અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો વધતા નાગરિકોને ગરમીનો અહેસાસ થવાની શરૂઆત થઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં હવામાન વિભાગ દ્વારા નોંધાયેલાં લઘુત્તમ તાપમાનનો પારો બે ડિગ્રી સુધી ઘટ્યો હોવાની જાણકારી મળી છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાનું કારણ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હોઈ શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનું તાપમાન યથાવત છે. બાકીના ગુજરાતના તમામ ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
વાદળછાયા વાતાવરણથી ભેજનું પ્રમાણ વધુ રહેશે
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમા અંશતઃ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણના ઊપરી સ્તરમાં વાદળો બંધાશે, પરંતુ આ વાદળોને કારણે ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી. વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધુ રહેશે. તેથી દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહે તેવી શક્યતાઓ છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં રાજ્યભરમાં ઘટાડો નોંધાયો છે. એકા એક તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થતા રાત્રિ દરમિયાન અને વહેલી સવારે સામાન્ય ઠંડીનો અહેસાસ થાય છે. જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થતાં બેવડી ઋતુનો અનુભવ થશે. બેવડી ઋતુને કારણે રોગચાળામાં પણ વધારો થાય તેવી શક્યતાઓ છે. મુખ્યત્વે લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં વધુ તફાવત હોવાથી વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થાય છે. હાલમાં રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન સમગ્ર રાજ્યભરમાં 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછુ રહે છે. પવનની ગતિ પણ સામાન્ય હોવાને કારણે રાજ્યભરમાં આગામી 48 કલાક માટે તાપમાન યથાવત રહેવાની સંભાવના છે.
ક્યાં કેટલું તાપમાન નોંધાયું
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ગાંધીનગર શહેરમાં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કચ્છનું નલિયા રાજ્યભરમાં સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. છેલ્લા 24 કલાકમાં નલિયાનું લઘુતમ તાપમાન 11.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓના લઘુત્તમ તાપમાનમાં ફેરફાર ન થતાં તાપમાન યથાવત રહ્યું હતું. છેલ્લા 24 કલાકમાં સુરત શહેર રાજ્યભરમાં સૌથી વધુ લઘુત્તમ તાપમાન ધરાવતું શહેર રહ્યું હતું. સુરતમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 21.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી 3-4 દિવસ બાદ ફરીથી રાજ્યભરના લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.