શહેરના પશ્ચિમ વિસ્તારમાં પંચવટી જંકશન પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા L આકારમાં બ્રિજ બનાવવામાં આવશે. પંચવટી જંકશનથી સીએન વિદ્યાલય સુધી બનનાર આ બ્રિજને કારણે 6 મહિના પહેલાં બનાવવામાં આવેલું ગીતા રાંભિયા સર્કલને તોડી પાડવામાં આવી શકે ચે. નવો બ્રિજ બની રહ્યો છે ત્યારે PPP ધોરણે ડેવલોપ કરવામાં આવેલું આ સર્કલ વચ્ચે નડતું હોવાના કારણે તેને તોડવાની જરૂરિયાત ઊભી થાય તો તેને તોડવામાં આવશે. જોકે, બ્રિજ બન્યા બાદ ફરીથી આ સર્કલને ડેવલોપમેન્ટ કરવામાં આવી શકે છે.
છ મહિના પહેલાં જ રીડેવલપ કરાયું સર્કલ
મ્યુનિસિપલ કોર્પોરેશનના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પંચવટી જંકશનથી સેન્ટ્રલ મોલ થઇ વિદ્યાલય સુધી 800 મીટરનો લાંબો ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે. સેન્ટ્રલ મોલથી સીએન વિદ્યાલયની વચ્ચે ગીતા રંભિયા સર્કલ આવેલું છે. જેને છ મહિના પહેલાં જ રી-ડેવલપમેન્ટ કરી નવું બનાવવામાં આવ્યું હતું. પંચવટી જંકશન ઉપર સૌ પહેલાં પંચવટીથી સેન્ટ્રલ મોલ સુધી જ ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવનાર હતો. જોકે, હવે ડિઝાઇનમાં ફેરફાર કરીને સીએન વિદ્યાલય સુધી બ્રિજને લંબાવવામાં આવતા હવે વચ્ચે સર્કલ નડે છે જેના કારણે આ સ્કલને તોડી પાડવામાં આવી શકે છે.
ટ્રાફિક વધતા L આકારમાં બનશે બ્રિજ
સર્વે મુજબ પંચવટીથી સેટેલાઈટ સીએન વિદ્યાલય તરફ વધારે ટ્રાફિક હોવાથી ત્યાં બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ સીએન વિદ્યાલય તરફનો પણ ટ્રાફિક ત્યાં વધુ હોવાના કારણે L આકારનો ફ્લાય ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પંચવટી જંકશનની સાથે પાંજરાપોળ ચાર રસ્તા ઉપર પણ ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે. જોકે, આ ફ્લાય ઓવરબ્રિજ બનાવવા મામલે પણ કેટલાક વાંધા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ મામલે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.