News Updates
RAJKOT

અમદાવાદ પહોંચવા માટે સમય-ખર્ચ બચશે:રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેક 116 કિલોમીટર એરિયાની કામગીરી પુર્ણ, PM મોદીના હસ્તે લોકાર્પણ થશે

Spread the love

આગામી 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેમના હસ્તે ગુજરાતની સૌપ્રથમ એઇમ્સ તેમજ સૌરાષ્ટ્રની સૌથી મોટી જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આ સાથે જ 1,056 કરોડના ખર્ચે તૈયાર થયેલા રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેક પ્રોજેક્ટનું પણ લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. જેને લઈને અમદાવાદ જવામાં સમય અને ખર્ચની બચત થશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં લોકોને અમદાવાદ પહોંચવું સરળ બનશે.

અમદાવાદ પહોંચવામાં એકાદ કલાકનો સમય ઘટશે
મળતી માહિતી અનુસાર રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે 1,056 કરોડના ખર્ચે ડબલ ટ્રેકની કામગીરી ઘણા સમયથી પૂર્ણ થઈ ચૂકી છે. અત્યારે રાજકોટ-કાનાલૂસની 1,080 કરોડના ખર્ચે થનાર કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ખાસ કરી રાજકોટ-અમદાવાદ વચ્ચે ડબલ લાઈનનું કામ પુરૂ થતાં ટ્રેનમાં હવે રાજકોટથી અમદાવાદ જવા માટે સમયની બચત થશે. રાજકોટથી અમદાવાદ સુધી પહોંચવામાં એકાદ કલાકનો સમય ઘટશે. તેમજ ડીઝલ માટેના ખર્ચમાં ઘટાડો થતા નાણાંની પણ બચત થશે.

116 કિલોમીટર એરિયાની કામગીરી પુર્ણ
રાજકોટ અને સુરેન્દ્રનગર વચ્ચેનાં કુલ 116 કિલોમીટર એરિયાનાં ડબલ ટ્રેકની કામગીરી રેલવે દ્વારા પૂર્ણ કરાઈ હતી. ચારેક વર્ષ ચાલેલી આ કામગીરી માટે કુલ રૂપિયા 1,056 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. ડબલ ટ્રેક થતા ટ્રેનોની ફ્રિક્વન્સી વધશે, સમયનો બચાવ થશે અને ટ્રેનોની ગતિ પણ વધશે. સિંગલ ટ્રેક હોવાથી ટ્રેનોના ક્રોસિંગ સમયે સમયનો ખૂબ બગાડ થતો હતો. આ ટ્રેક પર ગુડઝ અને પેસેન્જર ટ્રેનોનો 147% ટ્રાફિક રહેતો હતો અને સિંગલ ટ્રેક હોવાથી ટ્રેનોનું ક્રોસિંગ કરવામાં સમયનો બગાડ થતો હતો. જોકે હવે ડબલ ટ્રેક તૈયાર થતા સમયની બચત થશે.

સૌરાષ્ટ્રભરના મુસાફરોને રાહત
હાલ વંદેભારત, શતાબ્દી રાજધાની જેવી હાઈસ્પિડ ટ્રેનો અમદાવાદથી ચાલી રહી છે. જેને કારણે સૌરાષ્ટ્ર અને રાજકોટવાસીઓને ટ્રેનોનો લાભ લેવો હોય તો અમદાવાદ જવું પડે છે અને ત્યાંથી આ ટ્રેનો પકડવી પડે છે. જેથી લોકોના સમયનો વ્યય થાય છે. પરંતુ ડબલ ટ્રેકનું કામ પૂરું થતાં આવનારા ટુંક સમયમાં જ રાજકોટને લાંબા અંતરની હાઈસ્પિડ ટ્રેનો મળશે. જેથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરના મુસાફરોને રાજકોટથી જ આ હાઈસ્પિડ ટ્રેનોનો લાભ મળતા તેમનો સમય બચશે.

પમ્પીંગ સ્ટેશનનું પણ લોકાર્પણ
આ ઉપરાંત રૂડાના 22 ગામ માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા 95 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ પમ્પીંગ સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવશે. હડાળાથી વિજયનગર સુધી પાઈપલાઈન નાખવામાં આવી છે. હવે સમ્પ બનાતા રૂડાના 22 ગામોને નિયમિત પાણી મળશે. તેમજ અમરેલીમાં રૂ. 56 કરોડના ખર્ચે સબ સ્ટેશન, સુરેન્દ્રનગરમાં 87 કરોડના ખર્ચે શાપર સબ સ્ટેશન, ભાવનગરમાં 53 કરોડના ખર્ચે સોલાર પાવર પ્રોજેક્ટનું લોકાર્પણ અને પાલિતાણામાં રૂ. 245 કરોડના ખર્ચે હોસ્પિટલનું પણ ભૂમિ પૂજન કરવામાં આવશે.

અટલ સરોવર અને સ્માર્ટ સિટીનું લોકાર્પણ કેન્સલ
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનનાં હસ્તે રાજકોટનાં અટલ સરોવર તેમજ સ્માર્ટ સિટીનું પણ લોકાર્પણ થનાર હતું. જોકે આ લોકાર્પણ મુલતવી રાખવામાં આવનાર હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, કામગીરી પૂર્ણ થવાની મુદ્દત જુનમાં પૂર્ણ થવાની છે. ઉતાવળે કામ કરવામાં આવે તો અનેક ક્ષતિઓ રહેવાની શક્યતા છે અને લોકાર્પણ કર્યા બાદ કામગીરી ચાલુ રહે તેનો કોઈ મતલબ નથી. જેને કારણે હાલ અટલ સરોવર અને સ્માર્ટ સિટીનું લોકાર્પણ PM મોદીના હસ્તે કરવાનું કેન્સલ કરવામાં આવ્યું છે.


Spread the love

Related posts

રાજકોટથી દ્વારકા, સોમનાથ, અમદાવાદ, સુરત જેવાં સ્થળોએ જવા માટે 5 નવેમ્બરથી 150 એક્સ્ટ્રા બસો દોડાવાશે

Team News Updates

રાજસ્થાનના ડેપ્યુટી CM રાજકોટના પ્રવાસે:લોકસભા ચૂંટણીમાં ભાજપ 400થી વધુ બેઠક સાથે જીતશે, વિપક્ષોના INDIA ગઠબંધનનું નામ નિશાન નહીં રહે: દિયા કુમારી

Team News Updates

ડિલિવરી બાદ મોતની આંચકી:રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લોહીનો બાટલો ચડાવતી વખતે તબિયત લથડયા બાદ પ્રસૂતાનું મોત, એક વર્ષ પૂર્વે થયા હતા લગ્ન

Team News Updates