રાજકોટ શહેરનાં કુબલીયાપરા સહિત કેટલાક વિસ્તારોમાં લાંબા સમયથી દેશી દારૂનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. જોકે અચાનક પોલીસનું ધ્યાન આ તરફ ગયું હોય તેમ 6 પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા કુબલીયાપરા વિસ્તારમાં સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન જુદી-જુદી 10 મહિલાઓ સહિત કુલ 16 લોકો સામે 18 જેટલા ગુનાઓ નોંધાયા હતા અને તેલના ડબ્બામાં ભરેલા 6,600 લીટર આથા સહિત કુલ 7,300 લીટર જેટલા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જોકે દેશી દારૂના આ બધા હાટડાઓ ફરી ધમધમતા ન થાય તો પોલીસની કાર્યવાહી સાર્થક ગણાશે.
મહિલાઓ પાસેથી દારૂનો જથ્થો
મળતી માહિતી અનુસાર થોરાળા PI ઝણકાત, બી ડીવીઝન PI બારોટ, આજી ડેમ PI ચાવડા, કુવાડવા PI અકબરી, એરપોર્ટ PI ગામીત અને ભક્તિનગર PI સરવૈયા અને તેમની ટીમો દ્વારા કુબલિયાપરામાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં મહિલા સોલંકીને 20 લીટર દારૂ સહિત 960ના મુદામાલ સાથે, પરમારને 20 લીટર દારૂ સહિત 1,260ના મુદામાલ સાથે તેમજ ઉધરેજાને 10 લીટર દારૂ સહીત 520ના મુદામાલ સાથે, હરેશ રસિકભાઈ સોલંકીને 160 લીટર દેશીદારૂ સહીત 5,600ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
અન્ય કેટલીક મહિલા-પુરૂષ પાસેથી દારૂનો જથ્થો
આ ઉપરાંત અન્ય પરમારને 70 લિટર દેશી દારૂ સહિત 3,800ના મુદામાલ સાથે, મહેશ ઉર્ફે બાબો મનોજ દેલવાડીયાને 60 લીટર દેશી દારૂ સહિત 3,100ના મુદામાલ સાથે, મહિલા રાઠોડને 25 લીટર દેશી દારૂ સહિત 1,160ના મુદામાલ સાથે, જનક ભનુભાઈ સોલંકીને 12 લીટર દેશી દારૂ સાથે, મહિલા મકવાણાને 60 લીટર દેશી દારૂ સાથે, પ્રકાશ નાથાભાઈ સોલંકીને 60 લીટર દેશી દારૂ સહિત 2,760ના મુદામાલ સાથે દબોચી લેવાયા હતા.
કુબલીયાપરામાં 18 કેસ નોંધાયા
એટલું જ નહીં કરણ વિનુ સોલંકીને 7 લીટર દારૂ સાથે, મહિલા વઢવાણીયાને 7 લીટર દારૂ સાથે, મહિલા સોલંકીને 200 લિટર પ્રવાહી સાથે, મહિલા સોલંકીને 5 લીટર દેશી દારૂ સાથે, મુકેશ સોલંકીને 1520 લીટર આથા સાથે, મહિલા સોલંકીને 15 લીટર દારૂ સાથે ઝડપી લીધા હતા. આમ પોલીસે કુબલીયાપરામાં 18 કેસ નોંધી 10 મહિલા અને 6 પુરુષની ધરપકડ કરી 711 લીટર દારૂ, ભઠ્ઠીના સાધનો સહિત 27,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દારૂના અડ્ડા કાયમી ધોરણે બંધ કરવા જરૂરી
ઉલ્લેખનીય છે કે, સમયાંતરે પોલીસ દ્વારા કુબલીયાપરા જેવા વિસ્તારોમાં દરોડા પાડી થોડા કેસ કરીને જ સંતોષ માની લેવામાં આવે છે. જોકે આવા સ્થળોએ ગણતરીના દિવસોમાં ફરી દેશી દારૂનો વેપલો ધમધમતો થઈ જતો હોય છે. ત્યારે આવા વિસ્તારમાં રેગ્યુલર ચેકીંગ કરીને દેશી દારૂના હાટડાઓ કાયમી ધોરણે બંધ કરવામાં આવે તે જરૂરી છે. બાકી પોલીસની આ કાર્યવાહી અગાઉની માફક માત્ર ફોટોસેશન જેવી બની રહેશે.