ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગરીબપરા ગામે 36 ઘેટાના મોત થયા હતા. જેથી માલધારી વર્ગમાં ફફડાટ ફેલાયો છે. ફૂડ પોઈઝિનિંગથી મોત થયાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. જોકે, સાચુ કારણ પીએમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા વેટરનરી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ઘોઘા તાલુકાના ગરીબપરા ગામે રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લાલા સીદી ભરવાડ ગતરોજ રાબેતા મુજબ સાંજના સમયે પોતાના ઘેટા બકરા સીમ વગડે ચરાવી ગામમાં આવેલા વાડામાં પૂર્યા હતા, જે બાદ સાંજના સમયે ઘેટા બકરા દોહીને નિત્યક્રમ મુજબ પોતાની કામગીરી આગળ શરૂ રાખી હતી. તે બાદ વહેલી પરોઢિયે 34 ઘેટા અને 2 બકરા મળી કુલ 36 અબોલ પશુઓના મોત થયા હતા. વાડામાં પશુ ડોક્ટરોને બોલાવી ઘેટા બકરાની તત્કાલ સારવાર હાથ ધરી હતી, પરંતુ હાથ વગો ઉપચાર આ પશુઓ પર કોઈ જાતનો કારગત નિવડ્યો ન હતો અને એક બાદ એક એમ કુલ 34 ઘેટા તથા બે બકરા મોત થયા હતા. સમગ્ર મામલે જિલ્લા વેટરનરી વિભાગને જાણ કરાતા અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.
આ ઘટના અંગે ગરીબપુરા ગ્રામ પંચાયતના સરપંચ દક્ષાબેન સોલંકીએ જણાવ્યું કે, લાલાભાઇ સીદીભાઈની માલિકીના ઘેટા બકરાઓના ગત મોડી રાત્રીએ મૃત્યુ થયા હતા. લાલાભાઇનો પરિવાર પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેથી તેઓની આજીવિકા છીનવાઈ ગઈ હતી. જેથી સરકાર દ્વારા તેમના પરિવારોને આર્થિક મદદ કરવા વિનંતી કરી છે.
ઘોઘાના પશુ ચિકિત્સા અધિકારી ડો.હિતેષભાઈ ખેરએ જણાવ્યું હતું કે, ઘોઘાના ગરીબપુરા ગામમાં 34 ઘેટા અને 2 બકરાઓ મોત થયા છે. એમાં પ્રાથમિક દ્દષ્ટીએ ફૂડ પોઈઝિનિંગના કારણે મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, સેમ્પલ લઈ તેના આધારે પીએમની કાર્યવાહી હાથ ધરી છે.