ગાઝામાં યુદ્ધને કારણે ભૂખમરાની સ્થિતિ છે. યુરોમેડ હ્યુમન રાઇટ્સ મોનિટરના જણાવ્યા અનુસાર, ગાઝામાં હનીન જુમ્મા નામની 8 વર્ષની બાળકીનું ભૂખને કારણે મોત થયું હતું. બાળકીના પિતા સાલેહના જણાવ્યા અનુસાર, જે રાત્રે તેનું મૃત્યુ થયું તે રાત્રે તેણે કહ્યું હતું કે તેને ભૂખ લાગી છે.
ત્યાં કોઈ વાહન ન હોવાથી, હનીનને ગધેડા ગાડીમાં હોસ્પિટલ લઈ જવામાં આવી. જ્યાં તબીબે જણાવ્યું કે ભૂખ અને તરસથી તેનું મૃત્યુ થયું છે. સાલેહે કહ્યું- તેને રોજ ખાવાનું મળતું નહોતું. યુએનની મદદ ઘણા દિવસોના પછી તેમના સુધી પહોંચે છે.
ઇઝરાયલને હજારો બોમ્બ મળશે
હમાસ વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકા ઇઝરાયલને બોમ્બ અને હથિયારો મોકલવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકન મીડિયા હાઉસ ધ વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, ઇઝરાયલને લગભગ 500 પાઉન્ડની કિંમતના એક હજાર MK-82 બોમ્બ અને KMU-572 દારૂગોળા આપવામાં આવશે. KMU-572 દારૂગોળો ચોકસાઇ સાથે લક્ષ્યોને હિટ કરવામાં સક્ષમ છે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ દરેક મંચ પર જઈને યુદ્ધ રોકવાના પ્રયાસના દાવા કરી રહ્યા છે.
દાવા મુજબ, ઇઝરાયલને હથિયારો મોકલવાની ડીલનું એસેસમેન્ટ સામે આવ્યું છે. જેમાં અમેરિકાએ આ આશંકાઓને ફગાવી દીધી છે કે આ હથિયારોનો ઉપયોગ માનવાધિકારના ઉલ્લંઘનમાં થશે. જ્યારે ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં 28 હજાર લોકોના મોત થયા છે. જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે.
બાઈડને કહ્યું- મેં નેતન્યાહૂને યુદ્ધ રોકવા માટે કહ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન કોંગ્રેસ દ્વારા ઠરાવ પસાર કર્યા વિના અત્યાર સુધીમાં બે વખત ઇઝરાયલને શસ્ત્રો મોકલી ચૂક્યા છે. વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, અમેરિકા ઇઝરાયલને જે દારૂગોળો મોકલવાની તૈયારી કરી રહ્યું છે. તેનાથી ગાઝામાં 19 અઠવાડિયા સુધી યુદ્ધ ચાલુ રહી શકે છે.
ઇઝરાયલે માંગણી કરી છે કે આ શસ્ત્રો તેમને વહેલી તકે મોકલવામાં આવે. બીજી તરફ, શુક્રવારે બાઈડને કહ્યું હતું કે તેણે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી છે અને સીઝફાયર કરવાની માંગ કરી છે.
બ્લિંકને કહ્યું કે ઇઝરાયલ-આરબ દેશો વચ્ચેના સંબંધો સુધારવાની તક
યુદ્ધની એક તરફ આરબ દેશો ઇઝરાયલ અને અમેરિકા પાસેથી તાત્કાલિક યુદ્ધવિરામની માગણી પર મક્કમ છે. તેમજ, અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે આ સમયે ઇઝરાયલ અને આરબ દેશો પાસે પોતાના સંબંધો સુધારવાની તક છે.
જર્મનીમાં આયોજિત મ્યુનિખ સિક્યોરિટી કોન્ફરન્સમાં બ્લિંકને કહ્યું કે તમામ આરબ દેશો આ ક્ષેત્રમાં સુરક્ષા અને સ્થિરતા માટે ઇઝરાયલ સાથે મળીને કામ કરવા ઈચ્છે છે. જેથી ઇઝરાયલ સુરક્ષિત અનુભવી શકે.
કોન્ફરન્સ દરમિયાન, બ્લિંકને અલગ પેલેસ્ટિનિયન રાજ્યની માંગને પણ યોગ્ય ઠેરવી હતી, જેનો ઇઝરાયલ વિરોધ કરી રહ્યું છે.
અમેરિકાએ કહ્યું- લોકોને મદદ કરી રહેલા પોલીસ અધિકારીઓને ઇઝરાયલ મારી રહ્યું છે
8 ઓક્ટોબરે શરૂ થયેલા ઇઝરાયેલ-હમાસ યુદ્ધ બાદ અમેરિકાએ સતત નેતન્યાહૂની સરકારને સમર્થન આપ્યું છે. દરેક વખતે એવું કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલ સ્વરક્ષણમાં ગાઝા પર હુમલો કરી રહ્યું છે. આ દરમિયાન શનિવારે પહેલીવાર અમેરિકાએ યુદ્ધ મામલે ઇઝરાયલની ટીકા કરી છે.
મિડલ ઈસ્ટમાં અમેરિકાના રાજદ્વારીએ કહ્યું કે ઇઝરાયલ પોલીસ કમાન્ડરોને નિશાન બનાવી રહ્યું છે જે ગાઝાના લોકોને મદદ પહોંચાડી રહ્યા છે. જેના કારણે ડિલિવરી અને ડિસ્ટ્રિબ્યુશનની કામગીરી ખોરવાઈ રહી છે.