ભાવનગર શહેરના જ્વેલર્સ સર્કલ પાસે આજે લોખંડના સળિયા ભરેલા છકડા રિક્ષાએ અડફેટે લેતા સ્કૂટર સવાર યુવકનું મોત નિપજ્યું હતું. લોખંડના સળિયા ભરેલો છકડો પલટી ખાઈને સ્કૂટર પર પડતા યુવક દબાઈ ગયો હતો. મૃતક યુવાનના 21 દિવસ બાદ જ લગ્ન હતા. દીકરાના લગ્નની તૈયારી કરી રહેલા પરિવારને દીકરાના અકસ્માતના સમાચાર મળતા પરિવારજનો હોસ્પિટલ દોડી ગયા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
લગ્નની ખરીદી કરવા જઈ રહેલા યુવકને અકસ્માત નડ્યો
ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલી ધોબી સોસાયટીમાં રહેતા સુમિત ઉર્ફે સામત બેચરભાઈ બાબરીયાના 6 માર્ચના રોજ લગ્ન હતા. સુમિત અને તેમના પરિવારજનો લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા. સુમિત પણ આજે પોતાનું એક્સેસ લઈને ખરીદી માટે નીકળ્યો હતો. સુમિત જ્યારે ભાવનગર શહેરના જ્વેલર્સ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ લોખંડના સળિયા ભરેલો છકડો બેકાબૂ બન્યો હતો અને સુમિતના સ્કૂટર પર પડ્યો હતો. ભારેખમ સળિયા સુમિત પર પડતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. સુમિતને તાત્કાલીક 108 મારફત સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.
લગ્નની તૈયારી કરતા પરિવારમાં શોકનો માહોલ
ભાવનગર શહેરમાં રહેતા બાબરિયા પરિવારને ત્યાં માર્ચ મહિનામાં દીકરાના લગ્નનો રૂડો પ્રસંગ આવી રહ્યો હોય પરિવારજનો હોંશથી લગ્નની તૈયારી કરી રહ્યા હતા. સુમિત નામના જે દીકરાના લગ્ન થવાના હતા તેનું જ આજે માર્ગ અકસ્માતમાં મોત થયાના સમાચાર મળતા બાબરિયા પરિવારમાં આક્રંદ છવાયો હતો.
ઘરની તમામ જવાબદારી સંદિપ પર હતી
મૃતક યુવાન સંદિપ સરદારનગરમાં આવેલી એક દુકાનમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરિવારમાં સંદિપ સિવાય બે ભાઈઓ છે. જેમાં મોટાભાઈનું નામ નરસિંહભાઈ અને નાના ભાઈનું નામ તુલસીભાઈ છે. અકસ્માતના પગલે નિલમબાગ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.