ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે છેલ્લી ત્રણ ટેસ્ટ રમવા માટે તૈયાર છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વિરાટ કોહલી ટીમ સાથે જોડાઈ શકશે કે નહીં. વિરાટ કોહલી વનડે વર્લ્ડ કપ બાદથી ટીમ સાથે નિયમિત રમ્યો નથી. એવામાં તેના પર સવાલો ઊભા થઈ રહ્યા છે.
ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમી રહી છે. પ્રથમ બે મેચો હમણાં જ રમાઈ છે અને શ્રેણી 1-1ની બરાબરી પર છે. ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડી વિરાટ કોહલી હજુ સુધી આ શ્રેણીમાં રમ્યો નથી અને એવા સંકેત મળી રહ્યા છે કે વિરાટ કોહલી આવનારી બે મેચમાં પણ નહીં રમે.
આ માત્ર હમણાંની વાત નથી, વિરાટ કોહલી વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ એટલે કે 19 નવેમ્બર 2023 પછીથી નિયમિતપણે ટીમ ઈન્ડિયા સાથે રમ્યો જ નથી. તે માત્ર કેટલીક મેચોમાં જ રમે છે અને તેની ઉપલબ્ધતાની ટીમ ઈન્ડિયાને સંપૂર્ણપણે ખબર પણ નથી હોતી.
ODI વર્લ્ડ કપ પછી ભારતે ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T-20 શ્રેણી, આફ્રિકા સામે 3 મેચની T20-ODI અને 2 મેચની ટેસ્ટ શ્રેણી, બાદમાં અફઘાનિસ્તાન સામે સામે 3 મેચની T-20 સિરીઝ રમી છે. આ સિવાય ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. જેમાંથી કોહલીએ માત્ર 4 જ મેચો રમી છે. જેમાં આફ્રિકા સામે બે ટેસ્ટ અને અફઘાનિસ્તાન સામે બે T-20 મેચો સામેલ છે.
વિરાટ કોહલી અંગત બાબતોના કારણે રજા લઈ રહ્યો છે. 11 જાન્યુઆરીએ જ્યારે પ્રથમ T20 મેચ અફઘાનિસ્તાન સામે રમાઈ ત્યારે તેની પુત્રીનો જન્મદિવસ હતો. ઉપરાંત, હવે જ્યારે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે, ત્યારે તેની પત્ની અનુષ્કા શર્માની ડિલિવરી થવાની છે. આવી સ્થિતિમાં તે લંડનમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.
વિરાટ કોહલી પોતાને T20 વર્લ્ડ કપ માટે તૈયાર માને છે, પરંતુ વર્લ્ડ કપ પહેલા હવે માત્ર IPL જ બાકી છે. પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે જ્યારે ટીમ ઈન્ડિયા મેચ રમી રહી છે ત્યારે કોહલ મોટાભાગની મેચો નથી રમી રહ્યો, પરંતુ હવે જ્યારે IPL આવશે ત્યારે તે આખી સિઝન માટે ઉપલબ્ધ રહેશે?