ઉનાળો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉનાળો આવતા જ લોકો ફળોના રાજા કેરીના આગમનની પણ રાહ જોતા હોય છે. પરંતુ, આ વર્ષે કેરીના રસિયા માટે માઠા સમાચાર આવ્યા છે. ગીરની પ્રખ્યાત કેસર કરીના આંબા પર ફેબ્રુઆરી સુધીમાં મોર લાગી જતા હોય છે. પરંતુ, 60 ટકા જેટલા આંબા પર 12 ફેબ્રુઆરી સુધીમાં મોર ન બેસતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આ સ્થિતિ માટે કૃષિ વૈજ્ઞાનિકો વાતાવરણને વિલન ગણાવી રહ્યા છે.
કૃષિ યુનિવર્સિટીએ સર્વે કર્યો તો ચોંકાવનારા તારણ સામે આવ્યા
ચાલુ વર્ષે જૂનાગઢ જિલ્લામાં આંબા પર મોર ન આવતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બે દિવસ પહેલા જ જૂનાગઢ, તાલાળા, આંકોલવાડી સહિતના વિસ્તારમાં આવેલા આંબાના બગીચાનો સર્વે કર્યો હતો. જેમાં મોટાભાગના બગીચાઓમાં 30 થી 40 ટકા જેટલું જ ફ્લાવરિંગ(મોર) થયું હોવાનું સામે આવ્યું છે.
બગીચા માલિકની હાલત કફોડી બની
કેસર કેરીના બગીચાઓમાં ફેબ્રુઆરી મહિનામાં પણ આંબા પર મોર ન આવતા જૂનાગઢમા કેરીનો બગીચો ધરાવતા ભોલાભાઈ બગડા નામના ખેડૂતની મુલાકાત કરવામાં આવી હતી. ભોલાભાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે આંબા પર મોર જ નથી આવ્યા. અમે દર વર્ષે પાંચ લાખ રૂપિયામાં ઈજારો આપીએ છીએ. પરંતુ, આ વર્ષે જે ઈજારેદારો જોવા માટે આવે છે તેઓ બે લાખ રૂપિયા આપવા પણ તૈયાર નથી. તેઓ આંબાની સ્થિતિ જોઈને ચાલ્યા જાય છે.
ઈજારેદારો અસમંજસમાં મૂકાયા
ગીર પંથકમાં દર વર્ષે આંબાના બગીચાનો ઈજારો રાખતા રાહુલ ગોહેલે કહ્યું હતું કે, અમે અલગ અલગ ખેતરમાં આંબાની સ્થિતિ જોવા માટે જઈ રહ્યા છીએ પરંતુ, ક્યાંય હજી સુધી મોર આવ્યા નથી. સામાન્ય રીતે અત્યારે તો ખાખડી કેરી આવી જતી હોય છે. પરંતુ, આ વર્ષે વાતાવરણના કારણે હજી મોર પણ નથી દેખાતા. હાલ સ્થિતિ એવી છે કે, જો અમે ઈજારો રાખીએ તો પણ મુશ્કેલીમાં મૂકાય તેમ છીએ અને ન રાખીએ તો પણ મુશ્કેલીમાં મૂકાઈ તેમ છીએ.
કેરીના પાક માટે વાતાવરણ વિલન બન્યું
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક ડી.કે.વરૂએ જણાવ્યું હતું કે, 15 ફેબ્રુઆરી આસપાસ મોટાભાગના બગીચાઓમાં નવેમ્બર મહિનામાં જ આંબા પર ફ્લાવરિંગ આવવાની શરૂઆત થઈ જતી હોય છે અને ફેબ્રુઆરીમાં તો ફ્લાવરિંગ પી સ્ટેજ એટલે કે વટાણા સ્ટેજ સુધી પહોંચી જતુ હોય છે. પરંતુ, આ વર્ષે વાતાવરણમાં થયેલા ભયંકર ફેરફારના કારણે કેરીના પાકને માઠી અસર પડી રહી છે. આ વર્ષે લોકોએ શિયાળાનો અનુભવ પણ કર્યો નથી. નવેમ્બર મહિનામાં તાપમાન ખૂબ જ ઊંચું રહ્યું હતું અને નીચા તાપમાનનો આ વર્ષે અનુભવ જ થયો નથી. જેને વાતાવરણની ભાષામાં ડાયનોલ વેરીએશન કહેવામાં આવે છે.વાતાવરણમાં આ વેરીએશનના કારણે આંબાના પાકોમાં પણ ફેરફાર જોવા મળે છે અને જે ફ્લાવરિંગ આંબામાં આવવું જોઈએ તે આવી શકતું નથી. આંબાના પાકને હાલના સમયે દિવસે 25 ડિગ્રી તાપમાન અને રાત્રે 12 થી 15 ડિગ્રી તાપમાન મળવું જોઈએ જે મળી નથી રહ્યું જેના કારણે આંબા પર સમયસર મોર બેસી શક્યા નથી.