કેરળના એક ભારતીય મૂળનો પરિવાર અમેરિકાના કેલિફોર્નિયામાં પોતાના ઘરે મૃત અવસ્થામાં મળ્યો છે. આ હત્યા અથવા આત્મહત્યાનો મામલો ગણાવવામાં આવી રહ્યો છે. પરિવારની ઓળખ 42 વર્ષીય આનંદ સુજિત હેનરી, તેમની 40 વર્ષીય પત્ની એલિસ પ્રિયંકા અને તેમનાં 4 વર્ષનાં જોડિયાં બાળકો નોહ અને નેથનના રૂપમાં થઈ છે.
પોલીસને પરિવારના મૃતદેહો એ વખતે મળ્યા, જ્યારે પરિવારના એક સંબંધીએ તેમના ઘરે જઈને તપાસ્યું, કારણ કે ઘરેથી કોઈનો ફોન રિસીવ થતો નહોતો. ભારતીય-અમેરિકી જોડી- આનંદ અને એલિસ બાથરૂમમાં બંધૂકની ગોળીનાં નિશાન સાથે મૃત હાલતમાં મળ્યાં. તો બીજી બાજુ, જોડિયાં બાળકોના મૃતદેહ બેડરૂમમાંથી મળ્યા. ત્યારે પોલીસ હવે તેમના મોતનું કારણ જાણવા તપાસ કરી રહી છે.
પોલીસ અધિકારી ઘરમાં પ્રવેશ્યા, તો ચાર મૃતદેહ મળ્યા
પોલીસનું કહેવું છે કે ‘ અમને ઘટનાસ્થળે પહોંચ્યા પછી કોઈ જવાબ મળ્યો ન હતો અને તેથી અધિકારીએ ઘરની આસપાસ શોધખોળ કરી હતી પરંતુ ઘરમાં બળજબરીથી પ્રવેશવાના કોઈ પ્રયાસના કોઈ પુરાવા મળ્યા ન હતા. આ પછી, ખુલ્લી બારી જોતા, અધિકારી ઘરમાં પ્રવેશ્યા અને ચાર લોકોના મૃતદેહ મળ્યા. જેમાં એક પુખ્ત પુરુષ, એક પુખ્ત મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે.’
પોલીસને બાથરૂમમાંથી 9 એમએમની પિસ્તોલ પણ મળી આવી છે. રેકોર્ડ્સ પ્રમાણે, કપલે આ ઘર 2020માં $2.1 મિલિયનમાં ખરીદ્યું હતું. પોલીસનું માનવું છે કે આ સંભવિત હત્યા-આત્મહત્યાનું છે, જોકે તેઓએ અન્ય સંભાવનાઓને પણ નકારી નથી.
સેન મેટો પોલીસ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ સમયે અમારી પાસે જે માહિતી છે તેના આધારે, આ એક અલગ ઘટના હોવાનું જણાય છે જે લોકો માટે કોઈ ખતરો નથી કારણ કે અમને વિશ્વાસ છે કે જવાબદાર વ્યક્તિ ઘરે હતી.’
આનંદે છૂટાછેડાની અરજી કરી હતી
મૂળ કેરળનો આ પરિવાર, છેલ્લા 9 વર્ષથી અમેરિકામાં રહેતો હતો. આનંદ વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર હતો અને એલિસ એક સિનિયર એનાલિસ્ટ હતી જે બે વર્ષ પહેલાં ન્યૂ જર્સીથી સેન મેટોમાં શિફ્ટ થઈ હતી. આ દંપતી બંને પડોશીઓ અને સહકર્મીઓને ખૂબ ગમતું હતું.
કોર્ટના રેકોર્ડ મુજબ આનંદે ડિસેમ્બર 2016માં છૂટાછેડાની અરજી કરી હતી પરંતુ કોર્ટમાં અલગ થવાની પ્રક્રિયા પૂરી શકી ન હતી. આનંદની લિંક્ડઇન પ્રોફાઈલ મુજબ, તેણે પોતાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની લોજિટ્સ શરૂ કરી હતી. આ પહેલા તે મેટા સાથે કામ કરતો હતો. તેણે ગયા વર્ષે જૂનમાં મેટાની નોકરી છોડી દીધી હતી.
ટેક ઉદ્યોગમાં ઉદ્યોગો તરફથી લોજિટ્સ ખૂબ ધ્યાન ખેંચ્યું છે. આ કંપની એન્ટરપ્રાઇઝને તેમની મહત્વપૂર્ણ વ્યવસાયિક જરૂરિયાતો માટે વ્યક્તિગત AI મોડલ અને સેવાઓ પ્રદાન કરે છે. હાલમાં કંપનીની વેબસાઈટ બંધ છે. જોકે, આનંદે મેટામાંથી નોકરી છોડીને લોજિટ્સ શરૂ કરવાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. કપલનો વૈવાહિક ઇતિહાસ સામે આવ્યો છે કારણ કે રેકોર્ડ્સ દર્શાવે છે કે આનંદે તેમના જોડિયા બાળકોના જન્મના વર્ષો પહેલા ડિસેમ્બર 2016માં છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ દંપતી છૂટાછેડા લઈ શક્યું ન હતું.
ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી ન હતી, જેના કારણે આ ઘટનાને લઈને રહસ્ય વધુ વધી ગયું છે.