દિગ્ગજ એક્ટ્રેસ આશા પારેખને રવિવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમને બ્રેસ્ટ કેન્સરની સારવાર કરાવી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 82 વર્ષીય અભિનેત્રીને રવિવારે સવારે 8 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. અહીંના ઓપરેશન થિયેટરમાં બે કલાક સુધી તેમની સર્જરી કરવામાં આવી હતી.
2022માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
60 અને 70 ના દાયકાની સૌથી પ્રખ્યાત અભિનેત્રી આશા પારેખને 2022 માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ભારતીય ફિલ્મ ઉદ્યોગનો સર્વોચ્ચ એવોર્ડ છે. આ એવોર્ડ અભિનેત્રીને ફિલ્મ ઉદ્યોગમાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યો હતો.
એક મહિલાને 22 વર્ષ બાદ આ એવોર્ડ મળ્યો
આશા પારેખને 68માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં આ સન્માન આપવામાં આવ્યું હતું. દાદાસાહેબ ફાળકેથી સમ્માનિત થનાર છેલ્લી મહિલા ગાયિકા આશા ભોસલે હતા. તેમને 2000માં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આશા પારેખ પહેલાં આશા ભોસલે, લતા મંગેશકર, દુર્ગા ખોટે, કાનન દેવી, રૂબી મેયર્સ, દેવિકા રાની પણ આ એવોર્ડ મેળવી ચુક્યા છે. દેવિકા રાની વર્ષ 1969માં આ એવોર્ડ મેળવનાર પ્રથમ અભિનેત્રી હતાં.
આશા ડાન્સ એકેડમી અને હોસ્પિટલ ચલાવે છે
આશાનો જન્મ 2 ઓક્ટોબર 1942ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો. ગુજરાતી પરિવારમાં જન્મેલા આશા હાલમાં ડાન્સ એકેડમી ‘કારા ભવન’ ચલાવી રહી છે. આ ઉપરાંત તેમની હોસ્પિટલ ‘BCJ હોસ્પિટલ એન્ડ આશા પારેખ રિસર્ચ સેન્ટર’ પણ મુંબઈના સાંતાક્રુઝમાં ચાલી રહી છે.
10 વર્ષની ઉંમરે એક્ટિંગની શરૂઆત કરી
આશાએ માત્ર 10 વર્ષની ઉંમરે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેણે 1952માં રિલીઝ થયેલી ફિલ્મ ‘આસમાન’માં પહેલીવાર બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. આ પછી તેમણે બિમલ રોયની ફિલ્મ ‘બાપ બેટી’ (1954) માં કામ કર્યું, પરંતુ તેફિલ્મ ફ્લોપ થવાને કારણે તેઓ એ હદે નિરાશ થયા કે ફિલ્મોમાં કામ ન કરવાનો નિર્ણય લીધો.
16 વર્ષની ઉંમરે બોલિવૂડમાં કમબેક કર્યું
આ પછી, આશાએ 16 વર્ષની ઉંમરે ફિલ્મોમાં પાછા ફરવાનું નક્કી કર્યું. તે વિજય ભટ્ટની ફિલ્મ ‘ગૂંજ ઊઠી શહનાઈ’ (1959)માં કામ કરવા માગતા હતા, પરંતુ દિગ્દર્શકે તેને એવું કહીને તક આપી ન હતી કે તે સ્ટાર મટિરિયલ નથી. જો કે, બીજા જ દિવસે, નિર્માતા સુબોધ મુખર્જી અને દિગ્દર્શક નાસિર હુસૈને તેમને તેમની ફિલ્મ ‘દિલ દેકે દેખો’ (1959) માં સાઈન કર્યા.
‘દિલ દેકે દેખો’થી રાતોરાત સુપરસ્ટાર બન્યા
આ ફિલ્મમાં આશા પારેખની સામે શમ્મી કપૂર હતો. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ અને આશા રાતોરાત બોલિવૂડની સુપરસ્ટાર બની ગઈ. આ ફિલ્મ પછી હુસૈને આશાને 6 વધુ ફિલ્મો આપી ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ (1961), ‘ફિર વહી દિલ લાયા હૂં’ (1963), ‘તીસરી મંઝિલ’ (1966), ‘બહારોં કે સપને’ (1967). , ‘પ્યાર કા મૌસમ’ (1969) અને ‘કારવાં’ (1971) અને બધી બોક્સ ઓફિસ પર સફળ રહી. આ સિવાય આશાએ પોતાના કરિયરમાં ‘કટી પતંગ’, ‘ઉપકાર’, ‘આન મિલો સજના’ અને ‘લવ ઇન ટોક્યો’ જેવી સુપરહિટ ફિલ્મો પણ આપી.
લાઈફ ટાઈમ અચીવમેન્ટ અને પદ્મશ્રી એવોર્ડ: તેમની 40 વર્ષની કારકિર્દીમાં આશા પારેખે લગભગ 95 બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. છેલ્લે 1999માં આવેલી ફિલ્મ ‘સર આંખો પર’માં જોવા મળ્યા હતા. આશાને 11 વખત લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. 1992માં તેમને ભારત સરકાર દ્વારા દેશના પ્રતિષ્ઠિત સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.