મુંબઈ હાઈ ફિલ્ડની શોધ ફેબ્રુઆરી 1974માં રશિયન અને ભારતીય ટીમ દ્વારા કરવામાં આવી હતી. જોકે આ ઓઈલ ફિલ્ડમાંથી ઉત્પાદન વર્ષ 1976માં શરૂ થયું હતું. શરૂઆતમાં દરરોજ માત્ર 3,500 બેરલ તેલનું ઉત્પાદન થતું હતું અને ત્રણ વર્ષમાં તે 80,000 બેરલ પ્રતિ દિવસ સુધી પહોંચ્યું હતું.
ભારત સરકારની એક કંપનીને 50 વર્ષ પહેલા સમુદ્રની વચ્ચે એક એવો ‘અમૂલ્ય ખજાનો’ મળ્યો હતો, જેણે દેશની પ્રગતિની નવી ગાથા લખી હતી. આ સાથે જ તે ભારત સરકાર અને કંપની માટે આવકનો એક મોટો સ્ત્રોત પણ બન્યો હતો. આજે જ્યારે આ ખજાનાની ખોજને 50 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે પણ તે મોટી કમાણી કરી રહી છે.
ઓઈલ ફિલ્ડની શોધને 50 વર્ષ થયા
અમે મુંબઈ હાઈ ઓઈલ ફિલ્ડ ઓફ ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) વિશે વાત કરી રહ્યા છીએ. સમુદ્રની વચ્ચે મળી આવેલા આ ઓઈલ ફિલ્ડની શોધને 50 વર્ષ વીતી ગયા છે, પરંતુ આ ઓઈલ ફિલ્ડ હજુ પણ ઉત્પાદન કરી કંપનીને આવક કરાવી રહ્યુ છે. તેની શોધ સાથે અથવા તેના બાદ શોધાયેલા ઘણા તેલ અને ગેસ ફિલ્ડમાં પ્રોડકશન લાંબા સમય પહેલા બંધ થયું છે.
527 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન થયું
મુંબઈના દરિયા કિનારાથી અંદાજે 160 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં બનેલ મુંબઈ હાઈ, દેશના સૌથી મોટા ઓઈલ ફિલ્ડમાંથી એક છે. તેના 50 વર્ષ પૂર્ણ થવા પર ONGCએ મુંબઈમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. છેલ્લા 50 વર્ષમાં મુંબઈ હાઈમાંથી 527 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ અને 221 બિલિયન ક્યુબિક મીટર ગેસનું ઉત્પાદન થયું છે. આ અત્યાર સુધીના ભારતના કુલ સ્થાનિક ઉત્પાદનના લગભગ 70 ટકા છે.
ત્રણ વર્ષમાં ઉત્પાદન 80,000 બેરલ પ્રતિ દિવસ થયું
મુંબઈ હાઈ ફિલ્ડની શોધ ફેબ્રુઆરી 1974માં રશિયન અને ભારતીય ટીમ દ્વારા કરવામાં આવી હતી. જોકે આ ઓઈલ ફિલ્ડમાંથી ઉત્પાદન વર્ષ 1976માં શરૂ થયું હતું. શરૂઆતમાં દરરોજ માત્ર 3,500 બેરલ તેલનું ઉત્પાદન થતું હતું અને ત્રણ વર્ષમાં તે 80,000 બેરલ પ્રતિ દિવસ સુધી પહોંચ્યું હતું.
વર્ષ 1978 માં સબ-સી પાઈપલાઈન નાખવામાં આવી
મુંબઈ હાઈથી મુંબઈની રિફાઈનરીઓ સુધી ક્રૂડ ઓઈલ લાવવા માટે વર્ષ 1978 માં સબ-સી પાઈપલાઈન નાખવામાં આવી હતી. તે પહેલા ટેન્કરમાં ક્રૂડ ઓઈલ રિફાઈનરીઓને મોકલવામાં આવતું હતું. ત્યારબાદ વર્ષ 1989 માં આ ઓઈલ ફિલ્ડમાંથી ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધીને 4,76,000 બેરલ પ્રતિ દિવસ થયું અને ગેસનું ઉત્પાદન 28 બિલિયન ક્યુબિક મીટર પ્રતિ દિવસ સુધી પહોંચી ગયું હતું.
જો કે હવે તેમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ હજુ પણ મુંબઈ હાઈમાંથી દરરોજ અંદાજે 1,35,000 બેરલ ક્રૂડ ઓઈલ અને 13 બિલિયન ક્યુબિક મીટર ગેસનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ ઓઇલ ફિલ્ડમાં હજુ પણ ભંડાર છે, જેના કારણે હજુ થોડા વર્ષો સુધી ઉત્પાદન ચાલુ રહેશે.