થયા છે. બંને વિસ્ફોટમાં કુલ 28 લોકોનાં મોત થયાં છે.

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ જનરલ અને બધા પ્રાંતમાં ચૂંટણી છે. પાકિસ્તાનના ઇલેક્શન કમિશને હુમલાને લઈને બલુચિસ્તાનના ચીફ સેક્રેટરી અને પોલીસ પાસે રિપોર્ટ માગ્યો છે.

હુમલાની તપાસ ચાલુ છે
બલૂચિસ્તાનના કેરટેકર ઈન્ફોર્મેશન મિનિસ્ટર જાન અચકઝાઈએ કહ્યું- પહેલા બ્લાસ્ટની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટક સામગ્રી બાઇકમાં રાખવામાં આવી હતી. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જોકે બીજા બ્લાસ્ટનું કારણ બહાર આવ્યું નથી.

અહીં બલૂચિસ્તાનના મુખ્યમંત્રી અલી મર્દાન ખાન ડોમકીએ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું- આવી ઘટનાઓ શાંતિપૂર્ણ ચૂંટણીપ્રક્રિયાને નબળી પાડવાનું ષડયંત્ર છે. હુમલામાં સામેલ લોકોને આકરી સજા આપવામાં આવશે. અમે ઘાયલોની મદદ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ.

બલૂચ લિબરેશન આર્મી અને પાકિસ્તાન તાલિબાનના હુમલા તેજ થયા
8 ફેબ્રુઆરીએ યોજાનારી નેશનલ અને એસેમ્બ્લીની ચૂંટણી પહેલાં પાકિસ્તાનમાં હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે. જિયો ન્યૂઝ અનુસાર, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વામાં તાજેતરના સમયમાં આતંકી હુમલાઓ તેજ થયા છે. બલૂચ લિબરેશન આર્મી બલૂચિસ્તાનમાં અને પાકિસ્તાની તાલિબાન ખૈબરમાં હુમલાઓ કરી રહી છે.

આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે થોડા દિવસો પહેલાં સેનેટમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીને મોકૂફ રાખવાની માગ કરવામાં આવી હતી. તાજેતરના સમયમાં આતંકવાદ અને હિંસાની વધી રહેલી ઘટનાઓ કોઈ ષડયંત્ર તરફ ઈશારો કરી રહી છે.

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની ચૂંટણીપંચની બહાર વિસ્ફોટ થયો હતો
5 ફેબ્રુઆરીની સવારે બલૂચિસ્તાનમાં ચૂંટણીપંચની ઓફિસની બહાર વિસ્ફોટ થયો હતો. પાકિસ્તાની મીડિયા એઆરવાય ન્યૂઝ અનુસાર ચૂંટણીપંચના ગેટની બહાર બોમ્બવિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ કોણે કરાવ્યો અને શા માટે થયો એની માહિતી મળી શકી નથી.

5 ફેબ્રુઆરીએ ખૈબરમાં હુમલો થયો હતો
5 ફેબ્રુઆરીએ ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના દરબાર શહેરમાં એક પોલીસ સ્ટેશન પર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 10 પોલીસકર્મીનાં મોત થયાં હતાં અને 6 ઘાયલ થયા હતા. પોલીસ ચીફ અખ્તર હયાતે ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું – 30થી વધુ આતંકવાદીએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. તેમણે પોલીસ સ્ટેશનને ચારે બાજુથી ઘેરી લીધું અને ગ્રેનેડ ફેંક્યા. આ પછી ફાયરિંગ શરૂ થયું.

ખૈબર પખ્તૂનખ્વામાં એક ઉમેદવારની હત્યા કરવામાં આવી હતી
31 જાન્યુઆરીએ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ઉમેદવારની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ખૈબર પખ્તૂખ્વાના બજૌર જિલ્લામાં બની હતી. માર્યા ગયેલા ઉમેદવારનું નામ રેહાન ઝેબ ખાન હતું.

રેહાનને ઈમરાનની પાર્ટીનું સમર્થન હતું અને તે નેશનલ એસેમ્બ્લી સીટ નંબર 8 પરથી ઉમેદવાર હતો. હુમલાખોરો બાઇક પર આવ્યા હતા અને ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. ‘જિયો ન્યૂઝ’ અનુસાર, પોલીસને હજુ સુધી હુમલાખોરો વિશે કોઈ કડી નથી મળી.

બલૂચિસ્તાનના શક્તિશાળી રાજકીય જૂથ અવામી નેશનલ પાર્ટીના વરિષ્ઠ નેતા ઝહુર અહેમદની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.


Spread the love

Related posts

અફઘાનિસ્તાનમાં તાલિબાને તબલા અને હાર્મોનિયમ સળગાવ્યા:કહ્યું- સંગીતથી નૈતિક ભ્રષ્ટાચાર થાય છે, તેના કારણે યુવાનો ભટકી જાય છે

Team News Updates

ફૂટબોલના મેદાનમાં મોતની ચીસ પડી, 9ના મોત, 100 ઘાયલ અને 500ના જીવ બચ્યા

Team News Updates

રશિયન પત્રકારે યુક્રેન પર મિસાઈલ છોડી:કહ્યું- મારી તરફથી યુક્રેનને હેલો, અમે નાઝીઓ સાથે લડી રહ્યા છીએ

Team News Updates